World

પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો વિશ્વ માટે ખતરો: દસ્તાવેજોમાં થયો ખુલાસો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 2001 માં તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશ સાથેની તેમની પહેલી મુલાકાત દરમિયાન પાકિસ્તાન વિશે ચિંતા વ્યક્ત કરી હતી. પુતિને કહ્યું હતું કે પાકિસ્તાન મૂળભૂત રીતે પરમાણુ શસ્ત્રો ધરાવતું લશ્કરી જુન્ટા છે. તે લોકશાહી દેશ નથી. આ માહિતી 2001 અને 2008 વચ્ચે બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીતમાંથી ડિક્લાસીફાઇડ દસ્તાવેજોમાં જાહેર કરવામાં આવી છે. આ દસ્તાવેજો યુએસ નેશનલ સિક્યુરિટી આર્કાઇવ દ્વારા માહિતી સ્વતંત્રતા કાયદા હેઠળ બહાર પાડવામાં આવ્યા હતા.

પુતિનના મતે આ હોવા છતાં પશ્ચિમી દેશો પાકિસ્તાનની ટીકા કરતા નથી, જે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે આ મુદ્દા પર ખુલ્લેઆમ ચર્ચા થવી જોઈએ. બંને નેતાઓ પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ, રાજકીય અસ્થિરતા અને પરમાણુ કમાન્ડ સિસ્ટમ વિશે ચિંતિત હતા. તેમને ડર હતો કે જો પરિસ્થિતિ વધુ વણસી તો પરમાણુ ટેકનોલોજી ખોટા હાથમાં આવી શકે છે.

આ વાતચીત એવા સમયે થઈ હતી જ્યારે આતંકવાદ અને દક્ષિણ એશિયાની સુરક્ષા અંગે વૈશ્વિક પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ હતી. પુતિન માનતા હતા કે પરમાણુ શસ્ત્રોથી સજ્જ બિન-લોકશાહી દેશનું અસ્તિત્વ વૈશ્વિક સુરક્ષા માટે ખતરો ઉભો કરી શકે છે. આ વાટાઘાટોમાં પાકિસ્તાનના ‘AQ ખાન નેટવર્ક’, ઈરાન અને ઉત્તર કોરિયા સુધી પરમાણુ ટેકનોલોજી પહોંચવાનો ખતરો અને પાકિસ્તાનની પરમાણુ સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

2001 થી 2008 ના સમયગાળા દરમિયાન પાકિસ્તાન પર લશ્કરી શાસક પરવેઝ મુશર્રફનું શાસન હતું. 9/11 પછી, અમેરિકા અને રશિયા બંને આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાનને મદદ કરી રહ્યા હતા. આમ છતાં બંને નેતાઓને પાકિસ્તાનની પરમાણુ નીતિ અને નિયંત્રણ વ્યવસ્થા પર વિશ્વાસ નહોતો. આ બેઠક દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે જણાવ્યું હતું કે રશિયા પશ્ચિમનો ભાગ છે, દુશ્મન નથી. બંને નેતાઓએ પરસ્પર આદર વ્યક્ત કર્યો. બુશે પાછળથી કહ્યું કે તેઓ પુતિનને નજીકથી સમજે છે અને તેમને વિશ્વસનીય માને છે.

ભારતની લાંબા સમયથી ચાલતી ચિંતાઓ પણ સામે આવી
આ ખુલાસા વચ્ચે ભારતની ચિંતાઓ પણ સામે આવી છે. ભારત લાંબા સમયથી પાકિસ્તાનના પરમાણુ પ્રસાર રેકોર્ડ પર પ્રશ્ન ઉઠાવી રહ્યું છે. નવેમ્બર 2025 માં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાનનો દાણચોરી, ગેરકાયદેસર પરમાણુ પ્રવૃત્તિઓ અને AQ ખાન નેટવર્કનો ઇતિહાસ છે. 15 મેના રોજ, 7 થી 10 મે દરમિયાન ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ પાકિસ્તાનને એક બેજવાબદાર દેશ ગણાવ્યો હતો અને માંગ કરી હતી કે તેના પરમાણુ શસ્ત્રો IAEA ની દેખરેખ હેઠળ મૂકવામાં આવે.

Most Popular

To Top