આણંદ : આણંદ શહેરના બાકરોલ – વડતાલ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળ ઇન્ટરનેશનલ શાળામાં મંગળવારના રોજ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. ગુરૂકુળમાં વિદ્યાર્થીઓને વોર્ડન અને સિનિયર વિદ્યાર્થી દ્વારા મારમારવામાં આવતો હોવાનો આક્ષેપ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા અને બાળકોનો પ્રવેશ રદ્દ કરી લીવીંગ સર્ટીફિકેટની માગણી કરી હતી. આ મામલો એટલો ગરમ થઇ ગયો હતો કે વાલીઓએ હાથમાં આવેલા વોર્ડનને પણ ઢીબી નાંખ્યો હતો. આ ઉપરાંત એક વાલીએ પોલીસને પણ લાફો મારી દીધો હતો. સમગ્ર શાળા પરિસરમાં વાલીઓનો આક્રોશ, બાળકોની રોકકળ અને પોલીસની બુમાબુમ સાંભળવા મળતી હતી.
આણંદના બાકરોલ – વડતાલ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળમાં બાળકોને અસહ્ય ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી હતી. બાળકોએ વાલીઓને ફરિયાદ કરી જણાવ્યું હતું કે, ગુરૂકુળમાં રહેવા – જમવા માટે કોઇ સારી વ્યવસ્થા નથી. બિમાર બાળકોની સારવાર પણ કરવામાં આવતી નથી. રૂમમાં સફાઇ પણ થતી નથી. સિનિયર બાળકો નાના બાળકો સાથે મનફાવે તેવું વર્તન કરે છે. એટલે સુધી કે બાળકોની જાતિય સતામણી પણ થઇ રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, વોર્ડન દ્વારા વિદ્યાર્થીઓને બેફામ મારમારવામાં આવી રહ્યો છે. નાના બાળકો પાસે શૌચાલયો પણ સાફ કરાવવામાં આવી રહ્યાં છે.
આ આક્ષેપને લઇને વાલીઓમાં ભારે રોષ ભડક્યો હતો. વ્હેલી સવારથી જ અમદાવાદ, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વાલીઓ ગુરૂકુળ આવી પહોંચ્યાં હતાં. જોકે, તે સમયે મુખ્ય દરવાજો બંધ હોવાથી વાલીઓએ બહાર જ પોતાનો રોષ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. મામલો સમજી ગયેલા ગુરૂકુળ સંચાલકોએ ઝાપો ખોલી નાંખતાં વાલીઓનું ટોળું સીધું મુખ્ય ઓફિસ સુધી પહોંચી ગયું હતું અને આચાર્ય સહિત હાજર સૌનો ઉધડો લેવાનો શરૂ કરી દીધું હતું. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતાં વિદ્યાનગર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. જોકે, તે પહેલા મોટી સંખ્યામાં વાલીઓ ગુરૂકુળમાં આવી પહોંચ્યાં હતાં અને પોતાના સંતાનોનો પ્રવેશ રદ કરી પરત લઇ જવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યાં હતાં.
સમગ્ર પરિસરમાં બાળકોની રોકકળ અને વાલીઓનો રોષ જોવા મળતો હતો. તેમાંય વોર્ડન દેખાતા વાલીઓએ તેને ઘેરી જાહેરમાં જ ઠમઠોરતા એક સમયે પોલીસને રક્ષણ આપવાની ફરજ પડી હતી. એક સમયે વાલીઓમાં એટલો ઉશ્કેરાટ હતો કે, પોલીસને પણ લાફો મારી દીધો હતો. મામલો સંવેદનશીલ જણાતાં આખરે વિદ્યાનગર પોલીસે તમામ વાલીઓને પરિસર છોડવા આદેશ આપ્યો હતો અને જેને લીવીંગ સર્ટીફિકેટ લેવાનું હોય તેમને જ ત્યાં રોકવા જણાવ્યું હતું. આશરે છ કલાક ચાલેલા હાઈડ્રામામાં આખરે સ્વૈચ્છીક સર્ટીફિકેટ આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
સંસ્થાને બદનામ કરવામાં આવી રહી છે: પ્રિન્સિપાલ
“ગુરૂકુળને પાંચ વર્ષ જેવો સમય થઇ ગયો છે. આ ગાળામાં ઘણી નામના મેળવી છે. આ સંસ્થાને બદનામ કરવામાં આવી રહી છે. બાળકોને તકલીફ હોય તો સંચાલકોનો સંપર્ક કરવો જોઈએ. બે વર્ષ કોરોનામાં બાળકો ઘરે રહ્યાં છે. આ ગાળામાં તેઓએ ઘરે ઘણી છુટછાટ લીધી છે. ગુરૂકુળમાં ખાસ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. વ્હેલી સવારે ઉઠવાથી લઇ સાંજ સુધી પ્રવૃત્તિનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જે કેટલાક બાળકોને ફાવ્યું નથી. આમ છતાં ફરિયાદમાં તથ્ય હશે તો સસ્પેન્ડ કરવામાં આવશે. ગુરૂકુળમાં 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે. તેમાંથી કેટલાકને રહેવું નથી એટલે ફરિયાદ કરે છે.’ – નંદન પટેલ, આચાર્ય, ગુરૂકુળ.
અમે ગંભીર રીતે ઘવાયેલા બાળકને વાલી લઇ જતા હતા
“અમારા બાળકને ગુરૂકુળમાં નાસ્તો આપવા આવ્યાં હતાં. તે સમયે ચાર – પાંચ વાલીઓ તેમને બાળકને લઇ જતાં હતાં. તેમાં એક બાળકને આંખે લોહી નિકળતું હતું. ગંભીર રીતે ઇજા પહોંચી હતી. તો એક બાળક દસ દિવસથી બિમાર હતો. સિક્યુરીટી અંદર જવા દેતાં નહતાં. અમારા બાળક પાસે કચરાં – પોતાનું કરાવતાં હતાં. વોર્ડન મારતાં હતાં, સિનિયર પણ મારતાં હતાં. આથી, અમે બાળકનો પ્રવેશ રદ કરવવા માંગીએ છીએ.’ – ભારતીબહેન પટેલ, વાલી.
27 જેટલા વાલીઓએ લિવીંગ સર્ટિફિકેટ માટે અરજી કરી
ગુરૂકુળમાં બાળકોને થતી પજવણીને લઇ વાલીઓમાં રોષ હતો. આથી, તેઓએ હોબાળો મચાવ્યો હતો. મામલો થાળે પડ્યા બાદ સાધુ આત્મસ્વરૂપ દાસ દ્વારા જે વાલીઓને લીવીંગ સર્ટિફિકેટ જોઇતા હોય તેમને આપી દેવા જાહેરાત કરી હતી. આથી, તેમની અરજી લેવાની પ્રક્રિયા હાથ ધરતાં 27 જેટલી અરજી મળી હતી. આ વાલીઓએ ફી પણ પરત માંગી હતી.