પલસાણા: પલસાણા (Palsana) પોલીસ શુક્રવારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, પલસાણાના વડદલા ગામની (Vaddala Village) સીમમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છે. જેથી પોલીસે (Police) તપાસ કરતાં 10 લાખથી વધુનો દારૂ કબજે કરી બે ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા પોલીસમથકના પી.આઇ. એ.ડી.ચાવડા તેમજ પો.કો. દિનેશભાઇ પેટ્રોલિંગમાં હતા. ત્યારે તેમને બાતમી મળી હતી કે, પલસાણાના વડદલા ગામની સીમમાં કરણથી એરથાણ જતી સીમમાં નહેરના કાચા રસ્તા ઉપર વિદેશી દારૂનો મોટો જથ્થો છે. આથી બાતમીવાળી જગ્યા ઉપર પર જઇ રેઇડ કરતાં વિદેશી દારૂની બોટલ તેમજ બિયર નંગ-8132 કિંમત 10,59,600 રૂપિયાનો જથ્થો પોલીસે કબજે કરી આ ગુનામાં સંડોવાયેલા સતીષભાઇ ગુણવંતભાઇ રાઠોડ (રહે., વાંઝ ગામ, હનુમાન ફળિયું, સચિન) તેમજ લિસ્ટેડ બુટલેગર ઈશ્વર રમેશ વાંસફોડિયા ને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
વાંકલના બજેટ ફળિયામાંથી 18 હજારનો દારૂ ઝડપાયો
વાંકલ: માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર.પઢિયાર પેટ્રોલિંગમાં હતા. ત્યારે તેમને બાતમી મળી હતી કે, વાંકલ ગામના બજેટ ફળિયા પાછળ ભૂખી નદી પાસે બનાવેલા હોજમાં બજેટ ફળિયામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવ્યો છે. જેના આધારે પોલીસ કર્મચારીઓની ટીમે રેડ કરતાં સ્થળ ઉપરથી કુલ 221 નંગ દારૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂ.18,200 અને સ્થળ પરથી બે મોબાઈલ કિંમત રૂ.10,000 મળી કુલ 28,200નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવાયો હતો. પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી કરી હતી.
12.92 લાખના દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
પારડી : પારડીના બગવાડા ટોલનાકા પોલીસે બોગસ બિલ્ટીના આધારે દમણથી કન્ટેઇનરમાં બારડોલી લઇ જવાતો રૂ.12.92 લાખનો દારૂનો જથ્થો જપ્ત કયોઁ હતો. પોલીસે ચાલકની ધરપકડ કરી બે શખ્સને વોન્ટેડ જાહેર કયાઁ હતા. ચાલકને ભાડા પેટે રૂ.૧૦ હજાર આપવાનું નક્કી કરાયું હતું. દારૂનો જથ્થો દમણથી અજાણ્યા શખ્સ દ્વારા ભરી બારડોલી રવાના કરાયો હતો.પારડીના બગવાડા ટોલનાકા નેહાનં. 48 વાપીથી સુરત જતા ટ્રેક ઉપર એક ટ્રેલરમાં દારૂનો જથ્થો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
તપાસ કરતા કુલ 385 પેટીમાં દારૂની બોટલો મળી
સંઘપ્રદેશ દમણથી દારૂનો જથ્થો ભરી લઈ જતા હોવાની બાતમીના આધારે પોલીસે બગવાડા ટોલનાકા પર વોચ ગોઠવી બાતમીવાળું કન્ટેનર નંબર એમએચ 46 બી એમ 9774 ને રોક્યું હતું. જેમાં તપાસ કરતા કુલ 385 પેટીમાં દારૂની બોટલો નંગ 16,356 મળી આવી હતી. જે અંગે ચાલકે બોગસ બિલ્ટી રજૂ કર્યા હતા. કન્ટેનર ચાલક અશોક દાનબહાદુર યાદવ (રહે મહારાષ્ટ્ર મૂળ રહે. યુપી)ને આ દારૂનો જથ્થો કોને આપવાનો તે બાબતે પૂછતા અજાણ્યો ઈસમ ભાડા પેટે રૂ.10,000 આપી ટેલરમાં દારૂનો જથ્થો ભરાવી બારડોલી સુરત ખાતે રવાના કરવાનું જણાવ્યું હતું.
પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનાર બે ઇસમને વોન્ટેડ બતાવ્યા હતા. 385 પેટીમાં દારૂની કિં.રૂ.12,92,400, કન્ટેનરની કિં.રૂ.20 લાખ, મોબાઈલ, રોકડા 10,000 સહિત કુલ 33 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે એક ઈસમની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.