વલસાડ શહેરને અડીને આવેલું પારડી સાંઢપોર ગામ શહેરનો જ એક ભાગ કહી શકાય એવું છે. જો કે, અહીં શાસન ગ્રામ પંચાયતનું છે. અહીં 90 ટકા વિસ્તારમાં ગટર વ્યવસ્થા, 80 ટકા ઘરોમાં પીવાના મીઠા પાણીની વ્યવસ્થા, પાકા ડામરના રોડ અને પેવર બ્લોકના રસ્તા અને રોજિંદી સફાઇનું કાર્ય વલસાડ નગરપાલિકાને ટક્કર મારે એવું છે. વલસાડના સ્થાનિકો અને ગુજરાત તેમજ અન્ય રાજ્યો મળી અંદાજિત 15 હજારની વસતી ધરાવતા આ ગામે છેલ્લાં 15 વર્ષમાં સફળતાની હરણફાળ ભરી છે. વલસાડ તાલુકાનું આ ગામ ખૂબ અગત્યનું છે. આ ગામ ધાર્મિક અને સામાજિક રીતે ખૂબ અગ્રતા ક્રમે છે. ભૌગોલિક દૃષ્ટિએ પણ વલસાડને અડીને આવ્યું હોવાના કારણે અને પાલિકાના વોટર વર્કસ, ડમ્પિંગ સાઇટ અને સ્મશાનભૂમિના કારણે તેની અગત્યતા કંઇક અનોખી છે. વલસાડના આ ગામમાં રસ્તા, પાણી, ગટર વ્યવસ્થા, લાઇટ, સફાઇ જેવી સુવિધા વખાણવાલાયક છે. આ ગામે વલસાડને સરકારી વકીલ, અનેક સેવાભાવી નાગરિકો તેમજ વિશિષ્ટ સિધ્ધિ ધરાવતા લોકો આપ્યા છે.
લક્ષ્ય: ગામનું બ્યુટિફિકેશન
સરપંચ ધર્મેશ ભોલા દ્વારા ગામમાં રસ્તા, પાણી અને ગટરની સુવિધા બાદ ગામના બ્યુટિફિકેશન માટે આયોજન કરાઇ રહ્યું છે. અહીંના દોળિયા તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું કામ તેમણે હાથ પર લીધું છે. તળાવ ફરતે તેમણે વોક-વે બનાવ્યો છે. હજુ તેને વિકાસ કરી વલસાડ શહેરના લોકોને પણ એક પ્રવાસન સ્થળ પૂરું પાડવાની તેમની નેમ છે. આ સિવાય છીપવાડ નાળાથી ગુંદલાવ ચોકડી સુધી ફોર લેન રોડ બનાવવાની પણ તેમની રજૂઆત છે. આ ગામ અંતર્ગત આવતી અને વલસાડની જીવાદોરીસમાન ઔરંગા નદી પર નવા પુલ બનાવવા અને તેમના પર વધુ એક ચેકડેમ બનાવવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. ઔરંગા નદી પર પાળો બનાવવાની પણ તેમણે રજૂઆત કરી છે.
હાર્ડવેર અને સેનેટરી આઇટમોનું હબ
પારડી સાંઢપોરમાં હાર્ડવેરની અનેક દુકાનો ધમધમે છે, જેમાં લોખંડ મટિરિયલ્સ મળી રહે છે. વલસાડના લોકો પણ મોટી ખરીદી માટે અહીંની દુકાનો પર જ આધાર રાખે છે. આ સાથે અહીં સિરામિકની ચીજવસ્તુઓ વેચતી સેનેટરી આઇટમોની દુકાનનો પણ મોટી સંખ્યામાં છે. આ સિવાય અહીં સિમેન્ટની વેચાણ કરતી પણ અનેક એજન્સીની દુકાન ધમધમી રહી છે.
