વાઘ બકરી ચા આજે દેશની અગ્રણી ચા કંપનીઓમાંની એક છે. આ કંપની અને ઈન્ડસ્ટ્રી માટે એક ખરાબ સમાચાર છે. વાઘ બકરી ટી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું નિધન થયું, તેઓ માત્ર 49 વર્ષના હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 15 ઓક્ટોબરે પરાગ દેસાઈને અકસ્માતમાં બ્રેઈન હેમરેજ થયું હતું. 15 ઓક્ટોબરે મોર્નિંગ વોક પર નીકળેલા પરાગ દેસાઈ પર રખડતાં કૂતરાઓએ હુમલો કર્યો હતો. કૂતરાના હુમલાથી બચવા જતા પરાગ દેસાઈ લપસી જઈ જમીન પર પડ્યા હતા, જેના કારણે તેમને માથામાં ઈજા થઈ હતી.
અહેવાલ મુજબ, પરાગ દેસાઈ ઈસ્કોન આંબલી રોડ પર મોર્નિંગ વોક દરમિયાન કૂતરાના હુમલામાં ઘાયલ થયા હતા. તેમને તરત જ શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સર્જરી માટે તેમને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 22 ઓક્ટોબર એટલે કે રવિવારે તેમનું અવસાન થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બ્રેઈન હેમરેજને કારણે તેમનું મોત થયું છે.
પરાગ દેસાઈના પિતા રશેસ દેસાઈ છે, જેઓ હાલમાં વાઘ બકરી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર છે. વાઘ બકરી ચા કંપનીમાં પરાગ દેસાઈ સેલ્સ, માર્કેટિંગ અને એક્સપોર્ટનું ધ્યાન રાખતા હતા. પરાગ દેસાઈએ ન્યૂયોર્કની લૉન આઈલેન્ડ યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હતો. પરાગ દેસાઈના પરિવારના સભ્યો ચાર પેઢીઓથી ચાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
પરાગ દેસાઈના નેતૃત્વમાં કંપની અનેક નવી ઊંચાઈઓને સ્પર્શવામાં સફળ રહી છે. વ્યવસાયની સાથે સાથે પરાગ દેસાઈને વન્યજીવનમાં પણ ઊંડો રસ હતો. પરાગ દેસાઈ 1995માં વાઘ બકરી ટી સાથે સંકળાયેલા હતા. તે સમયે કંપનીનું કુલ ટર્નઓવર 100 કરોડ રૂપિયાથી ઓછું હતું. પરંતુ આજે વાર્ષિક ટર્નઓવર રૂ. 2000 કરોડને પાર કરી ગયું છે. વાઘ બકરી ચા ભારતના 24 રાજ્યો તેમજ વિશ્વના 60 દેશોમાં નિકાસ કરવામાં આવે છે. પરાગ દેસાઈના લીધે કંપનીનું બ્રાન્ડિંગ મજબૂત બન્યું હતું.