પલસાણા: પલસાણા (Palsana) પોલીસે (Police) મળેલી બાતમીના આધારે પલસાણા હાઇવે ચાર રસ્તા નજીકથી એક કારમાંથી (Car) 33 હજારના દારૂ (Alcohol) સાથે બેની અટક કરી છે. બાતમીને આધારે પલસાણા પોલીસ મથકની ટીમે વોચ ગોઠવી આશરે 4 લાખ રૂપીયાના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર પલસાણા તાલુકા પોલીસ મથકના પી.આઇ એ.ડી ચાવડા તેમજ અ.હે.કો મેરૂ રમેશભાઇને બાતમી મળી હતી કે કારમાં સીટ નીચે ચોરખાનું બનાવી તેમાં સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો ભરી પલસાણા હાઇવે પરથી પસાર થનાર છે. જે બાતમીને આધારે પલસાણા પોલીસ મથકની ટીમે વોચ ગોઠવી ગાડીને ઝડપી પાડી સીટ નીચે તપાસ કરતા ગાડીની નીચે બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ 78 કિં. રૂ. 33000, ગાડીની કિંમત 3 લાખ, મોબાઇલ ફોન નંગ 2 કિંમત રૂપીયા 40000 તથા અંગ ઝડતીમાંથી મળેલ રોકડ રૂપીયા 5500 મળી કુલ 378500 રૂપીયાના મુદ્દામાલ સાથે પોલીસે હીતેશભાઇ ખોડાભાઇ સુહાગીયા તથા કામજી ભીમજી મોરડીયાને ઝડપી પાડ્યા હતા. તેમજ સેલવાસથી દારૂનો જથ્થો ભરી આપનાર જીજ્ઞેશ વિનોદ પટેલ અને દારૂનો જથ્થો મંગાવનાર રાહુલ ઉર્ફે લાલો ઉર્ફે બટકો નટવરભાઇ સુરતીને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
ખોલવડમાં બે કારમાંથી દેશી દારૂ પકડાયો
કામરેજ: ખોલવડથી સ્ટેટ મોનિટરિંગ ટીમે બે કારમાંથી 1050 લીટર દેશી દારૂ પકડી બે ઈસમને પકડી પાડી દારૂ મંગાવનાર તથા મોકલનાર મળી અન્ય પાંચ ઈસમને વોન્ટેડ જાહેર કરી કુલ રૂ.4,22,000નો મુદ્દામાલ પકડ્યો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મંગળવારે બાતમી મળી હતી કે, બે મારુતિ સ્વિફ્ટ કારમાં દેશી દારૂનો જથ્થો ભરી કઠોરથી કામરેજ તરફ જઈ રહી છે. જે બાતમીના આધારે ખોલવડ ગામની હદમાં તાપી નદીના જૂના પુલ પાસે આવેલા સ્મશાન નજીક બે મારુતિ સ્વિફ્ટ અટકાવી કારમાં બેસેલા સુરેશ છના વસાવા સંજય છના વસાવા પકડાયેલા ઈસમોની પૂછપરછ કરતાં દેશી દારૂનો જથ્થો ખડસદમાં રહેતા મુન્નાલાલ ઉર્ફે મુન્નો રામનાર ગુપ્તા, રાજુ ઉર્ફે ભૈયા બંસગોપાલ પંડિત તે બંને ભાગીદારીમાં ઓલપાડમાં સુભાષ પટેલ, કાળુભાઈ તેમજ ચંદ્રકાત અર્જુન પટેલને ત્યાંથી દારૂનો જથ્થો ભરીને ખડસદ પહોંચાડે છે. બાદ બંને કારમાં તપાસ કરતાં દેશી દારૂ 1050 લીટર કિં.રૂ.21000, બે કાર કિં.રૂ.4,00,000, મોબાઈલ મળી કુલ રૂ.4,22,000નો મુદ્દામાલ પકડી પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધ્યો હતો.