Columns

પંડિત શિવકુમાર શર્મા લોકવાદ્યને વૈશ્વિક સ્તરે મૂકનાર આધ્યાત્મિક ઉજાસ ઝાંખો ન પડે તે આપણી જવાબદારી

સંતુર- આ શબ્દ સાંભળવામાં જેટલો મધુરો છે તેના કરતાં કંઇક ગણા મધુરા તેના સ્વર છે. તેની નજાકત તેના સો તારમાંથી રેલાતા અવાજોમાં ઘોળાઇને શ્રોતાઓના કાન સુધી પહોંચતી હોય છે. આવા વાદ્યની પારંગતતા જેની પાસે હોય તેની પ્રતિભાની સૌમ્યતાનો પર્યાય હોય તે સ્વાભાવિક છે. પંડિત શિવકુમાર શર્માના નિધનથી ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયાના વધુ એક ખૂણામાં અંધારું થયું, ત્યાં ફરી પહેલાં જેવો ઉજાસ ક્યારેય નહીં થાય. સંતુરવાદન સુફી સંગીત સાથે જોડાયેલું છે અને પંડિત શિવકુમાર શર્માએ સંતુરવાદનનું આ આધ્યાત્મ હંમેશાં પ્રતિબિંબિત કર્યું.

1938માં જમ્મુમાં જન્મેલા પંડિત શિવકુમાર શર્મા એવા પહેલા સંગીતકાર ગણાય છે જેમણે લોકવાદ્ય સંતુર પર શાસ્ત્રીય સંગીત વગાડ્યું. જમ્મુ કાશ્મીરના લોકવાદ્યને વૈશ્વિક સ્તરે ઓળખ મળી તેનું કારણ પંડિત શિવકુમાર શર્મા. વળી સંતુરના મૂળ બંધારણમાં, તેને જે રીતે લાકડાના સ્ટેન્ડ પર વગાડવામાં આવતું તે પદ્ધતિમાં પંડિત શિવકુમાર શર્માએ અમુક ફેરફાર કર્યા અને તેમને પગલે સંતુરવાદન કરનારા બીજા કલાકારોએ પણ સંતુરની બાંધણીમાં ફેરફાર કર્યા. શાસ્ત્રીય સંગીતના અવકાશમાં સંતુરને સેન્ટર સ્ટેજ મળે તે માટે પંડિત શિવકુમાર શર્માએ આકાશપાતાળ એક કર્યા અને તેમાં સિધ્ધિ પણ મેળવી. ટીકાકારો કહેતા કે શાસ્ત્રીય વાદનમાં જે ‘મીંડ’હોય છે – જેમ એક સ્વરથી બીજા સ્વર તરફનું નજાકત ભર્યું ચઢાણ – ઢળાવ હોય છે તે સંતુરમાં શક્ય નથી. પરંતુ પંડિત શિવકુમાર શર્માની આંગળીઓએ ઝાલેલી દાંડીથી એ પણ શક્ય બન્યું. દાયકાઓથી સંતુર અને પંડિત શિવકુમાર શર્મા એકબીજાના પર્યાય બન્યા.

બચપણમાં તબલાવાદન શીખવાની શરૂઆત કરી અને બાદમાં પિતાના પ્રોત્સાહન તરફથી સંતુર તરફ વળ્યા. તેમણે શાસ્ત્રીય ગાયનની તાલીમ પણ મેળવી હતી. તેમના કાર્યક્રમોમાં ઘાસમાંથી વહી જતા પવનથી માંડીને કાશ્મીરના શિકારામાં જુવાન છોકરીને મળતા ભરવાડનું દ્રશ્ય અને ઘાસ ચરતા ઘેંટાઓનું ટોળું સંતુરના સ્વરોમાંથી જીવતું થઇ દર્શકો સુધી પહોંચતું. તે ઓછું બોલતા, પોતાનામાં રહેલા કલાકારથી અલગ જઇ વ્યક્તિ તરીકે પોતાના કામનું અવલોકન પણ કરી શકતા. તાળીઓનો ગડગડાટ સંતુર સાથેના મંદ – મધુર – ઘેરા તંતુને ક્યારેય તોડી ન શકતો. ધ્યાનની માફક સંતુરવાદન કરનારા પંડિત શિવકુમાર શર્મા લોકોને હૃદય સોંસરવા ઊતરતા પણ છતાંય કોઇ દિવ્ય વ્યક્તિ જેવી તેમની પ્રતિભાની આભા તેમની પ્રત્યેનું આશ્ચર્ય અને ઉત્સુકતા જાળવી રાખતી.

