પલસાણા: (Palsana) પલસાણાના વરેલી ગામે બે ભાઈ વચ્ચે મિલકત વહેંચણી બાબતે ઝઘડો થતાં મોટા ભાઈએ અજાણ્યા ઇસમો દ્વારા નાના ભાઈ (Brother) પર હુમલો કરાવતાં મામલો પોલીસમથકમાં પહોંચ્યો હતો. નાના ભાઈએ મોટા ભાઈ, પત્ની અને તેના સાળા તેમજ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- વરેલીમાં મિલકત બાબતે ઝઘડો થતાં મોટાએ નાના ભાઈ ઉપર હુમલો કરાવ્યો
- મોટા ભાઈ, પત્ની અને તેના સાળા તેમજ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ, રાયોટિંગનો ગુનો નોંધાયો
કડોદરાના ક્રિષ્નાનગરમાં રહેતા પ્રકાશચંદ્ર સોહનલાલ તૈલી (ઉં.વ.38) (મૂળ રહે., સંગ્રામગઢ, તા.બદનોર, જિ.ભીલવાડા, રાજસ્થાન) બાબા રામદેવ મિનરલ વોટર્સના નામે પાણીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. સાતેક મહિના પહેલા પ્રકાશચંદ્રએ તેના મોટા ભાઈ હીરાલાલ સોહનલાલ તૈલી (રહે., દત્તકૃપા સોસાયટી, વરેલી, પલસાણા) સાથે ભાગીદારમાં વરેલીના ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં એ, બી અને એફ વિભાગમાં 202 ભાડાની રૂમો અને એક મોટી દુકાન 3.15 કરોડ રૂપિયામાં વેચાણથી લીધી હતી, જેમાં પ્રકાશનો હિસ્સો 33.33 ટકા અને હીરાલાલનો હિસ્સો 66.66 ટકા હતો. જેનું અંદાજિત ભાડું આશરે ચારથી પાંચ લાખ રૂપિયા આવતું હતું.
આ મિલકતનો તમામ વહીવટ હીરાલાલ કરતો હતો. હીરાલાલે જ્યારથી મિલકત વેચાણથી રાખી છે ત્યારથી અત્યાર સુધી પ્રકાશચંદ્રને માત્ર 47 હજાર રૂપિયા જ ભાડા પેટે આપ્યા હતા. અને દર વખતે રિનોવેશન અને મેઇન્ટેનન્સમાં જ હિસાબ પૂરો કરતો હતો. પ્રકાશચંદ્રએ મિલકત ખરીદી માટે બે કરોડની લોન લીધી હતી. મહિનાનો હપ્તો 2.37 લાખ રૂપિયા આવતો હતો. આથી રિનોવેશનનું કામ ન કરવા અને તેમ કરવું હોય તો પ્રકાશે તેનો ભાગ અન્યને વેચાણથી આપી દેવા જણાવ્યું હતું. આથી બંને ભાઈઓ વચ્ચે મનદુઃખ અને બોલાચાલી થઈ હતી. બાદ તા.30-1-2024ના રોજ રાજસ્થાની સમાજના અગ્રણીઓએ સમાધાન કરાવી પ્રકાશના ભાગે 74 રૂમ અને એક દુકાન તેમજ હીરાલાલને 128 રૂમો આપવાનું નક્કી થયું હતું. પરંતુ તે પણ હીરાલાલને મંજૂર ન હતું.
દરમિયાન પ્રકાશચંદ્ર 31મી જાન્યુઆરીના રોજ સવારે દસેક વાગ્યે વરેલી ખાતે આવેલી તેની મિલકત પર ગયો હતો. જ્યાં તે ઓફિસ બનાવવાનું કામ ચાલુ કરવાનો હોય મજૂર સાથે કામ કરી રહ્યો હતો. એ સમયે એક વાગ્યાની આસપાસ 6 અજાણ્યા ઇસમો આવ્યા હતા અને પ્રકાશને માર મારવા લાગ્યા હતા. પ્રકાશ ભગવા જતાં તેના પર પાવડાથી છૂટ્ટો વાર કરતાં ડાબા પગે ઇજા થઈ હતી. ત્યારબાદ તે દોડતાં દોડતાં દત્તકૃપા સોસાયટી તરફ દોડતા નજીકમાં જ આવેલા તેમના ભાઈ હીરાલાલના મકાનમાં જઈ દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારે તેની ભાભી મંજુબેને તું અહીં કેમ આવ્યો છે. હવે બીક લાગી ગઈ એવી હકીકત જણાવી હતી. બાદ હીરાલાલનો સાળો નવરત્ન પણ ત્યાં આવી મારવા આવ્યા હતા. માણસો સાથે કઈં વાત કરતાં તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. આમ હીરાલાલ, તેની પત્ની મંજુબેન અને સાળો નવરત્નએ માર મારવાનું કાવતરું રચ્યું હોવાથી પ્રકાશચંદ્રએ ત્રણેય વિરુદ્ધ કડોદરા જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.