પારડી: (Pardi) પારડી હાઇવે (Highway) ચાર રસ્તા હાઇવે ફ્લાયઓવર બ્રીજ ઉપર આઇસર ટેમ્પોમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયરની ટીમે આગને કાબુમાં કરતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે આગમાં ટેમ્પો સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો હતો.
- પારડી હાઇવે ચાર રસ્તા ફ્લાયઓવર બ્રીજ ઉપર અચાનક આઇસર ટેમ્પો માં આગ લાગતા દોડધામ
- પારડી ન.પા.ની ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી આવી આગને કાબુમાં કરી, ટેમ્પો બળીને ખાક
- પારડી અને જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હાઈવે પર ટ્રાફિકને કંટ્રોલ કર્યો
નેશનલ હાઇવે નંબર 48 મુંબઈ થી અમદાવાદ જતા ટ્રેક ઉપર શુક્રવારે સવારના 09:00 વાગ્યાના સુમારે આઇસર ટેમ્પો નંબર એમ એચ 48 બી એમ 9772 પસાર થઈ રહ્યો હતો. વાપીથી માલ ખાલી કરી સુરત તરફ જતા સમય પારડી ચાર રસ્તા હાઇવે બ્રિજ ઉપર ટેમ્પામાં અચાનક ધુમાડો નીકળી આગ પકડી લીધી હતી. જેને લઇ ટેમ્પો ચાલક અમિતરામ સુખારામ રહે યુ.પી.નાં ઓ એ ટેમ્પો સ્થળ ઉપર મૂકી ઉતરી જઈ દૂર થઈ ગયા હતા. જોત જોતામાં આગ ભભૂકી ઉઠી હતી.
ઘટનાની જાણ પારડી નગરપાલિકાની ફાયરની ટીમને થતા તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી હતી. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો. પોલીસે સ્થળ ઉપર આવી પહોંચી ટ્રાફિકને કંટ્રોલ કરી હાઇવે ખુલ્લો કર્યો હતો. ફાયરની ટીમે આગને કાબુમાં કરતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે આગમાં ટેમ્પો સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો હતો