Feature Stories

વાલીઓની અભિલાષાઓ… વાસ્તવિક કે અવાસ્તવિક???

વાચકમિત્રો,
ઉનાળાની ગરમીમાં પરીક્ષાની સીઝન ચાલુ જ છે. પ્રવેશપરીક્ષાઓની તારીખો આવી ગઇ છે. આવતી રહે છે. સાથે જ વાલી-વિદ્યાર્થી વચ્ચે વાદ-વિવાદ વધતા જ રહે છે. સંતાનોની કારકિર્દીમાં વાલીઓનો ફાળો સૌથી વધુ હોય છે. એક તો આર્થિક રીતે સંતાનો વાલીઓ પર આધારિત હોય છે. સાથે જ કયાંક ને કયાંક વાલીઓનાં જીવનની અસફળતા અને અધૂરી ઇચ્છાઓ પણ મહત્ત્વનાં પરિબળો બની રહે છે.

કુશાલ, એક  BBA પાસ થયેલો વિદ્યાર્થી. સેકન્ડ કલાસ મેળવ્યો છે. હાલમાં બીસલેરીના બાટલાના સપ્લાયરને ત્યાં મહિને 5000ના પગારે કામ કરે છે. માતાપિતાની પરિસ્થિતિ સામાન્ય કક્ષાની છે, નાનીસરખી કપડાંની દુકાન ચલાવે છે. મમ્મીને થોડી શારીરિક તકલીફો પણ છે. કુશાલનો ભવિષ્ય માટેનો કોઇ ચોક્કસ પ્લાન નથી, માર્ગદર્શન પણ નથી પરંતુ એ પોતાના ‘સ્વ’ની નબળાઇઓ અને મજબૂત પાસાંઓ જાણે છે જે વાલીને સ્વીકારવા નથી. વાલી કહે છે કે મહેનત કરીને IIM-Aમાં MBA કરે. કુશાલને ખબર છે એની કેપેસીટી એટલે પોતાની મર્યાદાઓની વાત નથી કરતો પણ કહે છે કે 20-25 લાખ આપો તો MBA કરું કહીને સતત ઝઘડતો રહે છે.

વાલીની આર્થિક મર્યાદા તો ખરી જ પણ IIM-Aમાં શું પૈસાથી એડમિશન મળી જાય? ના, જ મળે. માત્ર ને માત્ર તમારાં કેલીબર, કેટના સ્કોર પર અને PIના પર્ફોર્મન્સ પર મળે. જે વસ્તુ/પ્રક્રિયાથી યુવાન વાકેફ છે તો પછી શા માટે વાલીની સાથે સ્પષ્ટતા  કરતો નહીં હોય એવો પ્રશ્ન આપણને થાય પરંતુ કુશાલનું કહેવું છે કે એનાં માતાપિતા એવું માને છે કે સખત મહેનત કરશે તો ગણિતમાં પણ સારો સ્કોર લાવી શકશે અને IIM-Aમાં ભણી શકાશે. આવે વખતે વાલીઓને વાસ્તવિકતામાં લાવવા કે વાસ્તવિકતાનો સ્વીકાર કરાવવાનું ખૂબ જ કઠીન કામ હોય છે. હાલમાં માતાપિતાએ MBA એન્ટ્રન્સની તૈયારી માટે ફી ભરી દીધી છે અને કુશાલને પાણીનું કામ છોડવા માટે કહી રહ્યા છે પરંતુ દીકરો સાંભળતો નથી.

મિત્રો, આવા કિસ્સાઓ ઘરે ઘરે જોવા મળશે. જિંદગીનાં અમૂલ્ય વર્ષો અને પૈસાનો વેડફાટ અટકાવવા માટે થોડુંક મનન, ચિંતન અને નિરીક્ષણ જરૂરી છે. કોઇ પણ સંતાનને સૌથી વધારે જાણતું હોય તો તે એના કુટુંબીજનો અને ખાસ કરીને માતાપિતા જ છે. સંતાનો કોઇ પણ શાળામાં ઉચ્ચ અભ્યાસ કરે પણ એની પાસે ઘણી બધી કુશળતાઓનો સમન્વય હોવો જરૂરી છે.