ગામને સીસીટીવી કેમેરા અને વાઇફાઇથી સજ્જ કરાશે
પારડી સાંઢપોર ગામ વલસાડનું પ્રવેશદ્વારસમું છે. અહીં સ્થાનિકો ઉપરાંત અન્ય જિલ્લા કે અન્ય રાજ્યના અનેક લોકો આવીને વસ્યા છે. જેને લઇ અહીંની ગુનેગારી ડામવા આખા ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાની તૈયારી ચાલી રહી છે. આ સાથે અહીંના લોકો ડિજિટલ ઇન્ડિયા સાથે જોડાય એ માટે ગામમાં વાઇફાઇ ઇન્ટરનેટ સેવા પણ વિનામૂલ્યે ઉપલબ્ધ થાય એવા પ્રયાસ ચાલુ છે.
ગામને ગૌરવ અપાવતા નાગરિકો
વલસાડ જિલ્લાની સેસન્સ કોર્ટના ડીજીપી (સરકારી વકીલ) અનિલ ત્રિપાઠી પારડી સાંઢપોરના રહીશ છે. આ સિવાય આદિવાસી આગેવાન અને કોરોના સમયે માત્ર 48 કલાકમાં 103 કોરોનાગ્રસ્ત મૃતકોનાં અગ્નિસંસ્કાર કરી લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને વલ્ડ રેકોર્ડમાં નામ નોંધાવનારા આદિવાસી ટ્રસ્ટના પ્રમુખ રમણભાઇ પટેલ પણ આ ગામના વતની છે. સમર્થ મહિલા ઉત્કર્ષના કાર્યક્રમ અને ગરીબ દીકરીઓને શિક્ષણ માટે કાર્યરત ભાવનાબેન મિસ્ત્રી પણ આ જ ગામનાં છે. ગામમાં રહેતા રામજીવન યાદવ તિવારી ગુજરાત રાજ્યના સુવર્ણ ચંદ્રક મેળવનાર કુસ્તીબાજ છે. ગામના રહીશ અને હોમગાર્ડમાં ફરજ બજાવતા એવા અનિલભાઇ નટુભાઇ રાઠોડ મુખ્યમંત્રી ચંદ્રકથી સન્માનિત થયા છે. આ સિવાય વલસાડના કથાકાર મિતેષ જોષી પણ આ ગામના જ રહીશ છે.
ગામમાં ધર્મેશ ઉર્ફે ભોલાનું લાંબુ શાસન
પારડી સાંઢપોર ગામમાં હાલ કોંગ્રેસ અગ્રણી ધર્મેશ ભોલા વલસાડ તાલુકામાં સૌથી વધુ લીડથી વિજેતા બનનાર સરપંચ છે. આ ગામમાં છેલ્લાં 30 વર્ષથી તેમના પરિવારના સભ્યો સરપંચ બનતા આવ્યા છે. પહેલાં ધર્મેશ ઉર્ફે ભોલાના દાદા મણીલાલ રામજીભાઇ રઘુવંશી સરપંચ બન્યા હતા. ત્યારબાદ વર્ષ-2007થી 2012માં ધર્મેશ ઉર્ફે ભોલા અહીં સરપંચ બન્યા ત્યારથી તેમનું અહીં એકહથ્થુ શાસન છે. બાદ બેઠક બદલાતાં વર્ષ-2012માં તેમના જ ઉમેદવાર ઉમેશ પટેલ અને પછી વર્ષ 2016માં તેમનાં ભાભી કલ્પનાબેન રાજુભાઇ પટેલ સરપંચ બન્યાં હતાં. અને હાલ વર્ષ-2022માં તેઓ ફરીથી સરપંચ બન્યા છે. વર્ષ-2012થી 2020 સુધી તેઓ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની ટિકિટ લઇ સભ્ય તરીકે જીતી વિરોધ પક્ષના નેતા પણ બન્યા હતા. મૂળ કોંગ્રેસ જોડાયેલા ધર્મેશ ભોલાને અહીં મોદીલહેર કે અન્ય કોઇપણ પરિબળ હરાવી શક્યું નથી. તેમનાં કાર્યો અને લોકસંપર્કના કારણે તેઓ સતત અહીં પોતાનું શાસન ચલાવવામાં સફળ રહ્યા છે.
