‘ચાય પે ચર્ચા’ અને ‘પરીક્ષા પે ચર્ચા’ની જેમ હવે ફરી પાછી ‘પેપરલીક પે ચર્ચા’. પેપરલીકના કૌભાંડીઓ પકડાયા, પરીક્ષા રદ થઇ અને ૧૦૦ દિવસ પછી ફરી પરીક્ષા લેવાશે…’ શું આ બધુ પુરતુ છે? વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વારંવાર ચેડા કરનાર આવા આરોપીઓ શું ફરીવાર આવા કાંડ ન કરે એની કોઇ ગેરંટી છે. વારંવાર આવી જાહેર પરીક્ષાના પેપરો ફૂટે છે છતાં કાર્યવાહી, કડક સજા ન થાય તો પછી સરકાર પાસે શું અપેક્ષા રાખી શકાય. એક શિક્ષક તરીકે હું આવી પરીક્ષાઓની સખત વિરોધી છું અને યુવા વર્ગને પણ મારી અપીલ છે કે આવી કૌભાંડી ભરતી પરીક્ષાઓનો સામુહિક રીતે ઉગ્ર વિરોધ કરો અને પરીક્ષાઓ જ ન આપો. સરકારે નોકરી આપવી હોય તો ઉમેદવારોના કવોલિફિકેશન ઉપર આપે નહી તો બીજો વિકલ્પ અપનાવી લો. કારણકે આ બધી ભરતી પરીક્ષાઓ માત્ર એક ઔપચારિકતા સમયની બરબાદી અને પરીક્ષા ફીથી સરકારની કમાણી જ છે. અંદરથી પોલમપોલ ચાલતા આ શિક્ષણજગતમાં ભણતરનું છે કોઇ મહત્વ! એટલે જ સારા ભણતર અને ઉત્તમ તક માટે દેશનું કિંમતી યુવા ધન વિદેશને વહાલુ કરે તો નવાઇ નઇ!
અમરોલી – પાયલ વી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
બી.ઓ.બી.નું વહીવટી તંત્ર ગ્રાહકોમાં હિતને પ્રાથમિકતા આપો
દુનિયાની આંતરરાષ્ટ્રીય બેન્કોમાં જેની ગણતરી થાય છે તેવી ભારતની બેન્ક ઓફ બરોડાની છેલ્લા કેટલાંક સમયથી ગ્રાહકોની સુવિધા અમે સુરક્ષા અંગે ફરિયાદો વધી રહી છે મુખ્ય સમસ્યામાંની એક મોટી સમસ્યા એ છે કે ગ્રાહકો દ્વારા બેન્કમાં મૂકવામાં આવતી ફીક્સ ડીપોઝીટનું કાગળ ખૂબ જ સામાન્ય કક્ષાનું એટલે કે વિદ્યાર્થીઓનો નોટબુકના કાગળ જેવું છે. હવે પ્રશ્ન એ છે ગ્રાહકોની મહેનતરૂપી જીવન પૂંજી જેવી મૂલ્યવાન રકમ માટે આ ડીપોઝીટ રૂપી કાગળ ગ્રાહકોએ 1 વર્ષ કે તેથી વધુ સમય માટે સાચવવાનું હોય છે બીજું કે કાગળ પર બેન્કનો રાઉન્ડ સ્ટેમ્પ મારી અધિકારીઓ ઈન્સીયલ સહી કરે છે. જે યોગ્ય નથી. યોગ્ય એ છે કે રાઉન્ડ સ્ટેમ્પ પર અધિકારી યોગ્ય અને સંતોષકારક સહી કરે અને અધિકારીઓનો કોર્ટ પણ સિક્કાની સનીચે હોવો જરૂરી છે. હવે પ્રથમ તો બેન્કમાં સત્તાધીશો ગ્રાહકોને અગાઉ જે મજબુત અને સુરક્ષીત કાગળની જ ડીપોઝીટ મળે તે અંગે અવસ્થા કરે. હવે ગ્રાહકો અને બેન્કનું હિતનો ધ્યાનમાં રાખીને વહીવટી નહી યોગ્ય નિર્ણય કરે તે ખૂબ જ જરૂરી છે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે