પાકિસ્તાન ભારતથી છૂટું પડ્યું તે પછી ક્યારેય તેણે રાજકીય સ્થિરતા જોઈ નથી. પાકિસ્તાનમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી કોઈ સરકાર તેની મુદત પૂરી કરી શકી નથી. રાજકીય અસ્થિરતાને કારણે ઇમરાન ખાનની સરકારનું પતન થયું તે પછી શાહબાઝ શરીફની સરકાર આવી હતી, પણ તેનાથી પાકિસ્તાનનો ઉદ્ધાર થયો નથી. પાકિસ્તાન અત્યારે તેના ઇતિહાસની સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતના બીજા પડોશી શ્રીલંકાની જેમ પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણના ભંડારનું તળિયું દેખાઈ રહ્યું છે.
આ ભંડારમાં માત્ર એકાદ મહિનાની આયાતને પહોંચી વળે એટલા જ ડોલર બચ્યા છે. બીજી તરફ ફુગાવો ૩૦ ટકાના રેકોર્ડ દરે પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં એક કિલોગ્રામ ઘઉંનો લોટ ૧૫૦ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો છે. ઠેર ઠેર રોટી રમખાણો શરૂ થઈ ગયાં છે. શાકભાજી અને ફળોના ભાવોમાં ૫૬ ટકાનો વધારો થયો છે. કાંદાના ભાવોમાં છેલ્લાં એક વર્ષમાં ૪૧૫ ટકાનો વધારો થયો છે. પાકિસ્તાનમાં વીજળીની તીવ્ર તંગી પેદા થઈ છે. વીજળી બચાવવા શોપિંગ સેન્ટરો રાતે ૮ વાગ્યે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને લગ્નસમારંભો રાતે ૧૦ વાગ્યા સુધીમાં આટોપી લેવાના રહે છે.
પાકિસ્તાનમાં ૨૦૨૨ દરમિયાન ગરીબીના દરમાં ૩૫.૭ ટકાનો વધારો થયો છે. પાકિસ્તાન દુનિયાના ૧૧૬ ગરીબ દેશોની યાદીમાં ૯૨મા સ્થાન પર ઊતરી ગયું છે. આઝાદ કાશ્મીર તરીકે ઓળખાતા ગિલગિટ-બાલ્ટિસ્થાનમાં પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી છે. ત્યાંની પ્રજા કરવેરાના ભારણ અને અનાજની તંગીને કારણે આઠ દિવસથી આંદોલન કરી રહી છે. લાખો લોકો રસ્તા પર ઊતરી આવ્યાં છે. સ્થાનિક પ્રજા જમીનના માલિકી અધિકારો માટે પણ આંદોલન કરી રહી છે. તેમનો વિરોધ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પંજાબીઓને વસાવવા સામે છે. હવે તેઓ આર્થિક બેહાલીથી તંગ આવીને આઝાદ કાશ્મીરને ભારતમાં જોડવાની માગણી કરી રહ્યા છે.
પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણનો ભંડાર લગભગ ખાલી થઈ ગયો છે. સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન પાસે ૫.૫૭૬ અબજ ડોલરનું ભંડોળ બચ્યું છે તો કોમર્શિયલ બેન્કો પાસે બીજા ૫.૮ અબજ ડોલર છે. આ બંનેનો સરવાળો કરીએ તો પણ તે માંડ ત્રણ સપ્તાહનું આયાત બીલ ચૂકવી શકે તેમ છે. તેની સામે પાકિસ્તાને ૨૦૨૩ના પહેલા ત્રણ મહિનામાં વ્યાજના હપ્તાના રૂપમાં જ ૮.૩ અબજ ડોલર ચૂકવવાના છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ૨૦૧૯માં પાકિસ્તાનને ૬ અબજ ડોલરની લોન આપવાનું વચન આપ્યું હતું. તે રકમ પાછળથી વધારીને ૭ અબજ ડોલર કરવામાં આવી હતી. ૨૦૨૨ના વિનાશક પૂરને કારણે આ તમામ મદદ ધોવાઈ ગઈ હતી. પૂરને કારણે પાકિસ્તાનને ૩ અબજ ડોલરનું નુકસાન થયું હતું. તેમાં આશરે ૧૭૦૦ લોકો માર્યા ગયાં હતાં અને ૮૦ લાખ લોકો બેઘર બન્યાં હતાં. તેમનું પુનર્વસન કરવાની જવાબદારી સરકારના માથે આવી ગઈ હતી.
પાકિસ્તાને ૭ અબજ ડોલરનું ભંડોળ લેતી વખતે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડને વચન આપ્યું હતું કે તે કરવેરા વધારશે. ઊર્જાના ભાવો વધારશે અને સરકારી ખર્ચાઓ ઘટાડશે. આ વચન નિભાવવામાં પાકિસ્તાની સરકાર નિષ્ફળ જતાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે છેલ્લો ૧.૧૮ અબજ ડોલરનો હપ્તો ચૂકવવાનો ઇનકાર કરી દીધો હતો. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા આપવામાં આવેલું ભંડોળ વપરાઈ જતાં પાકિસ્તાને વધુ મદદ માટે ચીન અને સાઉદી અરેબિયા જેવા મિત્રો તરફ મદદનો હાથ લંબાવવો પડ્યો છે. ગયા વર્ષે સાઉદી અરેબિયા દ્વારા પાકિસ્તાનને મદદ કરવામાં આવી હતી. હવે તેણે બીજા ૩ અબજ ડોલરની મદદ માગી છે. ચીનને પાકિસ્તાનનું કાયમી મિત્ર માનવામાં આવે છે. પાકિસ્તાનના વડા પ્રધાને ચીનના વડા પ્રધાનને ફોન કરીને પણ મદદ માગી છે.
