Gujarat Main

ગાંધીનગરમાં આપના કાર્યકરોને પોલીસે માર્યા, પેપરલીક કાંડ મામલે વિરોધ પ્રદર્શન કરતા હતા: વીડિયો વાયરલ

ગાંધીનગર : (Gandhinagar) પેપરલીક કાંડમાં (Paperleak scandal) ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ (BJP office Kamalam) પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને (CR Patil) આવેદનપત્ર આપવા પહોંચેલા આમ આદમી પાર્ટીના (AAP) કાર્યકરો અને નેતાઓને પોલીસે દોડાવી દોડાવીને માર્યા હોવાની ઘટના સામે આવી છે. આપના નેતાઓ ગોપાલ ઈટાલિયા, (Gopal italiya ) ઈશુદાન ગઢવી (Isudan Gadhvi) સહિતનાઓની ઈજા (Injures) પહોંચી છે. કેટલાંયના માથા ફૂટી ગયા છે. આપના નેતાઓની પોલીસે અટકાયત કરી છે.

ગઈ તા. 12 ડિસેમ્બરના રોજ રાજ્યમાં હેડક્લાર્કની (Head Clark ) પરીક્ષા (Exam) યોજાઈ હતી. આ પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલાં જ ફૂટી ગયું હોવાનો ખુલાસો બાદમાં થયો હતો, જેનો સરકારે પણ સ્વીકાર કર્યો હતો. આ પેપરલીક કેસમાં પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે તો બીજી તરફ આપના નેતાઓ અને કાર્યકરો આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા.

જ્યાં પોલીસે લાઠીચાર્જ કરતા ગોપાલ ઈટાલિયાની પીઠમાં દંડાના સોળ પડ્યા હતા, જ્યારે કેટલાંક કાર્યકરોના માથા ફૂટી ગયા હતા. પોલીસે ઈસુદાન ગઢવી સહિત કેટલાંક કાર્યકરોની અટકાયત કરી છે. કેટલાંક કાર્યકરોને ટીંગાટોળી કરી પોલીસ ઉઠાવી ગઈ હતી. ઘટનાના વીડિયો વાયરલ (Video Viral) થતાં રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.

ગોપાલ ઈટાલિયા સહિત આપના અન્ય ઈજાગ્રસ્ત કાર્યકરોને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યારે અન્યોને સેક્ટર 27 એસપી ઓફિસે લઈ જવાયા હતા. ગુજરાત આપના પ્રવક્તા મિહીર પટેલે આક્ષેપ કર્યો હતો કે ભાજપના ગુંડાઓ અને પોલીસે ભેગા મળી આપના કાર્યકરો અને નેતાઓને માર્યા છે. ગુજરાતના યુવાનોને ન્યાય મળી રહે તે માટે અવાજ ઉઠાવવાની સજા આપના નેતા અને કાર્યકરોને મળી રહી છે.

તમને જણાવી દઈએ કે આજે સોમવારે આમ આદમી પાર્ટી ગુજરાત અને યુથ વિંગ દ્વારા પેપરલીક કાંડ મામલે ભાજપના ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આપના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, મનોજ સોરઠિયા સહિતના નેતાઓ જોડાયા હતા. જ્યારે યુથ વિંગમાંથી પ્રવીણ રામ અને નિખિલ સવાણી સહિતના ગુજરાતના રાજ્ય કક્ષાના હોદ્દેદારો જોડાયા હતા. તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પેપર કાંડ મુદ્દે ચેતવણી પત્ર આપવા પહોંચ્યા હતા. પેપરકાંડ મુદ્દે ગૌણ સેવાના અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માંગણી કરી હતી. ઉપરાંત આ કેસમાં જેમની સંડોવણી છે તે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને અટકી પડેલી તમામ ભરતીઓ પૂર્ણ કરવા માગ કરી હતી.

Most Popular

To Top