પારડી: (Pardi) પારડીમાં ધોળે દિવસે પણ ચોરીની (Theft) ઘટનાને અંજામ આપતા તસ્કરોએ (Thief) પારડી પાલિકાના માજી સિનિયર ક્લાર્કના બંધ ફ્લેટને નિશાનો બનાવી કબાટમાંથી 4 તોલા સોનુ (Gold) સહિત રૂ. 20 હજાર રોકડા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પારડી નગરમાં ચકચાર મચી જવા પામી હતી.
- તસ્કરો ઘરમાં 10 રૂપિયાની 100 નોટનું બંડલ છોડી ગયા
- પારડીમાં પાલિકાના માજી સિનિયર ક્લાર્કની પત્ની બેંકમાં ગઈ ને તસ્કરો 4 તોલા સોના સહિત 20 હજાર રોકડા ચોરી ગયા
- તસ્કરો ચોરી કરીને એક કેળાની લારી પર દસ્તાવેજ ભરેલું પર્સ પણ મુકી ગયા
પારડી ચીવલ રોડ સ્થિત અબુ જૈનત મંજિલ એપાર્ટમેન્ટના પ્રથમ માળે પારડી પાલિકાના માજી સિનિયર ક્લાર્ક સ્વ. અબ્દુલ ઉર્ફે બાબાભાઈ મણિયારનો ફ્લેટ આવેલો છે. મંગળવારે બપોરના 2 થી 3.30 વાગ્યાના સુમારે તેમની પત્ની ફરીદાબેન અબ્દુલ મણીયાર કામ અર્થે બેંકમાં ગયા હતા. તે દરમ્યાન કોઈ તસ્કરો દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. જેઓએ બે કબાટ ખોલી અંદર મુકેલા સોના-ચાંદીના દાગીનામાં 4 તોલાનું એક મંગળસૂત્ર, 10 હજારની કાનની બુટ્ટી તેમજ રોકડા રૂ. 20 હજાર અને 4 બગસરા બંગડીની ચોરી કરી ગયા હોવાનું ફરીદાબેન મણિયારએ જણાવ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરતા સ્થળ પર આવી પહોંચી હતી. તસ્કરોએ ચોરીનો અંજામ આપ્યો તે દિશામાં સીસી કેમેરાના ફૂટેજ આધારે પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તસ્કરો ચોરી કરીને ડો.લતેશ પટેલના ક્લિનિકની બાજુમાં એક કેળાની લારી પર દસ્તાવેજ ભરેલું પર્સ અને ઘરમાં પલંગ પર 10 રૂપિયાની 100 નોટનું બંડલ છોડી ગયા હતા. પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.
બરડીપાડા રેંજમાંથી ૧૬ નંગ સાગી ચોરસા સાથે ટવેરા પકડાઇ
સાપુતારા : ઉત્તર ડાંગ વન વિભાગનાં બરડીપાડા રેંજનાં ખોખરી ગામની સીમમાથી, ગેરકાયદેસર રીતે સાગી લાકડાની તસ્કરી કરી કેટલાક ઇસમો તેને ટવેરા ગાડીમાં ભરી રહ્યા હોવાની બાતમી, વન વિભાગને મળી હતી. આ બાતમીનાં આધારે વન અધિકારીઓ તથા વનકર્મીઓએ સ્થળ ઉપર ઘસી જતા સાગી લાકડા ભરેલી ટવેરા ગાડી નંબર-GJ05 CH 9347 નજરે પડી હતી. જેને છોડીને અંધારાનો લાભ લઈ તસ્કરો ગાડી છોડીને પલાયન થઈ ગયા હતા. કારમાંથી ૧૬ નંગ સાગી ચોરસા (૦.૭૫૩ ઘનમીટર) તથા ટવેરા મળી ૨.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી, વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક મનેશ્વર રાજાના માર્ગદર્શન હેઠળ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસના નેતૃત્વ હેઠળ ફોરેસ્ટ ઓફિસર સતિષ પરમાર તથા વનકર્મીઓ એન.એમ.ચૌહાણ, એચ.કે.ચાવડા તથા ડી.એસ.હળપતિએ લાકડા ચોરીને નાકામયાબ બનાવી હતી.