Dakshin Gujarat

કલેક્ટર ઓફિસમાં નોકરી અપાવવાના બહાને પારડીની યુવતીએ 4 યુવકને છેતર્યા, જાણો કેવી રીતે મૂર્ખ બનાવ્યા

પારડીઃ કલેક્ટર ઓફિસમાં ડ્રાઈવર, પીએની નોકરી અપાવવાના બહાને એક ભેજાબાજ યુવતીએ ચાર યુવકોને છેતર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. પોતે ડેપ્યુટી મામલતદાર હોવાની ઓળખ આપી યુવતીએ યુવકો સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા પોલીસે ઠગ યુવતીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

  • પારડી, ઉદવાડા કપરાડા ,બીલીમોરા ચાર યુવકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર નિમિષા નાયકની ધરપકડ

પારડી નજીક અંબાચ ગામની અને હાલ તાપી જિલ્લાના સોનગઢના ગતાડી ગામે રહેતી ભેજાબાજ નિમિષાબેન હરીશભાઈ નાયકાએ નકલી ડેપ્યુટી મામલતદાર તરીકે ઓળખ આપી હતી. તેણે ખોટો ઓળખપત્ર તૈયાર કરી, વોટ્સએપ અને ફોન દ્વારા ચાર યુવકોનો વિશ્વાસ જીતી તેમને કલેક્ટર ઓફિસમાં પીએ અને ડ્રાઈવરની નોકરી આપવાની લાલચ આપી ધો. 12 પાસ ભેજાબાજ યુવતી એ નોકરીના બહાને ચાર યુવકો પાસેથી રૂ. 9.59 લાખની ઠગાઈ કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

પ્રથમ યુવતીએ ઉદવાડાના માનવ પ્રવિણભાઈ પટેલના સંપર્કમાં આવી અને તે સુરત ખાતે નોકરી કરે છે એવું કહી વિશ્વાસમાં લીધા હતા. કચેરીમાં પીએ તરીકેની નોકરીના નામે 4.75 લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં કપરાડાના વાજવડના ગુંજેશ બિપીનભાઈ પટેલ પાસેથી પણ સરકારી કચેરીમાં ડ્રાઈવરની નોકરી માટે 39,000, બીલીમોરાના રાહુલ પંચોલી પાસેથી 4.13 લાખ અને પારડીના મિલન સુખદેવભાઈ પટેલ પાસેથી 31,800 રૂપિયા મેળવી લીધા હતા.આ રીતે કુલ રૂ. 9,59,750 પડાવી લીધા હતા. પૈસા આપ્યા બાદ પણ નોકરી ન મળતા છેતરપિંડી નો ભોગ બન્યા હોવાનું બહાર આવતા યુવાનોએ પારડી પોલીસ મથકે ફરિયાદ કરી હતી જે આધારે પારડી પોલીસે નિમિષાબેનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top