ભારતીય શાસ્ત્રીય સંગીતની આકાશગંગામાંથી તારલા ખરી રહ્યા છે. જ્યારે પણ આ દરજ્જાના કોઇ કલાકારની વિદાય થાય ત્યારે ફાળ પડે કારણ કે આપણે જાણીએ છીએ કે આવી પ્રતિભા ફરી નહીં થાય. બદલાયેલા સમય સાથે, ગતિ સાથે બધું એટલું ઝડપી બન્યું છે કે ધીમી ગતિની મહત્ત્વતા સમજનારા લોકો ય ઘટી રહ્યા છે તેમ લાગે. પંડિત રવિશંકર હોય કે પંડિત શિવકુમાર શર્મા – તેમની વિદાયથી એક યુગનો અંત આવ્યો એવી પ્રતીતિ ઘેરી થાય તે સ્વાભાવિક છે કારણકે ‘ઇન્ફર્મેશન ઓવરલોડ’ની જમાનાની પેઢીમાંથી ઘણા બધાને સંતુર – સરોદ – સિતાર – તાનપુરાનો ભેદ જાણવા માટે ગૂગલ કરવું પડશે. આંખના પલકારામાં મળતી માહિતી તે આંખના પલકારામાં ભૂલી પણ જશે. જે સંજોગોમાં પંડિત શિવકુમાર શર્મા જેવા દિગ્ગજ સર્જાયા એ આદર્શ, એ વિચારો, એ તાણ છતાંય સમન્વય તરફ ગતિ કરનારા લોકો, બૌદ્ધિક રીતે સમૃદ્ધ હોવું અનિવાર્ય છે તે જાણનારા લોકો સમયાંતરે લઘુમતીમાં હશે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

પંડિત શિવકુમાર શર્મા વિશે વિગતવાર બહુ ઓછું જાણનારી આજની પેઢીએ એ પણ જાણવું રહ્યું કે ‘સિલસિલા’, ‘ડર’, ‘ચાંદની’ અને ‘લમ્હે’ જેવી મેનસ્ટ્રીમ બૉલિવૂડ ફિલ્મોમાં પણ તેમણે સંગીત આપ્યું હતું.  વળી તેમની સાથે હતા બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા. 80ના દાયકાથી શિવહરિની જોડી પ્રચલિત હતી અને તેમણે આ ફિલ્મોમાં સંગીત ઉપરાંત વૈશ્વિક સ્તરના કાર્યક્રમોમાં પણ સાથે અનેક વાર પરફોર્મન્સ આપ્યું છે, વળી તેમની સાથે ઉસ્તાદ ઝાકિર હુસેન પણ જોડાતા. પંડિત શિવકુમાર શર્મા અને પંડિત હરિપ્રસાદ ચૌરસિયા એવા પહેલા ભારતીય સંગીતકાર હતા જેમણે એલ્ટન જોન, ફિલ કોલિન્સ અને એલનિસ મેરિસેટ સાથે 1998ની નોબલ પ્રાઇઝ સેરિમનીમાં ઓસ્લોમાં પરફોર્મન્સ આપ્યું હતું.

