SURAT

MBBS કોર્ષની ફીમાં બે ગણો વધારો થતાં સુરતમાં વાલી-વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

સુરત: ભણતર મોંઘું થઈ ગયું છે, પરંતુ હવે તો હદ થઈ છે. એમબીબીએસના કોર્ષની ફી ડબલ કરી દેવાઈ છે, જેના લીધે વાલી-વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સુરતમાં વાલી અને વિદ્યાર્થીઓએ ફી વધારા સામે વિરોધ નોંધાવ્યો છે. આજે વાલી અને વિદ્યાર્થીઓએ સુરત જિલ્લા કલેક્ટર કચેરી પર દેખાવ યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

સુરતમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હાલ રોષ વ્યાપેલો છે. MBBSના અભ્યાસમાં અસહ્ય ફી વધારો અટકાવવા GMERS કોલેજો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાયું છે. કલેક્ટર કચેરી ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા GMERS કોલેજોમાં અસહ્ય ફી વધારો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ફી વધારાના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે MBBSનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી ગવર્મેન્ટ ક્વોટાની ફી 3.30 લાખ હતી. તે વધારીને 5.50 લાખ કરવામાં આવી છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી 9 લાખ હતી. તે વધારીને 17 લાખ કરી દેવાઈ છે. મધ્યમ વર્ગ અને ગરીબો માટે આટલી ઊંચી રકમની ફી ભરવી અશકય છે. એક તો આ વર્ષ દરમિયાન NEETની EXAMમાં ગેરરીતી થઈ છે. જેના કારણે જે કટ ઓફ મેરીટ ઘણું ઉંચુ ગયુ છે. તેનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી. ત્યાં આ ફી વધારો દાઝ્યા પર ડામ આપવાનું કામ કરે છે.

વાલીઓએ કહ્યું કે, સરકાર સરકારી બેઠક વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે, ડોકટર બનવાનો હક્ક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી. ગરીબો અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી પણ ડોકટર બની શકે અને સમાજને તંદુરસ્ત બનાવવાની પોતાની ફરજ અદા કરી શકે છે. આ તોતિંગ ફી વધારો રદ કરવા માંગ કરાઈ છે. ગયા વર્ષ જેટલી જ ફી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top