પલસાણા: (Palsana) ચાર માસ અગાઉ બગુમરા ગામેથી સાકી ગામ તરફ જતા નહેરમાંથી એક યુવકની લાશ (Deadbody) મળી આવી હતી. આ બનાવમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચાર માસ બાદ તેના પરિવારજનોએ યુવકના ફોટોના (Photo) આધારે ઓળખ કરી યુવકને એક મહિલા સાથે અનૈતિક સંબંધ (Immoral Relationship) હોવાથી મહિલાના ભાઇએ હત્યા કરી હોવાની આશંકા સાથે પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.
- બહેન સાથે અનૈતિક સંબંધ ધરાવનાર યુવકને ભાઈએ નહેરમાં ફેંકી દીધો હતો
- યુવકનો ટેલિફોનિક સંપર્ક ના થતાં તેણે નંબર બદલી નાંખ્યો હશે એમ સમજી પરિવારે શોધ કરી ન હતી
- યુવકની બહેને શંકાના આધારે ફરિયાદ નોંધાવતાં ભેદ ખૂલ્યો, બે આરોપી ઝડપાયા
- ચાર માસ અગાઉ બગુમરા નહેરમાંથી યુવકની લાશ મળવાની ઘટનામાં હત્યાનો ગુનો નોંધાયો
પ્રાપ્ત માહિતી અનુસાર ચાર માસ અગાઉ પલસાણાના બગુમરા ગામની સીમમાંથી સાંકી તરફ જતી ડાબા કાંઠાની મુખ્ય કેનાલમાંથી મહારાષ્ટ્રના એક યુવકની લાશ મળી આવી હતી. પલસાણા પોલીસે પોસ્ટમોટર્મ કરાવી ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું તારણ કાઢી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન યુવકના પરિવારજનોએ યુવકનો ટેલિફોનિક સંપર્ક ના થતાં તેણે નંબર બદલી નાંખ્યો હશે તેમ સમજીને તેની કોઇ શોધખોળ કરી ન હતી. બાદ ગત સોમવારે મરણ જનાર યુવકની બહેન સપના આહીરે (રહે., મહારાષ્ટ્ર)એ પલસાણા પોલીસમથકે આવી તપાસ કરતાં પોલીસે અજાણ્યા ઇસમોના ફોટા બતાવ્યા હતા. જેમાં એક ફોટો તેના સગા નાના ભાઇ દીપક બાલાસાહેબ આહીરેનો હોવાની ઓળખ થઇ હતી.
સપનાબહેને પોલીસને જણાવ્યું હતું કે, સુરતમાં રહેતી માયા નામની મહિલા સાથે દીપકના અનૈતિક સંબંધ હતા. જેની જાણ માયાના ભાઇને પણ હોવાથી તે અવારનવાર દીપકને ફોન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. અને દીપકને તરતા ના આવડતું હોવાની તેને જાણ હતી. જેને લઇ માયાનો ભાઇ રાહુલ (રહે., સુરત)એ દીપકને નહેરના પાણીમાં નાંખી દઇ તેની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેને લઇ પલસાણા પોલીસે રાહુલની સામે હત્યાનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી, જેમાં કડોદરા પોલીસે રાહુલ ઉર્ફે સંદીપ વિઠ્ઠલ પાટીલ (રહે., રત્નપ્રભા સોસાયટી, લિંબાયત, સુરત) તેમજ તેના મિત્ર મુકેશભાઇ દાસ આહીરે (રહે., શિવ આવાસ, કેનાલ રોડ, કામરેજ)એ ભેગા મળી તેને કેનાલમાં ધક્કો માર્યો હોવાની કબૂલાત કરી હતી. જેને લઇ કડોદરા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.