પલસાણા: લગ્નનાં (Marriage) 16 વર્ષ બાદ બે સંતાનની માતા (Mother) ઘરકંકાસથી કંટાળી તેમજ પતિના (Husband) અન્ય સ્ત્રી સાથેના અફેરની (Affair) બાબતે ઝઘડો કરી પિયર આવી ગઈ હતી. જો કે આજદિન સુધી પતિ તેમજ સાસરિયાએ ફોન (Phone) નહીં કરતાં અને તેડવા નહીં આવતાં પરિણીતાએ પતિ સહિત સાસરિયાંના 7 વિરુદ્ધ મહિલા પોલીસમથકમાં (Police Station) દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ (Complaint) કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ પલસાણાના કરાળા ગામના ખુમાનસિંહની વાડીમાં પોતામાં પિતાના ઘરે રહેતી સુનિતા રમાકાન્ત અખાડેનાં લગ્ન 12 માર્ચ-2006 રોજ મહારાષ્ટ્રના પીપાળગામ, તા.સિંધખેડા, જિ.ધુલિયામાં રહેતા રમાકાંત વસંત અખાડે સાથે થયાં હતાં. લગ્ન બાદ સુનિતા સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્નજીવન દરમિયાન તેને 16 વર્ષીય દીકરી અને 14 વર્ષીય દીકરો હતો. લગ્નના 6 મહિના બાદ જ પતિ રમાકાંત ઝઘડો કરી મારઝૂડ સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.
અંદાજિત અઢાર મહિના અગાઉ પતિ રમાકાંતના મોબાઈલમાં સુનિતાએ આઈ લવ યુ તેમજ આઈ મિસ યુના મેસેજ વાંચ્યા હતા. જે મેસેજ બાબતે પતિને પૂછતાં પતિએ ઉશ્કેરાઈને ‘એ તારી સોતનના મેસેજ છે’ એમ કહી સુનિતાને મારી હતી અને ‘તને છોડી શકું. પરંતુ તારી સોતનને નહીં’ એમ કહ્યું હતું. આ બાબતે સુનિતાએ સાસુ-સસરા અને મોટી નણંદ અને જેઠ-જેઠાણીને વાત કરતાં તેઓએ પતિને સમજવાને બદલે સાસુએ ‘તું તારા પિયરથી કંઈ લાવી નથી. માટે તું અહીંથી નીકળ’ એમ કહ્યું હતું. જ્યારે સસરાએ સુનિતાને તારે જો અહીં રહેવું હોય તો પિતાના ઘરેથી 10 લાખ રૂપિયા લઈ આવ. જો નહીં લાવે તો ગાડીમાંથી પેટ્રોલ કાઢી તારી પર નાંખી સળગાવી દઈશું’ એમ કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જે બાદ મોટી નણંદની દીકરીએ પણ સુનિતાને મારવાની કોશિશ કરી હતી. આમ, બોલાચાલી થતાં સુનિતાને પતિએ ઘરની બહાર કાઢી મૂકી હતી.
આ ઘટના અંગે સુનિતાએ પિતાને ફોન કરતાં પિતા 10 દિવસ બાદ સુનિતાને તેડી લાવ્યા હતા. હાલ સુનિતા પોતાના પિતા સાથે રહી પ્રાઇવેટ નોકરી કરી પોતાનાં બે સંતાન સાથે પોતાનું ગુજરાન ચલાવે છે. લગ્નનાં 16 વર્ષ બાદ બે સંતાન હોવા છતાં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધની આશંકા રાખી હતી. પતિ તેમજ સાસરિયાં આજદિન સુધી ફોન નહીં કરતાં કે તેડવા નહીં આવતાં સુનિતાએ પતિ રમાકાંત અખાડે, સસરા વસંત અખાડે, સાસુ સુમન અખાડે, જેઠ ગિરીશ અખાડે, મોટી નણંદ મંગળ સપકાળે, તેનો પુત્ર રાહુલ સપકાળે તેમજ શોભાબેન અડકમોલ વિરુદ્ધ મહિલા પોલીસમથકમાં ઘરેલુ હિંસા તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.