સંતુરની ઓળખ ઘડનારા પંડિત શિવકુમાર શર્મા જ્યારે નાના હતા ત્યારે તેમને સંતુર શીખવામાં ઓછો રસ હતો. તેમના પિતા ઉમા દત્ત શર્મા જે પોતે એક પંડિત હતા અને ઑલ ઇન્ડિયા રેડિયો માટે કામ કરતા હતા તેમણે દીકરા શિવને સંતુર તરફ વાળ્યો. શરૂઆતનાં વર્ષોમાં તબલા અને સંતુર બંન્નેમાં આવડત કેળવનારા શિવકુમારે રવિશંકર અને ઉસ્તાદ અલી અકબર ખાનની સંગત માટે તબલા પણ વગાડ્યા. સંતુરને શાસ્ત્રીય વાદ્ય તરીકે ક્યારે પણ સ્વીકૃતિ નહીં મળે તેવું તે સતત સાંભળતા – આ વાત તેમણે પોતાની આત્મકથા ‘જર્ની વીથ અ હન્ડ્રેડ સ્ટ્રીંગ’માં વિગતવાર લખી છે. સૂરોના દોસ્ત શિવકુમાર શર્મા ઇકોનોમિક્સમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવતા. 22 વર્ષની વયે તે મુંબઇ આવ્યા જેથી સંગીતને લગતું કામ મળી શકે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તબલા છોડવા અને ગજવામાં 500 રૂપિયા લઇને મુંબઇ આવી કામ શોધવું તેમની જિંદગીના સૌથી મોટા જુગાર હતા.

પોતાના સંગીતથી કાશ્મીરના સૌંદર્યને ક્યાંય પણ ખડું કરી શકતા પંડિત શિવકુમાર શર્માની વિદાયથી સર્જાયેલો ખાલીપો ભરવો અશક્ય છે. આપણે એટલું કરી શકીએ કે સંતુર જે સ્તરે તેમના પ્રયાસોને કારણે પહોંચ્યું છે તેનો દરજ્જો જાળવીએ. વારસો જાળવવો એ આગલી પેઢીનું કામ છે.  સિન્થેસાઇઝર શીખીને ફિલ્મોની ધૂન વગાડનારા બાળકો માટે રાજીના રેડ થઇ જતા વાલીઓ તેમને ક્યારેક સંતુરના કોન્સર્ટમાં લઇ જાય, પંડિત શિવકુમાર શર્માને યાદ કરી તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતને જે આપ્યું તેને વિશે વાત કરે તો પણ પંડિત શિવકુમાર શર્માના આત્માના તાર સ્વરબદ્ધ રીતે રણકવાનું ચાલુ રાખશે.

બાય ધ વેઃ

પરંપરા શું હોવી જોઇએ એ પથ્થરો પર કોતરાયેલું નથી. કલા હોય કે સાહિત્ય – તેના સ્તરને ઉચ્ચ દરજ્જો આપવાનો અથાક પ્રયત્ન પંરપરા ઘડે છે. જૂની સિદ્ધિઓ પર નજર રાખીને નવી સિદ્ધિઓ ભણી પગલાં ભરવા જ રહ્યાં. પરંપરાઓને સંકુચિતતાની દીવાલોની બહાર લાવવાનું કામ શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલી નવી પેઢી ધીમા અને મક્કમ પગલે કરી રહી છે. સંગીત શીખવાની લગની અથવા તો તેને સમજી શકાય તેટલું જાણવાની લગની જ્યાં સુધી નવી પેઢીમાં કોઇ ને કોઇ રીતે રોપાશે તો એક જીવંતતા રહેશે – હા પણ પંડિત શિવકુમાર શર્મા ફરી નહીં હોય, એ વિચારધારા, એ માહોલમાં જીવાયેલી જિંદગી, એ અનુભવો, એ આધ્યાત્મિક સ્તરની સમજ અને જોડાણ, કળા પ્રત્યેનું આગવું સન્માન, કળા પ્રત્યેની ધગશ – ફરી નહીં હોય. પંડિતજીના ગીતને ગણગણી લેવું રહ્યું, ‘વો લમ્હેં, વો પલ હમ બરસોં યાદ કરેંગે, યે મૌસમ ચલે ગયે તો હમ ફરિયાદ કરેંગે…’

Most Popular

To Top