નદીના ડુબાઉ પુલથી હાઇવેનો સંપર્ક તૂટી જતો હોય છે
વલસાડ ઔરંગા નદી પર પારડી સાંઢપોર ગામનો સ્મશાનભૂમિ પાસેનો પુલ ચોમાસા દરમિયાન ભારે વરસાદ દરમિયાન ડૂબી જતો હોય છે. પીડબ્લ્યૂડીના ચોપડે આ પુલ ડુબાઉ પુલ છે. આ પુલ ચોમાસા દરમિયાન ખૂબ જ જોખમી બની જતો હોય છે. ત્યારે આ પુલ નવો બનાવવા માટે પણ પીડબ્લ્યૂડી વલસાડ દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ અંગે વાત આગળ ધપી નથી. કોરોનાનાં બે વર્ષના કારણે પુલના નવનિર્માણનું કાર્ય ખોરંભે પડી ગયું છે. ચોમાસા દરમિયાન આ પુલ ડૂબી જતાં ગામનો હાઇવે સાથેનો સંપર્ક તૂટી જતો હોય છે. તેમજ ગરનાળામાં પણ પાણી ભરાય તો ગામનો વલસાડ શહેર સાથેનો સંપર્ક પણ તૂટી જતો હોય છે. ત્યારે આ પુલ બને તો ચોમાસાની મોસમ દરમિયાન ઊભી થતી સમસ્યાનું નિવારણ કરી શકાય છે.
ભૌગોલિક મહત્ત્વ પણ અનોખું છે
વલસાડ શહેરને આવેલું ગામ પારડી સાંઢપોર નદી કિનારે આવ્યું છે. જેના કારણે અહીં પાલિકાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, પાલિકાના વેસ્ટની ડમ્પિંગ સાઇટ છે. અહીં વલસાડ શહેરનો કચરો ઠલવાઇ છે. જો કે, આ ગામની વસતીથી દૂર નદી કિનારે છે. જેના કારણે વલસાડ પાલિકા સાથે આ ગામ સતત કનેક્ટેડ રહ્યું છે. પાલિકા કરતાં ગામ દ્વારા પાલિકાને સતત સેવા પૂરી પડાતી રહી છે.
વલસાડની એપીએમસીની શરૂઆત પારડી સાંઢપોરથી થઈ હતી
વલસાડનું એપીએમસી માર્કેટ હાલ વલસાડ શહેરમાં દશેરા ટેકરી પર ધમધમી રહ્યું છે. જેની શરૂઆત પારડી સાંઢપોરથી થઇ હતી. વર્ષો પહેલાં ખેડૂતો પારડી સાંઢપોર સ્થિત એપીએમસી માર્કેટમાં બળદગાડામાં કેરી અને ચીકુ લઇને આવતા હતા. જો કે, ત્યારબાદ આ માર્કેટ નવું બનાવવાનું વિચારાયું અને હાલ તે દશેરા ટેકરી વિસ્તારમાં ચાલુ છે. ઇલેક્ટ્રોનિક્સના સ્પેરપાર્ટ અને ખાસ કરીને સ્વિચ બનાવતી કંપની એન્કરની શરૂઆત પણ પારડી સાંઢપોર ગામથી થઇ હતી. તેમની પહેલી ફેક્ટરી અહીં નંખાઇ હતી. ત્યારબાદ તેમણે વિકાસની હરણફાળ ભરી હતી.
નિયમિત સફાઈ થાય છે
પારડી સાંઢપોરમાં સફાઇ માટે ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેના 10 માણસો ગામમાં રોજ અને કેટલાક વિસ્તારમાં સમયાંતરે સફાઇ કરતા રહે છે. સફાઇ માટે પંચાયત દ્વારા 2 ટ્રેલર સાથે ટ્રેક્ટર પણ ખરીદ્યાં છે. અને મચ્છરોના ઉપદ્રવ સામે ફોગિંગ મશીન પણ ખરીદ્યાં છે.
