ઇસ્લામાબાદ: પાકિસ્તાન(Pakistan)ના રાજકીય સંકટ પર પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ(Supreme court)માં આજે હાથ ધરવામાં આવેલી સુનાવણી આવતી કાલ પર મુલતવી રાખવામાં આવી છે. પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ અતા બંદ્યાલે કહ્યું છે કે તેઓ આ કેસ પર આજે ચુકાદો આપવા માંગે છે. અતા બંદ્યાલે કહ્યું કે આ મામલામાં MQM, તહરીક-એ-લબીક, PTM, જમાત-એ-ઈસ્લામીને પક્ષ તરીકે ગણવામાં આવ્યા નથી. બીજી તરફ ઈમરાનના પક્ષના વકીલ બાબર અવાને કહ્યું કે રાહ-એ-હક પાર્ટી અને BAP પણ સંસદનો ભાગ છે પરંતુ કેસનો ભાગ નથી.
પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલે સુનાવણી દરમિયાન ઈમરાન(Imran Khan) સરકારના વકીલ બાબર અવાન પાસે NSCની બેઠકની મિનિટ્સ માંગી છે. આ મીટિંગમાં ઈમરાને NSCની સાથે વિદેશી ષડયંત્રના પુરાવાવાળો લેટર શેર કરવાનો દાવો કર્યો હતો. ઇમરાન ખાનનો દાવો છે કે તેઓની સામે અવિશ્વાસનો રજુ કરવા માટે વિદેશથી નાણાનું ફંડિંગ કરાયું હતું.
સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની પાર્ટીનાં વકીલને લગાવી ફટકાર
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના વકીલને ફટકાર લગાવી છે. કોર્ટે વકીલને આકરા સવાલો કર્યા હતા અને પૂછવામાં આવ્યું કે શું તેઓ રાષ્ટ્રપતિ સંસદ ભંગ કરવાનું કારણ પૂછી શકે છે? ડેપ્યુટી સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવને કયા આધારે ફગાવી દીધો અને આ નિર્ણયનો આધાર શા માટે આપવામાં આવ્યો નથી. તે પહેલા જ જસ્ટિસ જમાલ ખાન મંડોખેલે કહ્યું હતું કે સુનાવણીને પાટા પરથી ઉતારવાનો કોઈ પ્રયાસ ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે અમે સંવિધાનને બચાવવાની પ્રતિજ્ઞા લીધી છે.
જસ્ટિસે કહ્યું કે અમે એવો નિર્ણય આપીશું જે દેશના હિતમાં હશે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઉમર અતા બંદ્યાલે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે સુનાવણીમાં વિલંબને કારણે સમજાય છે કે કોર્ટ તેમાં વિલંબ કરી રહી છે. કોર્ટ પર ચુકાદો ન આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
ફવાદ ચૌધરીએ પત્રકારો સાથે ઝઘડો કર્યો
સુપ્રીમ કોર્ટ બહાર PTI નેતા ફવાદ ચૌધરીએ પત્રકારો સાથે ઝઘડો કર્યો હતો. તેઓએ પત્રકારને ભાડાની બંદૂક કહેતા મામલો બિચકાયો હતો. જેથી પત્રકાર અને ફવાદ ચૌધરી વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. ત્યાં હાજર પત્રકારોએ મામલો શાંત પાડવાની કોશિશ કરી હતી. પતત્રકારો ફવાદ ચૌધરીને માફી માગવાનું વારંવાર કહી રહ્યા હતા પણ તેઓએ માફી માગી ન હતી. બાદમાં પત્રકારોએ પ્રેસ કોન્ફરન્સ બોયકોટ કરી હતી.
રાષ્ટ્રપતિએ ચુંટણી પંચને લખ્યો પત્ર
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ ચૂંટણી પંચને પત્ર લખીને સામાન્ય ચૂંટણીની તારીખો વહેલી તકે જાહેર કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે 90 દિવસમાં ચૂંટણી યોજાવાની છે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ જમાલ ખાન મંડોખેલે કહ્યું કે સુનાવણીને પાટા પરથી ઉતારવાનો કોઈ પ્રયાસ ન કરવો જોઈએ. અમે સંવિધાનને બચાવવાનું વચન આપ્યું છે. અમે એવો નિર્ણય આપીશું જે દેશના હિતમાં હશે.
ઈમરાન ખાને ફરી વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
પીપલ્સ પાર્ટીના નેતાઓએ સુપ્રીમ કોર્ટની બહાર ઈમરાન ખાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પહેલા તેઓ સંસદમાંથી લડ્યા, હવે કદાચ તેઓ સુપ્રીમ કોર્ટમાંથી લડશે અને પછી યાદ રાખો કે તેઓ ચૂંટણીમાંથી પણ લડશે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા ઈમરાન ખાને ફરી એકવાર વિપક્ષી પાર્ટીઓ પર પ્રહારો કર્યા છે. ઈમરાન ખાને કહ્યું કે આપણા મીર જાફર અને મીર સાદિક દ્વારા વિદેશી શક્તિઓ પાકિસ્તાનની સંપ્રભુતા અને લોકશાહી પર હુમલો કરી રહી છે, જેની સામે જનતાએ અવાજ ઉઠાવવો જોઈએ. ઈમરાન ખાન આજે ધમકી પત્રની ન્યાયિક તપાસની માંગ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આ માટે ન્યાયિક પંચની રચનાની માંગ કરશે.