પંજાબના (Panjab) ગુરુદાસપુર જેલમાં (Jail) જોરદાર હંગામો થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં સેન્ટ્રલ જેલમાં હોબાળો મચી ગયો હતો. હંગામાની સાથે જેલની અંદર ગોળીબાર (Firing) પણ થયો હતો. જે બાદ સાયરન વાગી હતી. મોટી સંખ્યામાં પોલીસ બોલાવવામાં આવી હતી. બાદમાં સીઆરપીએફના જવાનોને પણ બોલાવવામાં આવ્યા હતા. ગુરદાસપુરના એસએસપી હરીશ દાયમા અને ડીસી હિમાંશુ અગ્રવાલ પણ જેલ પહોંચ્યા હતા.
ગુરદાસપુર સેન્ટ્રલ જેલમાં ભારે હોબાળો મચી ગયો હતો. ગોળીબાર અને સાયરનના અવાજો પછી મોટી સંખ્યામાં ગુરદાસપુર પોલીસ દળો ત્યાં પહોંચ્યા હતા. જેલ પ્રશાસનમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ વધુ ગંભીર બનતા સીઆરપીએફના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હોવાના સમાચાર છે.
મળતી માહિતી મુજબ ઘણા કેદીઓ જેલના પાછળના ભાગની છત પર ચઢી ગયા હતા અને આગ લગાવી રહ્યા હતા. વહીવટીતંત્ર લાઉડસ્પીકર પર નીચે આવવા માટે અપીલ કરી રહ્યું હતું અને ખાતરી આપી રહ્યું હતું કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. એસએસપી બટાલા અશ્વિની ગોટિયાલ અને એસએસપી પઠાણકોટ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ ફોટોગ્રાફર જગદીપ સિંહ પણ ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.