પલસાણા: (Palsana) દારૂના (Alcohol) વેપલામાં હવે મહિલાઓ પણ કોઈ બુટલેગરથી પાછળ નથી રહી ત્યારે પલસાણામાં એક સાથે ચાર મહિલાઓને પોલીસે (Police) નેશનલ હાઈવે નં- 48 પારથી ઝડપી પાડી હતી. આ મહિલાઓ વિદેશી દારૂની હેરાફેરી કરી રહી હતી.
પલસાણા તાલુકા પોલીસમથકની ટીમ ગત ગુરુવારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, પલસાણામાં નેશનલ હાઇવે નં.૪૮ પર આવેલા પુલના કટ પાસે ચાર મહિલા કપડાંના થેલામાં વિદેશી દારૂ ભરી ઊભી છે. જેના આધારે પલસાણા પોલીસની ટીમે સ્થળ પર જઇ તપાસ કરતાં પોલીસે અંજુબેન ટીટુભાઇ સંગોડિયા (ઉં.વ.૨૩), સુમાત્રાબેન કાળુભાઇ સંગોડિયા (ઉં.વ.૪૫), સાવિત્રીબેન ભરતભાઇ સંગોડિયા (ઉં.વ.૪૨) તથા રીનાબેન વિજયભાઇ પટેલ (ઉં.વ.૩૨) (તમામ રહે., પરવટ પાટિયા, સુરત શહેર)ને વિદેશી દારૂની બોટલો તથા પાઉચ નંગ ૩૧૩ જેની કિંમત ૩૧,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોથાણની બંગાળ કોલોની નજીક દારૂના અડ્ડા ઉપર પોલીસ ત્રાટકી
સાયણ: ગત શુક્રવારે સાંજે ઓલપાડ પોલીસની ટીમ ગોથાણની બંગાળ કોલોની આગળ રેલવે ટ્રેક નજીક ખેતરાડી રસ્તાની બાજુમાં ઇલેક્ટ્રિક ડી.પી. પાસે ધમધમતા દેશી દારૂના અડ્ડા ઉપર ત્રાટકી હતી. આ રેઇડ દરમિયાન પોલીસે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર હાજર બુટલેગર ઠાકોર નટવર ચૌહાણ (ઉં.વ.૫૬) (રહે.,ગોથાણ, બંગાળ કોલોની)ને દબોચી લીધો હતો. સાથે પોલીસે ૪૨૫ લીટર દેશી દારૂ કિં.રૂ.૮,૫૦૦ તથા ૩,૬૭૫ લીટર ઠંડુ-ગરમ રસાયણ કિં.રૂ.૭,૩૫૦ તથા ભઠ્ઠીનાં સાધનો મળી કુલ રૂ.૧૬,૧૫૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપીની પૂછપરછ કરતાં ભૂપેન્દ્ર ઉર્ફે ભેરૂલાલ રાયકા (રહે.,ગોથાણ, બંગાળ કોલોની) તથા ગોરધન (રહે.,ઉમરા, વોટર પાર્કમાં, તા.ઓલપાડ) બંને દેશી દારૂ બનાવવા માટેનો ગોળ પૂરો પાડતા હતા. જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી ત્રણે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
પલસાણા પોલીસે ખંડણીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
પલસાણા: બિહારના મોતીહારી જિલ્લાના હરસિદ્ધિ પોલીસ સ્ટેશનની એક ટીમ પલસાણા પોલીસ સ્ટેશન ખાતે તપાસમાં આવી હતી અને ખંડણીના ગુનાના વોન્ટેડ આરોપીની ધ૨પકડ ક૨વાની હોવાથી પલસાણા પોલીસે પણ આરોપીના ફોટા મેળવી તપાસ હાથ ધરી હતી. જેને લઇ પલસાણા પોલીસને બાતમી મળી હતી કે, ફોટાવાળો ઇસમ પલસાણા ચાર રસ્તા પાસે કાઠિયાવાડી હોટલની સામે ઊભો છે. જેને લઇ પોલીસની ટીમે મોહમદ ફરહાન મજર આલમખાન (ઉં.વ.૨૪)ને ઝડપી પાડી બિહાર પોલીસના હવાલે કર્યો હતો.