પલસાણા: (Palsana) કડોદરા પોલીસને બાતમી મળી હતી કે, દમણથી (Daman) એક ટેમ્પોમાં ઝેરોક્ષ મશીનની આડમાં વિદેશી દારૂ (Foreign liquor) ભરીને આવી રહ્યો છે. જેને લઇ કડોદરા પોલીસ (Police) વોચ ગોઠવી ટેમ્પોની રાહ જોતી રહી હતી. અને જીએસટીના અધિકારીઓએ (GST Officer) ચલથાણ ગામે પ્રિન્સ હોટલની સામેથી ટેમ્પોને ઝડપી પાડી કડોદરા પોલીસને હવાલે કર્યો હતો. જેમાંથી પોલીસે 1.11 લાખનો વિદેશી દારૂ કબજે કરી ૩ ઇસમ સામે ફરિયાદ નોંધી હતી. કડોદરા પોલીસ ગતરોજ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, દમણથી એક બોલેરો પિકઅપ ગાડીમાં ઝેરોક્ષ મશીનની આડમાં વિદેશી દારૂ ભરી કડોદરા તરફ આવી રહ્યો છે. જેને લઇ કડોદરા પોલીસે વિવિધ જગ્યાએ વોચ ગોઠવી હતી.
- દમણથી એક ટેમ્પોમાં ઝેરોક્ષ મશીનની આડમાં વિદેશી દારૂ ભરીને લઈ જવાતો હતો
- પ્રિન્સ હોટલની સામેથી ટેમ્પોને ઝડપી પાડી કડોદરા પોલીસને હવાલે કર્યો
- પોલીસે 1.11 લાખના વિદેશી દારૂ સાથે 3 ઇસમ સામે ગુનો નોંધ્યો
પ્રિન્સ હોટલની સામેથી ટેમ્પોને ઝડપી પાડી કડોદરા પોલીસને હવાલે કર્યો
ચલથાણની પ્રિન્સ હોટલ સામે પિકઅપ વાનને જીએસટી અધિકારીની ટીમે માલ વહન કરવાના જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે ટેમ્પોને ત્યાંથી લઇ સોહમ પાર્કિંગમાં લઇ જઇ તેની તપાસ કરી રહ્યા હતા, એ વેળા ટેમ્પોમાંથી દારૂ મળી આવતા જીએસટી અધીકારીઓની ટીમે કડોદરા પોલીસને બોલાવી જીએસટી અધીકારીઓની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ટેમ્પો તેમજ તેના ચાલકનો કબજો કડોદરા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
અજાણ્યા ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો
ટેમ્પોમાં તપાસ કરતાં ઝેરોક્ષ મશીનની આડમાં લઇ જવાતા વિદેશી દારૂની બોટલ નંગ 1100 કિં.1.11 લાખ તેમજ ટેમ્પોની કિંમત ૩ લાખ તથા રોકડ તેમજ મોબાઇલ મળી કુલ 4,10,500 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ટેમ્પોચાલક સતીશ ભુલા હળપતિ (રહે., ગામ મોહન, તા.ઉમરગામ, જિ.વલસાડ)ને પોલીસે ઝડપી પાડી દારૂ મોકલનાર તેમજ મંગાવનાર બંને અજાણ્યા ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
ઓલપાડમાં પલટી ગયેલી કારમાંથી દારૂ મળ્યો
ઓલપાડ ટાઉન, સાયણ: ઓલપાડ પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ઓરમા બ્રિજના વળાંકમાં પલટી ગયેલી નંબર પ્લેટ વગરની ઇકો કારમાંથી રૂ.2,05,200નો દારૂ ઝડપી પાડ્યો હતો.ઓલપાડ પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ઓરમા ગામની સીમમાં ઓલપાડથી સરસ ગામ તરફ જતા રોડ પર ઓરમા બ્રિજના વળાંકમાં એક નંબર પ્લેટ વિનાની કાર પલટી ખાધેલી હાલતમાં જોવા મળી આવી હતી. આથી પોલીસે કારમાં તપાસ કરતાં રૂ.2,05,200નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સાથે કાર કિંમત રૂ.2,50,000 મળી કુલ કિં.રૂ.4,55,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ ગુનાનો આરોપી અને ઇકો કારના ચાલક સહિત સંડોવાયેલા ઈસમો સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.