પલસાણા: (Palsana) ગંગાધરા ગામમાં દંપતિ વચ્ચે ઘરકામ બાબતે ઝગડો થતાં પતિએ ધક્કો મારતા માથામાં ગંભીર ઇજાના કારણે પત્નીનું (Wife) મોત થયું હતું. જો કે, પતિએ પોલીસ સમક્ષ જુઠાણું ચલાવ્યું હતું કે, તેની પત્નીને પગથિયા પરથી પડી જવાના કારણે ઇજા પહોંચી હતી. પોલીસને (Police) શંકા જતાં મકાન માલિકની પૂછપરછ કરતાં હત્યાનો ભાંડો ફૂટી ગયો હતો.
- ગંગાધરામાં પરિણિતાના અપમૃત્યુ કેસમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિની ધરપકડ કરી
- પત્નીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ ત્યારે પતિએ સરનામું ખોટું લખાવવા ઉપરાંત પત્ની પડી જતાં ઈજા થયાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું
- શંકા જતાં પોલીસે તપાસ શરૂ કરી તો ગંગાધરાનું સરનામું મળ્યું: ઘરકામ બાબતે ઝઘડો થતાં પતિએ માર માર્યાનું બહાર આવ્યું
પલસાણા તાલુકાના ગંગાધરા ગામે અલખધામ પાસે આવેલી રામદેવ રેસિડેન્સી ખાતે રહેતા સુશીલ લાલબહાદુર સુદર્શન શુકલાને તેની પત્ની પ્રિતી સાથે ગઇ તારીખ ૨ જૂનના રોજ ઘરકામ બાબતે ઝગડો થયો હતો. શુશીલે તેની પત્નીને માર મારી ધક્કો મારતાં તેનું માથું દિવાલ સાથે અથડાયું હતું. જેમાં તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ૧૦૮ મારફત સુરતની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હોસ્પિટલમાં તેણે તે ગોડાદરાની નારાયણનગર સોસાયટીમાં રહેતો હોવાનું લખાવતા ગોડાદરા પોલીસ નિવેદન લેવા માટે પહોંચી હતી. ત્યાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેની પત્ની પ્રિતી કપડા સુકવવા માટે ધાબા પર ગઇ હતી અને ત્યાંથી નીચે આવતી વખતે પગથિયા પરથી લપસી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી.
ત્યારબાદ ૮મી જૂનના રોજ સુરત સિવિલ ખાતે પ્રિતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પરંતુ પોલીસને શંકા જતાં ઝીણવટભરી તપાસ શરૂ કરતાં શુશીલ તેની પત્ની અને પુત્ર સાથે પલસાણા તાલુકાના ગંગાધરા ગામે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની રૂમના માલિક રાહુલ ભડિયાદરાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, ૨ જૂનના રોજ તેઓ સોસાયટીમાં હાજર હતાં ત્યારે શુશીલ તેની પત્નીને ઇજાગ્રસ્ત હાલતમાં લઇને નીચે આવ્યો હતો. ત્યારે તેમણે જ ફોન કરીને ૧૦૮ મંગાવી આપી હતી. તેમણે જ્યારે ઇજા બાબતે પૂછ્યું ત્યારે સુશીલે જણાવ્યું હતું કે ઘરકામ બાબતે ઝગડો થતાં તેણે પત્નીને માર માર્યો હતો. તે સમયે પ્રિતીએ પણ જણાવ્યું હતું કે, મેરે પતિને મુજે મારા હે ઔર વો મુજે માર ડાલેગા. જેથી પોલીસે શુશીલ સામે પત્નીની હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.