પારડી : પારડીના (Pardi) કોથરવાડી નાની મસાણી રોડ પર આવેલા લેકસીટી રોહાઉસના કમ્પાઉન્ડમાં ૪ ઈસમ લોખંડના પાઇપ અને લાકડા વડે રખડતા કૂતરાઓને (Dog) માર મારતા છ થી સાત કુતરાના મોત (Death) નીપજ્યા હતા. કોથરવાડીના 4 ઈસમ સોસાયટીમાં ઘુસી બળજબરીથી ધાક-ધમકી આપી શ્વાનને યમસદન પહોંચાડ્યા હતા.
આ અંગે લેકસીટીમાં કન્ટ્રક્શનનું કામ કરતા પરષોત્તમભાઈ ઠાકરસિંહ ધામેલીયાએ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગતરોજ સાંજે લેકસીટીની ઓફિસમાં કામ કરતા મનીષભાઈ દાફડા સાથે હાજર હતા. ત્યારે કોથરવાડી નાની મસાણીના કેતન રમણ પટેલ, સંજય ડાહ્યા પટેલ, ધનસુખ પટેલ અને પ્રકાશ વિઠ્ઠલ પટેલ ચારેય મળી લાકડા અને લોખંડના પાઇપ વડે મૂંગા પ્રાણી શ્વાનને દોડાવી-દોડાવીને માર મારી રહ્યા હતા. કુતરાઓનો અવાજ સંભળાતા પરષોત્તમભાઈ અને મનીષભાઈ બહાર નીકળીને જોતા ચારેય ઈસમને મૂંગા પ્રાણીઓને કેમ મારો છો, કહેતા તેઓએ ગાળો આપી તમને પણ કૂતરાની જેમ જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. બાદમાં કુતરાઓનો ભસવાનો અવાજ ઓછો થતાં બહાર આવીને જોતા છ થી સાત જેટલા કુતરાઓ મૃત્યુ પામ્યા હતા. ઘટના અંગે પારડી પોલીસ મથકે ચારેય ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ ઘટનામાં ઈસમોએ રખડતા કુતરાઓએ તેઓના ઘરના મરઘાંનો શિકાર કર્યાની અદાવત રાખીને કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
દુવાડા પાટીયા પાસેથી કતલખાને લઈ જવાતી ગાયને ઉગારાઈ
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર દુવાડા પાટિયા પાસેથી ગણદેવી પોલીસે બાતમીના આધારે કતલખાને લઈ જવાતા ગાયને ઉગારી એકને ઝડપી પાડી બેને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર દુવાડા પાટિયા પાસેથી એક છોટા હાથી ટેમ્પો (નં. જીજે-15-એટી-2656) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને એક ગાય હલન-ચલણ ન કરી શકે તે રીતે દોરડાથી બાંધી કોઇપણ જાતના પાણી કે ઘાસ-ચારની સુવિધા વગર ક્રુરતા પૂર્વક કતલના ઈરાદાથી લઈ જતા હોવાનું જણાયું હતું. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને ખેરગામ બિજ ગામે કુતીખડક ફળીયામાં રહેતા ડાહ્યાભાઈ જેશીંગભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો.
પોલીસે ડાહ્યાભાઈની પૂછપરછ કરતા ચીખલીના થાલા જી.ઈ.બી. બોર્ડની સામે રહેતા ઈસ્માઈલ કાલુભાઈ મુલતાનીના કહેવા મુજબ વાડ ગામેથી ગાય ભરી જલાલપોર તાલુકાના આસણા ડાભેલ ગામે પાદર ફળીયામાં રહેતા તૈયબ સલ્લુને આપવા જતા હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે ઈસ્માઈલ તૈયબને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 6 હજારની ગાય, 2.50 લાખનો ટેમ્પો અને 8 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 2.64 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પી.એસ.આઈ. એસ.વી. આહિરે હાથ ધરી છે.