મોગરાવાડીને જોડતા રોડનું નવીનીકરણ
રસ્તા, પાણી, મકાન અને વીજળી એ પાયાની જરૂરિયાત છે. વલસાડના મોગરાવાડી વિસ્તારથી પારડી સાંઢપોર ગામને જોડતો રોડ છેલ્લા કેટલાક સમયથી સાંકડો અને જર્જરિત હતો. આ રોડનું નવીનીકરણ કરી તેને પાલિકાને સુપરત કર્યો હતો. જેના કારણે હવે બંને વિસ્તારના લોકોને મોટી રાહત થઇ છે.
રેલવે ગરનાળાના નવીનીકરણથી વાહન વ્યવહાર સુગમ બન્યો
વલસાડ શહેરથી પારડી સાંઢપોર ગામના પ્રવેશ માટે રેલવેનું ગરનાળું ખૂબ મહત્ત્વનું છે. પહેલાં આ ગરનાળું ખૂબ નાનું હતું. જ્યાં ચોમાસા દમિયાન તુરંત જ પાણીનો ભરાવો થઇ જતાં થોડા વરસાદમાં જ પારડી સાંઢપોર ગામ સાથેનો સંપર્ક તૂટી જતો હતો. હવે છીપવાડ વિસ્તારના આ ગરનાળાના નવીનીકરણના કારણે ગામમાં જવું સરળ બન્યું છે. મોટાં વાહનો પણ સામસામે એકસાથે અવરજવર કરી શકે છે. જેના કારણે હવે પારડી સાંઢપોરમાં બની રહેલાં મકાનોની વેલ્યુમાં વધારો થયો છે. વલસાડના લોકો હવે પારડી સાંઢપોર ગામમાં પણ રહેવા માટે જઇ રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે.
ધાર્મિક મહાત્મ્ય
વલસાડના પારડી સાંઢપોર ગામમાં કુલ 5 મંદિર અને એક દેવળ છે. ગામમાં મુક્તેશ્વર મહાદેવ મંદિર, બ્રહ્મદેવ મંદિર, દક્ષિણ ભારતનું મંદિર, ભોલેશ્વર મંદિર અને ભયભંજન હનુમાન મંદિર તેમજ ખ્રિસ્તી લોકોની આસ્થાનું દેવળ અહીંના હનુમાન ફળિયામાં આવ્યું છે. અહીં તમામ ધર્મના લોકો અરસપરસ સહિષ્ણુતાથી રહે છે.
ધાર્મિક સેવાકીય સ્થળો
ગામના મહાદેવનગરમાં શારદા મઠ, સ્વામી વિવેકાનંદ કેન્દ્ર અને સતપાલજી મહારાજની માનવ ઉત્થાન સેવા સમિતિ પણ કાર્યરત છે. તેઓ ધર્મ સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે છે. અહીં ગરીબ દીકરીઓને વિનામૂલ્યે શિક્ષણ અને જરૂરિયાતની વસ્તુ માટે પ્રસાદી નામનો કાર્યક્રમ પણ સેવાકીય સંસ્થા દ્વારા ચલાવાઇ રહ્યો છે. જેમની સુવાસ ગામ પૂરતી જ નહીં, પરંતુ વલસાડ શહેરમાં પણ પ્રસરી રહી છે.
વલસાડ તાલુકાની સૌથી મોટી સ્મશાનભૂમિ
વલસાડ શહેર તેમજ આજુબાજુનાં ગામના લોકો માટેની હિન્દુ સ્મશાનભૂમિ ઔરંગા નદી કિનારે આ ગામમાં જ આવી છે. આ સ્મશાનભૂમિનું સંચાલક ટ્રસ્ટ દ્વારા થાય છે, જેમાં સરપંચનો પણ ટ્રસ્ટી તરીકે સમાવેશ થયો છે. આ સ્મશાનભૂમિ પણ ગામને વલસાડ શહેર સાથે જોડી રાખે છે. સામાન્ય લોકો માટે પારડી સાંઢપોર ગામ નહીં, પરંતુ વલસાડનો એક વિસ્તાર જ ગણાઇ રહ્યો છે.
