સુરત : પાંડેસરા (Pandesara) પોલીસની(Police) દાદાગીરીની વધુ એક ફરિયાદ પોલીસ કમિશનરને (Police Commissioner) કરવામાં આવી છે. દારૂના કેસમાં પોલીસે યુવકની પાસેથી રૂા.50 હજાર પડાવી લીધા બાદ યુવકે કોર્ટમાં ફરિયાદ (court Complaint) કરી હતી. આ ફરિયાદ પરત ખેંચી લેવા માટેની ધમકી આપીને યુવકને વધારે માર મારવામાં આવતા આખરે આ યુવકે ફરીવાર કોર્ટમાં ફરિયાદ કરીને સિવિલમાં સારવાર લીધી હતી. કમિ અજય તોમર દ્વારા આ મામલે તપાસ કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરા પોલીસમાં ફરજ બજાવતા ક્ષત્રપાલ સિંગ, હરદિપસિંગ ઝાલાએ પાંડેસરા પોલીસ કોલોની પાસે દેવીદર્શન નગરમાં રહેતા નરેશ ભગવાનભાઇ પાનીગ્રાહીની પ્રોહિબિશન એક્ટ મુજબ ધરપકડ કરીને પોલીસ મથકે લઇ ગયા હતા.
- 50 હજાર પડાવી લીધા બાદ કોર્ટમાં ફરિયાદ થઇ હતી
- આ ફરિયાદને પરત ખેંચી લેવા માટે પોલીસે યુવકને માર માર્યો હતો
માર ખાવો ન હોય તો રૂપિયા આપવા પડશે
બંનેએ નરેશને પગના તળીયાના ભાગે, હથેળીના ભાગે ચામડાના પટ્ટાથી માર માર્યો હતો. વધારે માર ખાવો ન હોય તો સેફ્ટી માટે આપવા પડશે કહીને રૂપિયાની માંગ કરાઇ હતી. ત્યારબાદ પોલીસવાળાએ નરેશના ભાઇ નારાયણ પાનીગ્રાહીને ફોન કરીને રૂા.50 હજારની માંગી લેવાયા હતા. આ રૂપિયા લીધા બાદ પણ પોલીસ દ્વારા નરેશને ઢોર માર મારવામાં આવ્યો હતો. રાત્રીના સમયે નરેશ ચાલી પણ શકતો ન હતો. બીજા દિવસે પોલીસે નરેશને કોર્ટમાં રજૂ કર્યો હતો, ત્યાં નરેશે રૂા.50 હજાર માંગવાની ફરિયાદ કરી હતી.
ઘટના અંગે કોર્ટમાં ફરિયાદ કરવાનું કહેતા તેને વધુ માર મરાયો
ત્યારબાદ પોલીસે નરેશને આ ફરિયાદ પરત ખેંચી લેવા માટે કહીને ફરીવાર પોલીસ મથકે લઇ ગયા હતા અને ત્યાં ફરીવાર માર માર્યો હતો. નરેશે આ ઘટના અંગે કોર્ટમાં ફરિયાદ કરવાનું કહેતા તેને વધુ માર મરાયો હતો. હાલમાં નરેશની હાલત ખરાબ થઇ હતી અને તેને એડવોકેટ પી.ટી. રાણા મારફતે કોર્ટમાં ફરિયાદ કરી હતી, આ સાથે જ પોલીસવાળાની સામે કાયદાકીય પગલા લેવા માટે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી.