આ મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના પાલઘર (Palghar) જિલ્લામાં કાર અકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના (Syrus Mistry) મૃત્યુના સમાચારે ખળભળાટ મચાવી દીધો હતો. સત્તાવાર આંકડા દર્શાવે છે કે હાઇવેના (Highway) આ ભાગ પર માર્ગ અકસ્માતો (Accident) ખૂબજ સામાન્ય બાબત છે. થાણેના ઘોડબંદર અને પાલઘર જિલ્લાના દપચારી વચ્ચેના મુંબઈ-અમદાવાદ હાઈવેના (Mumbai Ahmedabad Highway) 100 કિલોમીટરના એરિયામાં આ વર્ષે 262 અકસ્માતો થયા છે જેમાં ઓછામાં ઓછા 62 લોકોના મોત થયા છે અને 192 લોકો ઘાયલ થયા છે.
આ વર્ષે ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની કારનો જ્યાં અકસ્માત થયો હતો, ત્યાં આ વર્ષે અકસ્માતોમાં 62 લોકોના મોત થયા હતા અને 192 લોકો ઘાયલ થયા હતા. આમાંના ઘણા અકસ્માતો ઓવર સ્પીડિંગ અથવા ડ્રાઇવરની ભૂલને કારણે થયા હતા, પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે રસ્તાઓની નબળી જાળવણી, યોગ્ય ચિહ્નોનો અભાવ અને ઝડપ નિયંત્રણના પગલાંનો અભાવ આ અકસ્માતો માટે મુખ્યરૂપે જવાબદાર છે. મહારાષ્ટ્ર હાઈવે પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતથી ચરોટી નજીક હાઈવેના પટ પર 25 ગંભીર અકસ્માતોમાં 26 લોકોના મોત થયા છે જ્યાં મિસ્ત્રીની કાર 4 સપ્ટેમ્બરે અથડાઈ હતી.
મુંબઈ તરફનો લગભગ 500 મીટરનો પટ ખૂબ જોખમી છે
ચિંચોટી નજીકના વિસ્તારમાં સમાન સમયગાળામાં 35 ગંભીર અકસ્માતોમાં 25 લોકોના મોત થયા છે. જ્યારે મનોર નજીક 10 અકસ્માતોમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચિરોટી તરફ અને મુંબઈ તરફનો લગભગ 500 મીટરનો પટ અકસ્માતોની દૃષ્ટિએ ખૂબ જ જોખમી છે. અધિકારીએ ઉમેર્યું હતું કે મુંબઈ તરફ જતી વખતે સૂર્યા નદીના પુલ પહેલાં રસ્તો વળાંક લે છે અને ત્રણ માર્ગીય રસ્તો બે માર્ગીય બની જાય છે. ખાસ વાત એ છે કે આ અંગે ડ્રાઇવરોને અગાઉથી જાણ કરવા માટે રસ્તા પર કોઈ યોગ્ય ચિહ્નો નથી.
સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલે માર્યા ગયા હતા
આ રોડ પર ગંભીર અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલેનું મોત થયું હતું. પાલઘરમાં સૂર્યા નદી પરના પુલના ડિવાઈડરમાં કાર અથડાઈ હતી જેમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. કાર ચલાવી રહેલા અનાહિતા પંડોલે (55) અને તેના પતિ ડેરિયસ (60) ગંભીર રીતે ઘાયલ થયા હતા. અન્ય એક અધિકારીએ કહ્યું કે એવું લાગે છે કે ઇન્ડિયન રોડ કોંગ્રેસની સલામતી માર્ગદર્શિકાની અવગણના કરવામાં આવી છે જેઓ રસ્તાની જાળવણી માટે જવાબદાર છે.
હાઇવેની જાળવણીની જવાબદારી ખાનગી એજન્સીની છે
અધિકારીઓનું કહેવું છે કે આ રોડ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના કાર્યક્ષેત્રમાં આવે છે. પરંતુ જાળવણીની જવાબદારી ખાનગી ટોલ વસૂલ કરતી એજન્સીની છે. અધિકારીના જણાવ્યા મુજબ માર્ગદર્શિકા મુજબ દરેક 30 કિમી પર એક એમ્બ્યુલન્સ તૈયાર રાખવી જોઈએ અને ક્રેન અને પેટ્રોલિંગ વાહનો પણ હોવા જોઈએ. મહારાષ્ટ્ર પોલીસે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને પત્ર લખીને રોડ સેફ્ટી ઓડિટ કરવા જણાવ્યું છે. જેમાં 4 સપ્ટેમ્બરના અકસ્માતને પગલે અમલમાં આવી શકે તેવા સલામતીનાં પગલાં અંગે નિષ્ણાત અભિપ્રાય માંગ્યો છે.