પારડી: (Pardi) પારડી ને.હા.ન. 48 (National Highway) પ્રજાપતિ હોલ સામે વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર એક કન્ટેનર પાછળથી આવતું ટ્રેલર (Trailer) ધડાકાભેર અથડાતા અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ચાલકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યો હતો. આજે સવારથી હાઇવે પર રિપેરીંગ કામગીરી હાથ ધરાઈ હતી. બપોરબાદ વરસાદ વરસતા કામગીરી બંધ કરવામાં આવી હતી.
હાઇવેનો એક ટ્રેક વાહનો માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. ત્યારે પૂરઝડપે દોડી રહેલા કન્ટેનરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતા ટ્રેલરનો ચાલક ધડાકાભેર અથડાયો હતો. જે અકસ્માતમાં ટ્રેલરનો કેબીનનો ભાગ દબાઈ જતા ચાલક અંદર ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ આસપાસના લોકો અને પોલીસને થતાં દોડી આવ્યા હતા. 2 થી 3 કલાકની ભારે જહેમતે ક્રેનની મદદે ટ્રેલરમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતમાં ગંભીર ઇજા પામતા ટ્રેલર ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ટ્રાફિક ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી.
પારડી તાલુકામાં મેઘરાજાની કમોસમી એન્ટ્રી
પારડી : પારડીમાં આજે બપોરે કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે કમોસમી મેઘરાજાની એન્ટ્રી થતા માર્ગો પર પાણી જ પાણી જોવા મળ્યું હતું. પારડીમાં ઉનાળાની ગરમી વચ્ચે અચાનક વરસાદી માહોલ જામતા લોકો મૂંઝવણમાં મુકાયા હતા. આજે હોળીનો પર્વ નિમિતે રાત્રે હોલિકા કેવી રીતે પ્રગટાવવી જેને લઇ લોકો ચિંતામાં મુકાયા હતા. ઉમરસાડી માછીવાડ ગામે કાંઠા વિસ્તાર સહિત વિવિધ ગામડાઓમાં પણ આજે બપોરના સમયે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો હતો. હાલ ખેડૂતોનો કેરીનો પાક તૈયાર થવાની સિઝન હોય અને અચાનક મેઘરાજાની એન્ટ્રી થતા જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે. આ સાથે ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. આ વર્ષે ખેડૂતોની વાડીઓમાં આંબાના ઝાડ ઉપર મોર વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા. જોકે ખેડૂતોએ આશા વ્યક્ત કરી હતી કે, વાતાવરણ અનુકૂળ રહેશે તો કેરીનો પાક આ વર્ષે સારો જોવા મળશે, પરંતુ મેઘરાજાનો ગડગડાટ અને કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જોકે બીજી તરફ ઉનાળામાં ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો.