પલસાણા : પલસાણાના (Palsana) બગુમરા ખાતે રહેતાં પરિવારે દીકરીના લગ્ન માટે વ્યાજે (Interest) લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતી વ્યાજખોર મહિલા (Woman) સામે ફરિયાદ થતાં પોલીસે (Police) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના બગુમરા ગામે આવેલી સાંઇ વાટિકા વિભાગ 1 માં રહેતા મીનાબેન અશોક પાટીલની પુત્રીના લગ્ન હોવાથી તેમને રૂપિયાની જરૂર પડી હતી. તેમણે તેમના સગા સંબંધી પાસે ઉછીના રૂપિયા માગ્યા હતા પરંતુ કોઇએ મદદ કરી ન હતી.
સંગીતાબેન પાટીલ પાસે એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં
બીજી તરફ તેમના પતિ રિક્ષા ચલાવીને માંડ માંડ ગુજરાન ચલાવતા હોવાથી તેમની પાસે કોઇ બચત પણ ન હતી. એટલે આ દંપતિએ તેમની જ સોસાયટીમાં રહેતા સંગીતાબેન સંજયભાઇ પાટીલ પાસે એક વર્ષ પહેલા એક લાખ રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતાં. તેની સામે વ્યાજખોર સંગીતાએ ચેકની માગ કરી હતી. જો કે, તેમની પાસે ચેક નહીં હોવાથી તેમણે ઓળખીતા વિનોદ જૈનનો ચેક આપ્યો હતો. અત્યાર સુધી તેમને વ્યાજના 25 હજાર રૂપિયા ચૂકવી આપ્યા હોવા છતાં સંગીતા બેન એક લાખ રૂપિયાની માગ કરી મારવાની ધમકી આપતા હતાં.
વ્યાજખોરોથી ડરો નહીં, પોલીસને ફરિયાદ કરો : વાપી ડીવાયએસપી દવે
ઉમરગામ : વ્યાજના અજગરી ભરડામાં સપડાયેલા પીડિતોને વ્યાજખોરોથી બચાવવા રાજ્ય સરકારે કમર કસી છે. જે અંતર્ગત ઉમરગામ પોલીસે પણ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી ગુનાઓ દાખલ કરવાની ખાસ ઝુંબેશ ઉપાડી ગુનાઓ દાખલ કર્યા છે. શુક્રવારે ઉમરગામમાં વાપી ડીવાયએસપી દવેની અધ્યક્ષતામાં ઉમરગામના પીઆઇ વળવીની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજાયો હતો. ડીવાયએસપી દવેએ જણાવ્યું હતું કે વ્યાજખોરો સામાન્ય અને ગરીબ પરિવારોને ઊંચા ધિરાણે રકમો આપી તગડી વસુલી કરે છે અને ધમકી આપે છે.
વ્યાજખોરોની ધાક ધમકીના કારણે પીડિત પરિવારો ખૂબ જ ત્રાસ અનુભવે છે
વ્યાજખોરોની આ પ્રકારની ધાક ધમકીના કારણે પીડિત પરિવારો ખૂબ જ ત્રાસ અનુભવે છે અને ઘણીવાર આત્મહત્યા સુધીના પગલાઓ ભરે છે. વ્યાજખોરોના ત્રાસમાં ફસાયેલા લોકોએ પીડિતોએ વ્યાજખોરોથી ડરવાની જરૂર નથી અને પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ છે. પોલીસ તમામ સુરક્ષા પીડિતોને પૂરી પાડશે. ડીવાયએસપીએ ઉમરગામમાં કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો બાબતે પણ લોકો પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હતી. પોલીસ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા માટે લોક દરબારમાં જાણકારી આપવામાં આવી હતી. લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.