સુરત: 23 ડિસેમ્બરનાં રોજ પલસાણા (Palsana) તાલુકાના અંત્રોલી ગામનાં (Antroli Village) રામનગર ફળિયામાં રહેતા સન્મુખભાઇ દલપતભાઇ મોદીના પરિવારજને રાત્રિના સમયે પોતાનુ ઇલેકટ્રિક મોપેડને (Electric Moped) ઘરની અંદર ચાર્જમાં મુક્યુ હતુ ત્યારે અચાનક થયેલા સ્પાર્કમાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરીમાં ધડાકો (Battery Explosion) થતાં નજીકમાં મુકેલા 3 થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતાં. બેટરીના બ્લાસ્ટથી લાગેલી આગની જ્વાળાઓ ઘર સુધી પહોંચતા સ્થાનિક કડોદરા નગર પાલિકાનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.આગમાં એક સાથે ત્રણ કે એથી વધુ વાહનોમાં લાગી હોવાથી આગ ઓલવવા પલસાણા એનવાયરો પ્રોટેક્શન લી., બારડોલી નગરપાલિકા અને વાવ ફાયર સ્ટેશનના સ્ટાફની મદદ લેવામાં આવી હતી.
26 તારીખ સુધી પણ કડોદરા પોલીસ પાસે કોઈ માહિતી ન હતી
એટલે કે કડોદરા,બારડોલી ન.પા.ની સાથે પીઇપીએલ તથા વાવથી આવેલી ફાયર ટીમે આગ ઓલવી હતી.નવાઈની વાત એ હતી કે 23 ડિસેમ્બરે આવી મોટી આગની ઘટના બનવા છતાં 26 તારીખ સુધી પણ કડોદરા પોલીસ પાસે કોઈ માહિતી ન હતી.કડોદરા પીઆઇ.અજાણ હતાં. કડોદરા પીઆઇ.આરએસ.પટેલે જણાવ્યું હતું કે,આવી કોઈ ઘટના બની હોવાની કોઈએ ફરિયાદ કરી નથી.
ઇલેક્ટ્રિક બાઇક અને સળગેલા વાહનોનો ભંગાર કોણ ઉપાડી ગયું
ઇલેક્ટ્રિક મોપેડની બેટરી ચાર્જ કરતી વખતે બ્લાસ્ટ સાથે વાહનો અને મકાનમાં આગ લાગવાની ઘટના પછી 4 વિસ્તારોમાંથી આવેલા ફાયર વિભાગે આગ ઓલવી નાખી એ પછી કહે છે કે, જાણીતી ઇલેક્ટ્રી મોપેડ બનાવતી કંપની કે જે પેસેન્જર વેહિકલ સેવા પણ આપે છે.એ કંપનીના માણસો બીજા દિવસે રહસ્યમય રીતે કશુંક સંતાડવા સળગેલા વાહનોનો ભંગાર ઉપાડી ગયા હતાં. કે જેથી પોલીસ,એફએસએલ અને આરટીઓથી ઘટના સંતાડી શકાય.પોલીસને જ ચાર- ચાર દિવસ થવા છતાં ઘટનાની જાણ ન હોય તો એફએસએલને જાણ કોણ કરે? ચાર્જમાં મુકેલા ઇલેક્ટ્રિક મોપેડમાં સ્પાર્ક થતા આગ ઘરમાં પણ ફેલાઇ ગઇ હતી.અને ઘર વખરી ને પણ નુકસાન થયું હતું તેમજ ઘર ની બહાર પાર્ક કરેલી અન્ય બાઈક પ્લેઝર અને પેસન મોટર સાયકલ બળી ને ખાક થઈ ગઈ હતી. સદ્નસીબે ઘરના પરીવારના સભ્યો ઘરમાંથી તાત્કાલીક બહાર આવી જતા મોટી દુર્ઘટના ટળી હતી.
મને ઘટનાની કોઇ જાણ નથી : કડોદરા પી.આઇ.
23 ડિસેમ્બરનાં રોજ પલસાણા તાલુકાના અંત્રોલી ગામનાં રામનગર ફળિયામાં બેટરી ફાટવાની ઘટના અંગે કડોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલે જણાવ્યું હતું કે, કોઈ બાઈકની બેટરી ફાટી હોય એવી કોઈ ઘટના મને ખબર નથી.
પોલીસ સ્થળ તપાસ કરશે…..
મારા ધ્યાન પર આ ઘટના છે પરંતુ વચ્ચે બંદોબસ્ત આવ્યો હોવાથી તપાસ કરી શકાઈ નથી. એમ પણ કોઈના પ્રાયવેટ પ્રિમાઈસિસમાં કોઈ ઘટના બંને અને માલિક પોલીસને જાણ ન કરે તો પોલીસ તપાસ ન પણ કરે. પરંતુ આનામાં આટલા વાહનો સળગ્યા છે, બેટરી ફાટી છે.આગ લાગી છે. એટલે ગંભીર બાબત હોય પોલીસ સ્થળ વિઝિટ કરીને તપાસ કરશે.
હિતેશ જોયસર( ડીએસપી, સુરત )
આગની ઘટનાનો કડોદરા નગર પાલિકાને રિપોર્ટ આપી દીધો છે
કડોદરા નગર પાલિકાને આગની ઘટનાને લાગતો રિપોર્ટ સુપરત કર્યો છે.આગ ઓલવવામાં બારડોલી નગર પાલિકા, PEPL અને વાવ ફાયર સ્ટેશનનો સ્ટાફ પણ આવ્યો હતો.ત્રણેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતાં. – અક્ષય તાવડે ( ફાયર ઓફિસર કડોદરા ન.પા.)
આગનું કારણ જાણવા પ્રયાસ કરીશું
કયા ઇલેક્ટ્રિક મોપેડની બેટરી ચાર્જ કરતી વખતે ઘટના બની, એ જાણવા પ્રયાસ કરીશું. સામાન્ય રીતે એફએસએલના રિપોર્ટને આધારે અમે સંબંધિત ઓથોરિટીને રિપોર્ટ કરતાં હોઈએ છીએ. વાહનમાં આગ લાગવાની ઘટનામાં કોઈને ઇજા કે જાનહાની થાય ત્યારે જ આરટીઓની ભૂમિકા આવતી હોય છે.
-પાર્થ જોશી (આરટીઓ બારડોલી)