પાકિસ્તાનનાં લોકો મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ઘઉંનો આટો ૧૬૦ રૂપિયે કિલોના ભાવે મળે છે તો ચોખા ૧૪૫ રૂપિયાના ભાવે મળે છે. ટામેટાં ૧૨૨ રૂપિયે કિલો છે તો કાંદા ૨૧૫ રૂપિયાના ભાવે મળે છે. દેશી ઘી ૧૮૦૦થી ૨૫૦૦ રૂપિયાના ભાવે મળે છે તો તેલનો ભાવ ૪૮૦ રૂપિયા છે. ભારતમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાના ભાવે પહોંચી ગયું તેની આપણે બૂમાબૂમ કરીએ છીએ, પણ પાકિસ્તાનમાં પેટ્રોલ ૨૨૪ રૂપિયે લિટરના ભાવે પહોંચી ગયું છે. ડિઝલનો ભાવ ૨૩૫ રૂપિયા પર પહોંચી ગયો છે. ભારતમાં ૧૦ ગ્રામ સોનું ૫૬,૦૦૦ રૂપિયામાં મળે છે, પણ પાકિસ્તાનમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧.૮૧ લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. ભારતમાં ડોલરનો ભાવ ૮૨ રૂપિયા છે તો પાકિસ્તાનમાં એક ડોલરનો ભાવ ૨૨૮ રૂપિયા પર પહોંચી ગયો છે.
પાકિસ્તાન હાલમાં જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તેની અસર અહીં સ્થિત સ્થાનિક અને વિદેશી કંપનીઓ પર પડી રહી છે. મોટા ભાગની કંપનીઓ ખોટમાં ચાલી રહી છે. પાકિસ્તાની કંપનીઓની ખરાબ હાલતની અસર જિંદાલ અને ટાટા જેવી ભારતીય કંપનીઓ પર પણ જોવા મળી શકે છે. જિંદાલ ગ્રુપનો પાકિસ્તાનમાં સારો બિઝનેસ રહ્યો છે. સ્ટીલ ઉદ્યોગ ઉપરાંત આ જૂથ ઊર્જા ક્ષેત્રે પણ સક્રિય છે. હવે જો ત્યાંના તમામ વ્યવસાયો આ કટોકટીથી પ્રભાવિત થશે, તો આ કંપનીને પણ તે જ રીતે અસર થશે. આ સિવાય ટાટા ગ્રુપ ટેક્સટાઈલ મિલ્સ લિમિટેડનું પાકિસ્તાનના આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન છે. હવે જો ત્યાંના તમામ બિઝનેસ નાદાર થઈ જશે તો તેની અસર આ કંપની પર પણ જોવા મળી શકે છે. ભારતમાં ઘણી એવી કંપનીઓ છે, જેમાં પાકિસ્તાનીઓના પૈસા રોકાયા છે. ભારતમાં આવી ૫૭૭ કંપનીઓ છે જેમાં પાકિસ્તાનીઓએ તેમના પૈસા રોક્યા છે. તેમાંથી ૨૬૬ કંપનીઓ ભારતીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. જ્યારે ૩૧૮ કંપનીઓ નોન-લિસ્ટેડ છે, પરંતુ તેમાં પાકિસ્તાનનાં લોકોની પણ ભાગીદારી છે. આ ભારતીય કંપનીઓમાં પાકિસ્તાની લોકોની લગભગ ૪૦ કરોડ ડોલરની ભાગીદારી છે.
પાકિસ્તાનીઓએ બિરલા, ટાટા, ફાર્મા કંપની સિપ્લા, વિપ્રો, દાલમિયા સહિત ભારતની ઘણી અગ્રણી કંપનીઓમાં નાણાંનું રોકાણ કર્યું છે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા નબળી પડે તો તેની સીધી અસર આ કંપનીઓ પર પણ જોવા મળી શકે છે. આ સિવાય પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ભારતથી પાકિસ્તાન મોકલવામાં આવતા સામાન પર પણ અસર કરી રહી છે. દેવાથી ડૂબેલા પાકિસ્તાને વર્ષ ૨૦૨૧માં ભારતથી લગભગ ૫૦ કરોડ ડોલરની આયાત કરી હતી. આ દરમિયાન ભારતમાંથી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ, ઓર્ગેનિક કેમિકલ, ખાંડ, કોફી-ટી, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિકનો સામાન પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો.
જો આપણે વર્ષ ૨૦૨૧ના ડેટા પર નજર કરીએ તો, લગભગ ૮૦ લાખ ડોલરની કિંમતની કોફી-ટી, લગભગ ૧૯ કરોડ ડોલરની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ, ૧૪.૧ કરોડ ડોલરની કિંમતના ઓર્ગેનિક કેમિકલ્સ, ૧૧.૯ કરોડ ડોલરની કિંમતની ખાંડ અને અન્ય ઘણી વસ્તુઓ પાકિસ્તાન મોકલવામાં આવી હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાનની બગડતી સ્થિતિ આ સામાન સાથે જોડાયેલી ભારતીય કંપનીઓના કારોબારને અસર કરી શકે છે અને આ કંપનીઓને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. જો પાકિસ્તાન નબળું પડશે તો ચીન તેમાં ઘૂસણખોરી કરીને આપણા માટે પડકાર ઊભો કરશે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.