– ધો.1 થી 12 અને 4G લેવલ સુધીના અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થી ઘણી બધી કુશળતાઓ વિકસાવતો જ હોય છે. લગભગ બધામાં જ બધી કુશળતાઓ થોડે ઘણે અંશે વિકસતી જ હોય છે. કોઇક વ્યકિતમાં એક- બે કુશળતા વધુ વિકસી જતી હોય છે જેવી કે પ્રત્યાયન (કોમ્યુનિકેશન)ની કુશળતા, બધાં જ વાતચીત દ્વારા પોતાનાં મંતવ્યો, વિચારો સામેવાળાને સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ કોઇકની આવડત એવી હોય કે ટાલિયા માણસને કાંસકો વેચીને આવે. કહેવાનું તાત્પર્ય કે તમારા સંતાનની કુશળતાઓ ઓળખો અને જેતે કારકિર્દી માટે તૈયાર કરો. ઘણાં introvert પર્સનાલીટી ધરાવતાx હોય એમને માર્કેટીંગના ક્ષેત્રે કેમ કરીને સફળતા વરે?

આજના યુગમાં સોફટ સ્કીલની વાતો કરીએ તો-
# Team work, critical thinking, networking, collaboration, adaptability જેવી મહત્ત્વની કુશળતા તમારી નોકરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આજના સમયમાં ‘વ્યકિત સ્વકેન્દ્રીકરણ’ વધુ જોવા મળે છે પરંતુ નોકરી, MNCમાં ટીમવર્ક, તમારી જટિલ વિચારસરણી, તમારી સુગમતા, નેટવર્કને જોડવાની આવડત તમને સફળતાના પંથે લઇ જશે.

# સાથે જ Technical skills: હમણાં ટોરન્ટ કંપની દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યૂ CSRના પ્રોજેકટ માટે રાખવામાં આવ્યા. તો માસ્ટર ડિગ્રી અભ્યાસ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓમાં કોમ્પ્યુટર લીટરસીનો અભાવ જોવા મળ્યો. આપણે ત્યાં ધો. 10-12ના વેકેશનમાં આગળનાં વર્ષોનું ભણાવવાના વર્ગો શરૂ થઇ જાય અને એના પર ભાર આપવામાં આવે પરંતુ વર્ડ, એકસલ, પીપીટી કે અન્ય ફોર્મેટમાં કામ કરતાં વિદ્યાર્થીઓને ફાંફાં પડે છે. ટેકનોલોજીકલ સ્કીલ્સ ખૂબ જ જરૂરી છે. જેની આવડત ગ્લોબલ નેટવર્કીંગમાં મદદરૂપ થાય છે. સાથે જ તમને ટીમ લીડર તરીકે ઊભરવાની તકો પૂરી પાડે છે માટે યુવાનોએ, વિદ્યાર્થીઓએ જયારે પણ સમય મળે ત્યારે વિવિધ ટેકનોલોજીના ટુલ્સ વિષે જ્ઞાન તેમ જ પ્રેકટીસ કરી મહાવરો કરવાની તક ઝડપવી જોઇએ. પ્રવેશનાં ફોર્મ ભરતી વખતે પણ સાઇબરમાં જઇને ભરવાવાળા ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે. – જો તમારી પાસે સોફટ સ્કીલ્સ, ટેકનોલોજીકલ સ્કીલ હશે પણ સોશ્યલ સ્કીલ્સ નહીં કેળવી હશે તો બંને સ્કીલથી થતાં ફાયદા જણાશે નહીં.

# મેનેજીંગ રીલેશનશીપ્સ, અન્ડરસ્ટેન્ડીંગ ફીલીંગ ઓફ અધર્સ, કો.ઓપરેશન, એટીટયુડ, બીજા પ્રત્યેનો આદર, રીસ્પેકટ, એકટીવ લીસનીંગ… મિત્રો ઉપર જણાવેલ સોશ્યલ સ્કીલનો વિકાસ ઘરમાંથી થઇ વર્કપ્લેસ તરફ જતો હોય છે. માટે માતાપિતાએ નાનપણથી જ ત્રણે કુશળતા વિકસાવવાનો પ્રયત્ન- એ પણ જાગૃત પ્રયત્ન કરવો જોઇએ અને દરેક બાળક કંઇક સ્પેશ્યલ પર્સનાલીટી ટ્રેઇટ લઇને આવે છે તેને ઓળખી, સ્વીકારી, આગળ વધારવાનો વિચાર-વિમર્શ જ શકિતઓને સાચા માર્ગે લઇ જશે. જીવનમાં હતાશાના બદલે ઉમંગ ભરાશે.

Most Popular

To Top