પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે સાંઈરામ સોસાયટી ખાતે બિલ્ડિંગ (Building) સામે પાર્ક કરેલી ઇકો કારમાંથી લિસ્ટેડ બુટલેગર મંગાવેલો રૂ.1. 8 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.
- તાતીથૈયામાં પાર્ક કરેલી કારમાંથી 1.08 લાખના દારૂ સાથે એક ઝડપાયો
- કારચાલક, દારૂ મંગાવનાર સહિત ચાર ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા
મળતી માહિતી અનુસાર કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસે મળેલી બાતમીના આધારે તાતીથૈયા ગામની સાંઈરામ સોસાયટીમાં શુકલાલ મારવાડીની બિલ્ડિંગની સામે પાર્ક કરેલી ઇકો કારમાંથી વિદેશી દારૂની રૂ. 1,08,000ની કિંમતની 672 બોટલ ઝડપી પાડી હતી. પોલીસે 3 લાખની ઇકો કાર મળી કુલ રૂપિયા 4,08,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કેસમાં પોલીસે જીતેન્દ્રસિંગ ઉદયપ્રમોદસિંગ (ઉ.વર્ષ 29, આશીર્વાદ પોઇન્ટ બિલ્ડિંગ, બીજા માળે, તાતીથૈયા, તા. પલસાણા)ની અટક કરી હતી. જ્યારે માલ મંગાવનાર રીંકુ લક્ષ્મણ કાશીનાથ દુબે (તાતીથૈયા, તા. પલસાણા), ઇકો કાર ચાલક અને બીજા બે અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
બગુમરા નહેર પાસેથી 3 લાખનો દારૂ ભરેલી બોલેરો સાથે એકની ધરપકડ
પલસાણા: પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના બગુમરામાં નહેર પાસેની ખુલ્લી જગ્યામાં મહિન્દ્રા બોલેરો કારમાંથી 3 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. સુરત જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક મહિન્દ્રા બોલેરો નંબર જીજે 5 સીયુ 6593માં વિદેશી દારૂનો જથ્થો ભરીને બગુમરા નહેર બાજુમાં ખુલ્લી જગ્યામાં ઉભેલ છે અને ત્યાંથી સગેવગે કરવાની પેરવીમાં છે, જેને પગલે પોલીસે છાપો માર્યો હતો. પોલીસને મહિન્દ્રા બોલેરોમાંથી 50 પેટીમાંથી 2400 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 3 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે 4 લાખની બોલેરો, એક મોબાઈલ ફોન કિંમત રૂ. 5 હજાર અને રોકડા રૂ. 1390 મળી કુલ 7,06,390 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે મનીષ લાલ બહાદુર સિંગ (રહે ગીત મહેલની પાછળ, પાંચમા માળે, કડોદરા, મૂળ રહે સમસ્તીપુર, બિહાર)ની ધરપકડ કરી માલ મંગાવનાર આબીદ ઉર્ફે જાવેદ આબીદ મહમદ જાફર (રહે કડોદરા, નીલમ હોટલ પાછળ અમૃત નગર) અને મોકલનાર સલીમ ખાનને વોન્ટેડ જાહેર કર્યા છે.