પલસાણા: (Palsana) પલસાણા પોલીસ સ્ટેશનમાં પોક્સોના આરોપીને (Accused) કોર્ટમાં (Court) લઈ જવાય એ પહેલા જ જાપ્તામાંથી ભાગી ગયો હતો. પોલીસ પાછળ દોડતા આરોપી ઓવરબ્રિજ (Over Bridge) ઉપરથી કૂદી તળાવમાં (Lake) પડ્યો હતો. પોલીસ અને રાહદારીઓ દ્વારા શોધખોળ કરાતાં આરોપી ગંભીર ઇજા સાથે પાણીમાં ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો. બાદ તેને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.
પલસાણા પોલીસમથકમાં બે માસ અગાઉ નોંધાયેલા ગુનામાં મુંબઈ ખાતે રહેતો મનદીપ સાવક (ઉં.વ.19) એક નાબાલિક છોકરીને લઈ ભાગી ગયો હતો. આ ગુનામાં પલસાણા પોલીસે મનદીપને ઝડપી પડ્યો હતો અને સગીરાને તેનાં મા-બાપને સોંપી હતી. સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરવા બદલ પોલીસે મનદીપ સામે પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને જરૂરી જવાબો લઈ કોર્ટમાં હાજર કરવાની કામગીરી પલસાણા પોલીસ કરી રહી હતી. ત્યારે મનદીપ પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. દરમિયાન પોલીસ સ્ટેશનની બહાર ઊભા પોલીસકર્મીઓએ તેને ભાગતા જોઈ પોલીસ પણ તેના પાછળ દોડી હતી.
આરોપી નાસીને નેશનલ હાઇવે નં.53 ઉપર બારડોલી તરફ જઇને ઓવરબ્રિજ ઉપર ચડીને ફરી પલસાણા ચાર રસ્તા ઉપર દોડ મૂકી હતી. દરમિયાન સામેથી પોલીસની જીપ જોતાં ઓવરબ્રિજ ઉપરથી પલસાણા મુસ્લિમ કબ્રસ્તાનની બાજુમાં આવેલા તળાવમાં છલાંગ મારી હતી. જોતજોતામાં પોલીસની ટીમ અને રાહદારીઓએ તેની શોધખોળ આદરી હતી. તળાવમાં પાણી સાથે જંગલી વનસ્પતિ પણ ઘણી હોવાથી એક કલાકની જહેમત બાદ એક રાહદારીએ પાણીમાં ઊતરી મનદીપને શોધી કાઢતાં પોલીસે રાહતનો દમ લીધો હતો. પાણીમાં ઘણા સમય સુધી રહેવાથી તેનું શરીર ઠંડું થઇ ગયું હતું. તેમજ ઉપરથી કૂદવાથી ગંભીર ઇજા થતાં તેને પ્રાથમિક સારવાર પલસાણા રેફરલ હોસ્પિટલ ખાતે આપી સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
પલસાણાના હરિપુરાની પરિણીતાને દહેજ માટે ત્રાસ આપતાં વસરાવીનાં સાસરિયાં સામે ફરિયાદ
પલસાણા: પલસાણાના હરિપુરાની યુવતીનાં લગ્ન માંગરોળના વસરાવીમાં થયાં હતાં. પરંતુ 10 વર્ષનાં લગ્નજીવન દરમિયાન સાસરિયાંનો ત્રાસ અસહ્ય બનતાં પરિણીતા સાસરિયાંથી વાજ આવી ગઈ હતી. વધુમાં દહેજની માંગણી કરી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકતાં પરિણીતાએ ત્રણ વિરુદ્ધ સુરત જિલ્લા મહિલા પોલીસમથકમાં દહેજ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ આપી હતી.
પલસાણાના હરિપુરા ગામે કોળી ફળિયામાં મુનાફ વલી શેખ રહે છે. જેની પુત્રી સાલેહાનાં લગ્ન ગત 22 મે-2012ના રોજ માંગરોળના વસરાવીના રિયાઝ અબ્દુલ કાદર શાહની સાથે થયાં હતાં. લગ્નગાળા દરમિયાન સાલેહાને સંતાનમાં 10 વર્ષની પુત્રી અને 7 વર્ષનો પુત્ર છે. લગ્ન બાદ સારી રીતે રહ્યા બાદ છેલ્લાં ત્રણેક વર્ષથી સાલેહાને તેના પતિ મુનાફભાઈને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. પોતે અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હોવાનું જણાવી મુનાફ સાલેહા સાથે રહેવા માંગતો ન હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત નણંદ સુમૈયા ઇલ્યાસ શેખ પણ સાસુ શરીફા અબ્દુલ કાદર શાહ સાથે મળી સાલેહા સાથે ઝઘડો કરી માતા પિતાના ઘરેથી દહેજ લાવવા માટે દબાણ કરતાં હતા અને જો મારા ભાઈ સાથે રહેવું હોય તો તારાં માતા-પિતા પાસેથી રૂપિયા લઈ આવ એમ કહી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા અને એક દિવસ તમામે ભેગા મળી સાલેહાને ઘરની બહાર કાઢી મૂકી હતી. આથી તેણીના પિતા અને ભાઈ તેને બાળકો સાથે પિયર લઈ ગયાં હતાં. હજી સુધી કોઈ સમાધાન નહીં થતાં અને સાલેહાએ સુરત જિલ્લા મહિલા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પતિ રિયાઝ અબ્દુલ કાદર શાહ, સાસુ શરીફા અબ્દુલ કાદર શાહ અને નણંદ સુમૈયા ઇલ્યાસ શેખ વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.