પારડી: (Pardi) પારડી તાલુકાના તીઘરા ગામે આઇપીએલ ક્રિકેટ (IPL Cricket) પર સટ્ટો રમાતો હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા પારડી પોલીસને સાથે રાખી એક બંગલામાંથી 10 સટોડિયા સાથે પોલીસે લેપટોપ, કમ્પ્યુટર સેટ, વાઈફાઈના બોક્ષ, 24 મોબાઈલ સહિત રૂપિયા 2.94 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસને સોંપ્યા હતા. જ્યારે દુબઈ, મુંબઈ-મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિત 5 ઈસમની સંડોવણી બહાર આવતા વોન્ટેડ જાહેર કર્યા હતા.
- પારડીના તીઘરા ગામે IPL ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમતા 10 ઝડપાયા
- દુબઈ, મુંબઈ, છત્તીસગઢ સહિતના 5 સટ્ટાબાજ ઈસમની સંડોવણી બહાર આવી
- ફોરચ્યૂન નેસ્ટ બંગલામાંથી પોલીસે લેપટોપ, કમ્પ્યુટર સેટ, વાઈફાઈના બોક્સ, 24 મોબાઈલ સહિત રૂપિયા 2.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
હાલ આઇપીએલ ક્રિકેટ ચાલતી હોય સટોડિયા દ્વારા ગેરકાયદે તેના પર સટ્ટો રમાડવામાં આવે છે. જિલ્લા એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે પારડી પોલીસને સાથે રાખી શુક્રવારે સાંજે તીઘરા ગામે ફોરચ્યૂન નેસ્ટ બંગલા નં.18 માં એલસીબીના પીઆઇ ઉત્સવ બારોટ, પીએસઆઇ જે.એન.સોલંકીની ટીમ તેમજ પારડી પોલીસ પીઆઇ જી.આર.ગઢવીની ટીમે રેઇડ કરી હતી. જ્યાંથી પોલીસે 10 સટોડિયાને ઝડપી પાડી પારડી પોલીસને સોંપ્યા હતા. પારડી પોલીસે ઝડપાયેલા 10 સટોડિયાની ધરપકડ કરી હતી. જ્યારે વરુણ બાફ (રહે. દુબઈ) તથા રવિ ઉપલ અને સૌરવ ચંદ્રશેખર (બંને રહે. છતીસગઢ), વિનય ભોલા બોસ અને નયન ડાહ્યાલાલ સેવક (બંને રહે. મુંબઈ મહારાષ્ટ્ર)ની પોલીસ તપાસમાં સંડોવણી બહાર આવતા આ પાંચેયને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે લેપટોપ, કમ્પ્યુટર સેટ, વાઈફાઈના બોક્સ, 24 મોબાઈલ સહિત કુલ રૂપિયા 2.94 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પારડી પોલીસને સોંપ્યો હતો. વધુ તપાસ પારડી પોલીસના પીએસઆઇ ડી.એલ. વસાવા કરી રહ્યા છે.
ઝડપાયેલા 10 સટોડિયા
પ્રશાંત ઉર્ફે કચ્ચી ડાહ્યાલાલ સેવક (રહે.તીઘરા, પારડી), ક્રિષ્ના કુમાર કાશીનાથ ઠાકોર (રહે. બિહાર), અજીત સંતોષ ભારતી (રહે. યુપી), જય અમૃત લાલ ગોગરી (રહે. મહારાષ્ટ્ર મૂળ કચ્છ), રવિન્દ્ર ક્રિષ્ના મોતી ગૌતમ (રહે. યુપી), વિશાલ ચંદ્રકાંત કોહલી (રહે. નવી મુંબઈ મહારાષ્ટ્ર), વિવેક ઉર્ફે ચીકુ રમાકાંત (રહે. યુપી), પ્રદીપ ઉર્ફે આયુષ હરીશરણ પટેલ (રહે. યુપી), શુભમ ઉર્ફે બંટી રાજેશ ગૌતમ (રહે. યુપી), સંજય કુબેર બુનકર (રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.