સુરત: મહિધરપુરાના મધ્યમવર્ગીય પરિવારમાં બનેલા કિસ્સાએ સમાજમાં ભારે ચકચાર જગાવી છે. આઠ દિવસ પહેલાં અચાનક ગાયબ થયેલી 19 વર્ષીય દીકરીને મા-બાપ શોધી રહ્યાં હતાં. દીકરીની ચિંતામાં તેઓ બેબાકળા બની ગયા હતા. પોલીસ સ્ટેશનના ધક્કાં ખાઈ રહ્યાં હતાં ત્યારે દીકરી દુબઈમાં ફરી રહી હતી.
- મહિધરપુરામાં 19 વર્ષની યુવતી ગુમ થઈ અને દુબઈ જઈને પરત આવી
- માતા-પિતાએ યુવતીને પડોશમાં રહેતા યુવાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી લીધો હોવાના આક્ષેપ કર્યા
- અઠવા પોલીસમાં યુવતીએ માતા-પિતા સાથે રહેવાનો ઇનકાર કર્યો
બે દિવસ પહેલાં દુબઈથી પરત આવી ત્યારે દીકરીની કરતૂત સામે આવી હતી. વળી, દુબઈથી પાછા આવ્યા બાદ દીકરીએ માતા-પિતા સાથે રહેવાનો સાફ ઈનકાર કરી દેતાં મા-બાપ પર આભ તૂટી પડ્યું હતું. આ કિસ્સાએ મહિધરપુરાના તળ સુરતીઓમાં ભારે ચકચાર જગાવી છે.
મહિધરપુરામાં રહેતા મહિધરપુરામાં મધ્યમવર્ગીય પરિવારની 19 વર્ષની દીકરી આઠ દિવસથી ગુમ થઇ હોવાની ફરિયાદ અઠવા પોલીસમાં દાખલ કરવામાં આવી હતી. દરમિયાન દીકરી બે દિવસ પહેલાં જાતે જ સુરત આવી પોલીસ સામે હાજર થઈ ગઈ હતી.
આ યુવતીએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, પોતે દુબઇ નોકરી કરવા માટે ગઇ હતી અને પોતે પગભર થવા માંગતી હોવાનું નિવેદન દાખલ કરાવ્યું છે. યુવતીએ તેનાં માતા-પિતા સાથે જવાનો ઇનકાર કરતાં તેને ફોઇના ઘરે મોકલી આપવામાં આવી હતી.
વિધર્મીએ પ્રેમમાં ફસાવી હોવાનો પરિવારનો આક્ષેપ
ત્યારે માતા-પિતા દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમની દીકરી મહિધરપુરામાં તેમના પડોશમાં રહેતા એક વિધર્મી યુવાન સાથે પ્રેમમાં ફસાઇ ગઇ છે. આ યુવાને દુબઇ જઇ તેને બોલાવી હતી. આ યુવતીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી લેવાયા હોવાના આક્ષેપ પણ માતા-પિતા દ્વારા કરવામાં આવ્યા છે. અઠવા પોલીસમાં યુવતીએ આ આક્ષેપો મામલે કોઇ સ્પષ્ટતા કરી નથી. અઠવા પોલીસે હાલ તો યુવતીને તેના ફોઇના ઘરે જવા દીધી છે, પરંતુ હાલ મહિધરપુરામાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.