સુરત: ઉધનાના કાશીનગર-1 ના એક મકાનના બીજા માળે રૂમમાં ફસાયેલા લકવાગ્રસ્ત (Paralyzed) વૃદ્ધને ફાયરના જવાનોએ (Firefighters) રેસ્ક્યું કરી બહાર કાઢ્યો હતો. સોમવારની મોડી સાંજે બનેલી ઘટના બાદ ફાયરના જવાનોએ બીજા માળ ઉપર પહોંચવા માટે એક્સ્ટેન્શન લેડરનો ઉપયોગ કરી 84 વર્ષીય ગમન તુલસીરામ ભરૂચાનું રેસ્ક્યુ કર્યું હતું. રૂમનો દરવાજો (Door) અંદરથી લોક (Lock) થઇ જતા વૃદ્ધ ગમનભાઈ ફસાઈ ગયા હતા.
ફાયરના જવાનોએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની સાંજે બની હતી. એક વૃદ્ધ રૂમમાં અંદરથી લોક થઈ ગયા બાદ ફસાઈ ગયા હોવાનું જાણવા મળતા ફાયરના જવાનો સ્થળ પર દોડી ગયા હતા. તપાસમાં પરિવારના સભ્યોએ દરવાજો ખોલવાની મથામણ કરી હોવાછતાં રૂમનો દરવાજો ન ખૂલતા આખરે ફાયરને મદદ માટે જાણ કરી હતી. મજૂરા ફાય૨ના જવાનોએ બારી માથી રૂમમાં પ્રવેશ કરી રેસ્ક્યુ કર્યું હતું. ઘટનાની જાણ બાદ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.
અક્ષય પટેલ (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે ઘટના લગભગ સોમવારની સાંજે5 વાગ્યાની હતી. એક સિનિયર સીટીઝન વ્યક્તિ રૂમમાં અંદરથી લોક થઈ ગયા હોવાની જાણ થઈ હતી. ઘટના સ્થળે પહોંચી સીડીની મદદથી ઉપર ચઢી અંદરથી લોક ખોલી દાદાને સહી સલામત બહાર કાઢ્યા હતાં બપોરના ભોજન બાદ દાદા સુઈ ગયા હતાં અને અચાનક રૂમનો દરવાજો બંધ થઈ ગયો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.