વલસાડ પાલિકાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
પારડી સાંઢપોર ગામ વિકાસને વરેલું છે. જેના પાયામાં શાસકોની દુરંદેશી નજર છે. ગ્રામજનો પણ કોઈપણ વિકાસકામોમાં સહકાર આપે છે. કેટલાંક ગામો હમણાં 10 વર્ષમાં વિકાસ તરફ વળ્યા છે. પરંતુ પારડી સાંઢપોરે એ જરૂરિયાને વર્ષો પહેલાં પારખી લીધી હતી. વલસાડ નગરપાલિકાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન પારડી સાંઢપોરમાં ધમધમે છે. અહીં વલસાડ શહેરનું ડ્રેનેજનું પાણી આવે છે. આ પ્લાન્ટમાં રોજ લાખો લીટર પાણીનું શુદ્ધીકરણ થાય છે અને ત્યારબાદ તેને નદીમાં છોડવામાં આવે છે. જેનું ખૂબ મહત્ત્વ હોય, જેનો લાભ પણ પંચાયતને મળે છે. જેના થકી જ અહીં 90 ટકા ઘરમાં ડ્રેનેજ લાઇન નંખાઇ શકી છે.
શિક્ષણની સુવિધા: ગામમાં એક સરકારી અને 5 ખાનગી શાળા છે
– ગુજરાતી પ્રાથમિક શાળા–ધોરણ-1થી 8 સુધીનો અભ્યાસક્રમ
– સનરાઇઝ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ-ધોરણ-1થી 8
– સ્વામિનારાણય સ્કૂલ–ધોરણ-1થી 12
– કૈલાસ ઓવારા માધ્યમિક શાળા–ધોરણ-9 અને 10
– શારદા મઠ સ્કૂલ–ધોરણ-1થી 8 (ફક્ત મહિલાઓ માટે અને મફત શિક્ષણ)
– જયના અનુપમ ચેરિટેબલ ટ્રસ્ટ (મંદબુદ્ધિનાં બાળકોની વિશેષ સ્કૂલ)
– 5 આંગણવાડી પણ ધમધમે છે
બેંક અને દવાખાનાં
– 2 ખાનગી દવાખાનાં
– 2 ટ્રસ્ટની હોસ્પિટલ
– 1 આરોગ્ય કેન્દ્ર
– 1 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
ગામની વસતી-વિસ્તાર
– 15,000ની વસતી
– 4,000 ઘર
– ગામનો વિસ્તાર 1-74-24
– ગોચરની કોઇ જમીન નથી
– તમામ ધર્મ-જાતિના લોકો વસવાટ કરે છે
શહેરને ટક્કર મારતી સુવિધા
– 90 ટકા ઘરમાં ડ્રેનેજ લાઇનની સુવિધા
– 700થી વધુ સ્ટ્રીટ લાઇટ
– 80 ટકા રોડ ડામર અને પેવર બ્લોકના રોડ
– 10 સફાઇકર્મીઓ દ્વારા ગામની સફાઇ
– 2 ફોગિંગ મશીન દ્વારા મચ્છરો સામે રક્ષણ
– 1 ડ્રેનેજ મશીન થકી ખાળકૂવા અને ડ્રેનેજ લાઇનની સફાઇ
– 2 ટ્રેલર સાથે ટ્રેક્ટર દ્વારા કચરાનો નિકાલ
ગામમાં રેલની સમસ્યા ઉકેલવા નદી કિનારે પાળા બનાવવા જરૂરી
પારડી સાંઢપોર ગામ ઔરંગા નદીના કિનારે આવેલું છે. અહીં ચોમાસામાં ભારે વરસાદના કારણે નદીના પાણી ગામમાં આવવાની મોટી સમસ્યા છે. જેના કારણે મોટી ખાનાખરાબી થાય છે. રેલથી બચવા લોકોએ હવે ઊંચાઈવાળાં ઘર બનાવવાની શરૂઆત કરી છે. તેમ છતાં ચોમાસામાં મુશ્કેલી વધી જતી હોય છે. જે વર્ષે જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતો હોય એ વર્ષે હિન્દુ સ્મશાનભૂમિમાં પણ પાણી ભરાઇ જતાં હોય છે. ત્યારે આ સમસ્યાના નિકાલ માટે નદીના પાણીનું વહેણ અટકાવવા અહીં સ્મશાનભૂમિ પાસે પાળા બનાવવાની રજૂઆત વખતોવખત અનેક સ્તરે થઇ છે. જેના માટે સરકાર દ્વારા હજુ સુધી કોઇ પગલાં ભરાયાં નથી. બે વર્ષ અગાઉ પણ સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા સ્મશાનભૂમિ બચાવવા માટે પાળા બનાવવા રજૂઆત થઇ હતી, પરંતુ એ અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. જો અહીં નદી કિનારે પાળા બનાવાય તો ગામમાં આવતું પાણી અટકાવી શકાય એમ છે.
