હથોડા: (Hathoda) પાલોદ ગામે (Village) ક્રિષ્ના રેસિડેન્સીની પાછળ આવેલા તળાવમાં 12, 13 અને 14 વર્ષના ત્રણ મિત્રો (Friends) નાહવા પડ્યા હતા. ત્યારે 12 વરસના શુભમનું તળાવના (Lake) ઊંડા પાણીમાં ડૂબી (Drowned) જવાથી મોત થયું હતું. શુભમ ડૂબી જતાં જ બંને મિત્ર ગભરાઈને ભાગી છૂટ્યા હતા.
- પાલોદના તળાવમાં નાહવા પડેલા ત્રણ મિત્ર પૈકી એક ડૂબી ગયો, બેનો બચાવ
- મિત્ર ડૂબી જતાં બીજા બે મિત્ર ગભરાઈને ભાગી છૂટ્યા
ઘટનાની વિગત એવી છે કે, પાલોદ ગામની હદમાં આવેલા જેબી રો હાઉસ ખાતે રહેતો શુભમ ગજેન્દ્રસિંહ રિછપાલસિંહ રાઠોડ (ઉં.વ.12) અને તેનો મિત્ર રોહિત મનોજ (ઉં.વ.13) અને નજીકમાં આવેલી ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતો સુશીલ સંજયકુમાર શર્મા (ઉં.વ.14) રમતાં રમતાં ક્રિષ્ના રેસિડેન્સીની પાછળ આવેલા તળાવ ખાતે પહોંચી ગયા હતા. અને તળાવમાં નાહવા પડતાં ફેન્સિંગ વગરના ઊંડા તળાવમાં બાર વર્ષનો શુભમ પાણીમાં ગરક થઈ ગયો હતો. શુભમ ડૂબી જતાં જ બંને મિત્ર ગભરાઈને ભાગી છૂટ્યા હતા. મોડી સાંજે શુભમ ઘરે નહીં પહોંચતાં પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી.
આખરે મિત્રો થકી જાણવા મળ્યું હતું કે, શુભમ તળાવના પાણીમાં નાહવા પડતાં ડૂબી ગયો છે. જેને કારણે પરિવારજનો સાથે લોકટોળું મોડી રાત્રે તળાવના કિનારે પહોંચી ગયું હતું. જ્યાં તળાવના કિનારે શુભમનાં કપડાં મળી આવ્યાં હતાં અને અંધારામાં પાલોદના સરપંચ દિનેશભાઈ આહીર તેમજ પાલોદ પોલીસના સથવારે લાશની શોધખોળ હાથ ધરતાં ડૂબી ગયેલા શુભમની મોડી રાત્રે લાશ મળી આવી હતી. આ બનાવ અંગે જાણ થતાં પાલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એ બાદ લાશનો કબજો લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પરિવાર તથા મિત્રવર્તુળોમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી.
કીમના નવાપરામાં કંપનીના ગોડાઉનમાં આગ
હથોડા: કીમની નવાપરા જીઆઇડીસી ખાતે કંપનીના ગોડાઉનમાં આકસ્મિક રીતે આગ ભભૂકી ઊઠી હતી. આ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. કીમની નવાપરા જીઆઇડીસી ખાતે પેપર રોલ બનાવતી કંપનીનું ગોડાઉન આવેલું છે. જ્યાં મોટા પ્રમાણમાં રહેલા રોલના જથ્થામાં બુધવારે આકસ્મિક રીતે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. પલકવારમાં આ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં વિસ્તારના લોકોમાં ડરના માહોલ સાથે નાસભાગ મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરાતાં સુરતથી 6 જેટલા ફાયર ફાઈટરો આગ ઓલવવા માટે ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને પાલોદ પોલીસે પણ ઘટના સ્થળે ધસી જઈ અજૂગતો બનાવ નહીં બને એ માટે સાવચેતી દાખવવા નજર રાખી હતી. આ આગમાં કેટલું નુકસાન થયું છે અને આગ કયાં કારણસર લાગી એ જાણી શકાયું નથી.