પલસાણા: પલસાણાના (Palsana) કડોદરા ગામની યુવતીએ મલેકપોર ગામના યુવક સાથે લગ્ન કર્યા બાદ દંપતી આફ્રિકાના ઝાંબિયા ખાતે કામ માટે ગયું હતું. જ્યાં પતિની લુંટારુઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. દરમિયાન પરિણીતાને (Married) 6 માસનો ગર્ભ હતો. તેમ છતાં સાસરી પક્ષવાળા પરિણીતાને હેરાન કરતા હોવાથી પરિણીતા કડોદરા તેનાં માતાપિતા સાથે રહેતી હતી. અને તેને બાળકના જન્મ થયા બાદ પણ તેઓ પરિણીતાને હેરાન-પરેશાન કરતા હોવાથી પરિણીતાએ આ અંગે મહિલા પોલીસમથકે (Police) સાસુ, સસરા (mother-in-law, father-in-law) અને નણંદની સામે ફરિયાદ નોંધાવી હતી.
પરિણીતાને નાની નાની વાતમાં ઝઘડા કરવામાં આવતા હતા
મળતી માહિતી અનુસાર કડોદરા મોદી ફળિયામાં રહેતાં નમ્રતાબેન પિન્કેશભાઇ પટેલે પલસાણાના મલેકપોર ગામે કણબીવાડમાં રહેતા પિન્કેશભાઇ રોહિતભાઇ પટેલ સાથે 10 એપ્રિલ-2018ના રોજ પ્રેમલગ્ન કર્યાં હતાં. જેથી પિન્કેશનાં માતાપિતા નારાજ હતાં. અને પિન્કેશનો પરિવાર નમ્રતાને એક માસ બાદ વહુ તરીકે સ્વીકાર કરી તેને ઘરે લઇ ગયો હતો. ત્યારબાદ તેની નણંદ રીમા પટેલ તેમજ તેના નણદોઇએ નમ્રતાના પતિ પિંકલને આફ્રિકાના ઝાંબિયામાં કામધંધા અર્થે બોલાવી લીધો હતો. અને થોડા સમય બાદ પિંકલે તેની પત્ની નમ્રતાને પણ સાઉદ આફ્રિકામાં બોલાવી લીધી હતી. થોડા સમય બાદ નણંદ અને નણદોઇ પરિણીતાને નાની નાની વાતમાં ઝઘડા કરી તું અમારા સમાજની નથી. તું પિંકલ સાથે પ્રેમલગ્ન કરીને આવી છે. તું તારા ઘરેથી પણ કંઇ લાવી નથી તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. એ અરસામાં 12 જાન્યુઆરી-2022ના રોજ પિંકેશભાઇ પટેલનું સાઉથ આફ્રિકામાં તેના ઘરની સામે જ લુંટારુઓએ ગોળી મારી હત્યા કરી હતી. એ સમયે પરિણીતાને છ માસનો ગર્ભ હતો.
18 લાખ રૂપિયા સાસુ-સસરાએ પોતાની પાસે રાખી લીધા
તે તેના પતિનો મૃતદેહ લઇ આફ્રિકાથી પલસાણા તેની સાસરીમાં આવી હતી. અને પતિના મૃત્યુ બાદ પણ પરિણીતા સાસરીમાં હતી. ત્યારે સાઉદ આફ્રિકાથી પિન્કેશ જ્યાં નોકરી કરતો હતો તે શેઠ જતીનભાઈએ પરિણીતા તેમજ તેના આવનાર બાળકના ભરણપોષણ માટે 18 લાખ રૂપિયા મોકલાવ્યા હતા. અને તે રૂપિયા પણ સાસુ-સસરાએ પોતાની પાસે રાખી લીધા હતા અને તેમણે પરિણીતાને જણાવ્યું કે, તારાં પગલાં સારાં નથી. તું જ અમારા દીકરાને ખાઇ ગઇ અમારા સમાજમાં લગ્ન કર્યા હોત તો અમને પૈસા પણ મળતે.
પ્રસૂતિના 10 દિવસ પહેલાં જ તેઓએ પરિણીતાને તગેડી મૂકી હતી
પરિણીતાને હેરાન કરી તે ગર્ભવતી હોવા છતાં તેને સમયસર જમવાનું પણ સાસુ-સસરા આપતા નહોતા. અને પ્રસૂતિના 10 દિવસ પહેલાં જ તેઓએ પરિણીતાને તગેડી મૂકતાં તે તેના માતા-પિતાના ઘરે કડોદરા આવી હતી. અને પરિણીતાને દીકરાના જન્મ બાદ તેના ખર્ચ માટે તે સાસુ-સસરા પાસે પૈસા માંગે તો તેને ફોન ઉપર ગાળો બોલી તેને માનસિક રીતે હેરાન કરતાં હતાં. જેને લઇ પરિણીતાએ આ અંગે સસરા રોહિત બાબુ પટેલ, સાસુ નયનાબેન, નણંદ રીમાબેન તેમજ નણદોઇ પિંકલભાઇની સામે મહિલા પોલીસમથકે માનસિક ત્રાસ આપવા અને પોતાના પૈસા લઈ તેને ઘરમાંથી કાઢી મૂકવા અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.