ગ્રામ સચિવાલય નામ આપવાની શરૂઆત અહીંથી થઈ હતી
પારડી સાંઢપોર ગ્રામ પંચાયતનું મકાન કોઇ પણ ધારાસભ્ય કે સાંસદ સભ્યની ગ્રાન્ટ વિના બનાવાયું છે. અહીંના સરપંચ કોંગ્રેસી હોય, ભાજપી દ્વારા ગ્રાન્ટ અપાઇ ન હતી, છતાં તેનું ભવ્ય મકાન તૈયાર કરાવાયું છે. 2018 પહેલાં રેલમાં અનેક રેકોર્ડ સાફ થઇ ગયા હતા. જેને લઇ પહેલાં કરતાં 10 ફૂટ ઊંચું મકાન બનાવાયું હતું. પંચાયતને સચિવાલયનું નામ આપવાની શરૂઆત ધર્મેશ ભોલાએ જ કરી હતી. તેમના આ મોડેલને અનેક ગામોએ પછી અનુસર્યું હતું. આજે અહીં ગ્રામ સચિવાલયનું મકાન જિલ્લાની ગ્રામ પંચાયતોને ટક્કર મારે એવું છે.
ગામમાં એક હાઇરાઇઝ બિલ્ડિંગ
પારડી સાંઢપોર ગામ શહેરની નજીક હોવાથી અહીં એક હાઇરાઇઝ બિલ્ડિંગને પરવાનગી મળી છે. આ સિવાય અહીં 3 માળના 20થી વધુ એપાર્ટમેન્ટ છે. અહીં સ્લમ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. તેમજ કાચાં ઘરોનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. 85 ટકા લોકો પાકાં ઘરોમાં જ રહે છે. માત્ર 10 ટકા જ વસતી સ્લમ વિસ્તારમાં રહે છે.
ગ્રામ પંચાયતની બોડી
– ધર્મેશ(ભોલા) પટેલ-સરપંચ
– સોનલબેન રાઠોડ
– મૂળેન્દ્ર ઠાકુર
– મંગળાબેન આહીર
– દેવાંગ પટેલ
– રવજી પટેલ
– નયનાબેન લાડ
– મીનાબેન રાઠોડ
– સંદીપ પાટીલ
– મયૂરી મિસ્ત્રી
– ભારતી પાંચાલ
– મેહુલ પટેલ
– હિતેશ પટેલ
અત્યાર સુધીના સરપંચોની યાદી
– અમ્રતલાલ નાગરજી દેસાઇ
– દાજી નાગરજી પ્રજાપતિ
– મણીલાલ રામજીભાઇ રઘુવંશી
– ધીરુભાઇ નાગરજી મહેતા
– લલ્લુભાઇ પ્રજાપતિ
– ધર્મેશ (ભોલા) અંબેલાલ પટેલ
– ઉમેશ નાનુભાઇ પટેલ
– કલ્પનાબેન રાજુભાઇ પટેલ