Comments

કાશ્મીરમાં હિંસા પાછળ પાક.ની મેલી મુરાદ

કાશ્મીર ફરી ઇસ્લામ ત્રાસવાદીઓ દ્વારા હિંદુઓ અને શીખોને નિશાન બનાવી કરાતી હત્યાઓનું સાથી બની રહ્યું છે. આ હત્યાઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ. દ્વારા અપનાવાયેલા નવા વ્યૂહની વાત કરે છે. જમ્મુ અને કાશ્મીરમાં ભય અને અસંતોષ વકરાવી ખીણમાં રાબેતાની પરિસ્થિતિ ફરી સ્થપાતી અટકાવવાની આ હત્યાઓ પાછળ નેમ છે. ત્રાસવાદીઓ જાણે છે કે તેઓ ભારતીય સુરક્ષા દળો સાથે ‘લશ્કરી’ રીતે લડી શકે તેમ નથી. તેથી તેઓ નરમ નિશાન શોધે છે – માત્ર શોધવામાં સહેલાં પડે એવાં નિશાન જ નહીં પકડવાનાં, પણ આમાં નિશાનની હત્યા કરી સ્પષ્ટ સંદેશો પહોંચાડવા માટે આ નિશાન પસંદ કરવામાં આવે છે.

આ સંદેશ ભારત સરકાર અને જે વ્યકિતઓની હત્યા થાય છે તેની કોમ હિંદુઓ અને શીખોને મોકલવામાં આવે છે. તેઓ ભારત સરકારને એવો સંદેશો મોકલવા માંગે છે કે અમે સરકારને હિંદુ બહુમતીઓની સરકાર ગણીએ છીએ. આથી અમે સુરક્ષા તંત્ર પર હુમલો નહીં કરી શકીએ તો અમે નબળામાં નબળાં નિશાન પર હુમલો કરીશું. બહુમતી હિંદુઓને સંદેશ પાઠવાય છે તે ખાસ ભયંકર છે. હિંદુઓ અને શીખોને નિશાન બનાવી ક્રૂર રીતે કરાતી હત્યાઓનું લક્ષ્ય દેશમાં અન્યત્ર હુલ્લડના સ્વરૂપમાં મુસ્લિમો પર વળતો હુમલો કરાવી અજંપો પેદા કરવાનું છે. આ હુમલા આખા દેશમાં કોમી વાતાવરણ પેદા કરશે. ઉદ્દામવાદીઓની દૃષ્ટિએ જુઓ તો તેમને કાશ્મીરના મુદ્દાને ભેળવીને ભારતમાં મુસલમાનોની પરેશાની કરાતી હોવાના મુદ્દાને ભેળવી ભારતમાં મુસલમાનોની પરેશાની કરાતી હોવાના મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવવામાં મદદ મળશે.

૧૯૯૦ ના દાયકામાં કાશ્મીરી પંડિતોને જે હિજરત કરવી પડી હતી તેની કરુણ દાસ્તાન અહીં ફરી વર્ણવી શકાય તેના કરતાં ઘણી વધુ જાણીતી છે. પણ મોટો પ્રશ્ન એ છે કે કાશ્મીરમાં હમણા હિંદુઓ પર અને શીખો પર કેમ હુમલા થાય છે? કારણ કે તા. ૫ મી ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ બંધારણની કલમ ૩૭૦ ની જોગવાઇઓની નાબૂદી અને રાજયના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન પછી પરિસ્થિતિ સુધરવા માંડી હતી. પથ્થરમારો કરતાં ટોળાં શેરીઓમાંથી અદૃશ્ય થઇ ગયાં હતાં. ૨૦૨૦ માં આવા નોંધાયેલા કિસ્સાઓની સંખ્યા ૯૦% ઘટી ગઇ હતી!

ત્રાસવાદી જૂથો સામે સુરક્ષા દળોની કામગીરી, ત્રાસવાદીઓને મળતાં નાણાં પર નિયંત્રણ અને વિકાસ કાર્યો પર વધુ ધ્યાન આપવા જેવાં પગલાંથી રાબેતાની સામાન્યવત્‌ સ્થિતિ સ્થાપવામાં મદદ મળશે અને જમ્મુ – કાશ્મીરમાં અજંપો સર્જી ટકી રહેલા પાકિસ્તાનના લશ્કરને આ નહીં જ ગમે. આથી પાકિસ્તાનના લશ્કરે હવે જમ્મુ-કાશ્મીર રાજયમાં હિંસાને વધારવા નવી વ્યૂહરચના અપનાવી છે. તેનું નિશાન બિનમુસ્લિમ વસ્તી છે પણ આડેધડ આવી કરાતી હત્યાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર માટે મોટો સુરક્ષા પડકાર ફેંકયો છે. આ આડેધડ જણાતી હત્યાઓ ખરેખર હિંસા દ્વારા ભય પેદા કરવા માટે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી વ્યૂહરચનાનો ભાગ છે.

આથી જ શ્રીનગરમાં તા. ૫ મી ઓકટોબરે એક જાણીતી ફાર્મસીના માલિક મખનલાલ બિન્દુની હત્યા લઘુમતી હિંદુઓમાં ભયની લાગણી પેદા કરવા કરાઇ હતી. એ જ દિવસે બિહારના એક મજૂર સહિત બીજા બે નાગરિકોની હત્યા કરાઇ હતી. તા. સાતમી ઓકટોબરે એક સ્થાનિક સરકારી શાખાનાં આચાર્યા સુપીન્દર કૌર અને એક શિક્ષક દીપક ચંદની હત્યા એ જ હલકટ કાવતરાનો ભાગ હતી. સુપિન્દર કૌર શીખ હતાં અને દીપક ચંદ હિંદુ. આવી રીતે નિશાન બનાવીને કરાતી હત્યાઓ જમ્મુ – કાશ્મીરમાં શાંતિ સ્થપાતી અટકાવવાના પાકિસ્તાનના વ્યૂહનો એક ભાગ છે. દેખીતી રીતે રાજયમાં હિંસા આચરવા માટેની આ નવી પધ્ધતિ રોકવાનું મુશ્કેલ છે.

કોઇ પણ ત્રાસવાદી પોતાના અગાઉ પારખેલા બિનમુસ્લિમ નિશાન પાસે આવે, તેને ખૂબ નજીકથી ઠાર કરે અને ટોળામાં અદૃશ્ય થઇ જાય. આ સુરક્ષા વ્યવસ્થા સામે એક નવું જોખમ પેદા કરે છે અને તેને અસરકારક રીતે હાથ ધરવામાં નહીં આવે તો તેનાં ગંભીર પરિણામો આવી શકે. વ્યૂહાત્મક સ્તરે અત્યારની તાતી જરૂરિયાત એ છે કે ત્રાસવસાદીઓને નાબૂદ કરવા અસરકારક પોલીસ વ્યવસ્થા ગોઠવાય અને જાસૂસી તંત્ર વધુ મજબૂત બનાવાય. બીજી તરફ મોદી સરકાર પણ ત્રાસવાદીઓને ટેકો આપવા બદલ પાકિસ્તાન લશ્કરને ભારે કિંમત ચૂકવવી પડે એવું વિચારી શકે. આગામી શિયાળો લાંબો, ઠંડો અને ભયંકર તેમ જ ઓગસ્ટ ૨૦૧૯ પછી નહીં જોવાઇ હોય તેવી હિંસાથી ભરપૂર હશે….
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top