પંજાબ: પાકિસ્તાનની (Pakistan) પરિસ્થિતિ કંગાલ થઈ ગઈ છે. એક તરફ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ (PM Shabaz Sharif) ભારત (India) સાથે વાતચીત અને શાંતિ જાળવવા માટે આજીજી કરી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાન ભારત વિરુદ્ધ કાવતરાં ઘડી રહ્યું છે. હંમેશની જેમ પાકિસ્તાન પોતાના નાપાક ઈરાદાથી ભારતમાં ઘૂસણખોરીના નવા નવા રસ્તા અપનાવી રહ્યો છે. ત્યારે ભારતીય સેના દ્વારા ફરી એકવાર પંજાબના (Pujab) ગુરદાસપુરમાં પાકિસ્તાનના ડ્રોન (Drone) ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. BSFના જવાનોએ પંજાબના ગુરદાસપુરમાં ભારતીય સીમામાં ઘૂસેલા પાકિસ્તાની ડ્રોન પર ગોળીબાર કર્યો હતો અને તેને સીમા પાર મોકલી આપ્યો હતો. ત્યારે સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય જવાનોએ ડ્રોનથી મોકલેલા ઘણા હથિયારો પણ મળી આવ્યા હતા.
બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે 17/18 જાન્યુઆરીની મધ્યરાત્રિએ, પંજાબના ગુરદાસપુર જિલ્લાના ઉંચા ટકલા ગામની સીમમાં તૈનાત બીએસએફની ટીમે પાકિસ્તાનથી આવતા એક શંકાસ્પદ ડ્રોનનો અવાજ સાંભળ્યો. બીએસએફની ટીમે ઝડપી કાર્યવાહી કરતા શંકાસ્પદ ડ્રોનના અવાજની દિશામાં ગોળીબાર કર્યો હતો. ફાયરિંગ દરમિયાન જવાનોને નજીકના વિસ્તારમાં કંઈક પડવાનો અવાજ પણ સંભળાયો.
પંજાબના ગુરુદાસમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ પાકિસ્તાન તરફથી આવતા એક શંકાસ્પદ ડ્રોનનો પીછો કર્યો હતો. આટલું જ નહીં, જ્યારે BSF જવાનોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું તો તેમને એક પેકેટ મળ્યું હતું. સર્ચ દરમિયાન BSF જવાનોને ગુરદાસપુરના ઉંચા ટકલા ખાતેથી જે પેકેટ મળ્યા હતા તેની અંદરથી 4 પિસ્તોલ (મેડ ઇન ચાઇના), 8 મેગેઝીન અને 47 રાઉન્ડ મળી આવ્યા હતા, જેની તસવીર પણ સામે આવી છે. બીએસએફએ જણાવ્યું કે મોડી રાતથી સીમા સુરક્ષા દળ અને પોલીસના સહયોગથી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
ડ્રોન લાંબા સમય સુધી ભારતીય સરહદમાં ઘૂમતું જોવા મળ્યું હતું
મળતી માહિતી મુજબ, પેટ્રોલિંગ દરમિયાન ગુરદાસપુરના ઉંચા ટકલામાં મોડી રાત્રે પાકિસ્તાનથી આવતા ડ્રોનની ગતિવિધિ જોવા મળી હતી. આ પછી BSF જવાનોએ તેના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના કારણે ડ્રોન ફેન્સિંગ ઉપરથી પાકિસ્તાન તરફ ફરી ગયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રોન લાંબા સમય સુધી ભારતીય સરહદમાં ઘૂમતું જોવા મળ્યું હતું.
BSF જવાનો પાકિસ્તાનના દરેક ષડયંત્રનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનથી ડ્રોન દ્વારા સતત ભારતમાં ડ્રગ્સ અને હથિયારો મોકલવામાં આવે છે. નવા વર્ષથી ગુરદાસપુરમાં પાકિસ્તાની ડ્રોનની ગતિવિધિ 6 વખત જોવા મળી છે. BSFએ કહ્યું કે પાકિસ્તાન તરફથી દરેક નાપાક ષડયંત્રનો તૈયાર જવાનો તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે એલર્ટ બીએસએફના જવાનોએ ફરી એકવાર ડ્રોન દ્વારા ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી કરવાની દાણચોરોની નાપાક યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. જણાવી દઈએ કે નવા વર્ષથી અત્યાર સુધીમાં ગુરદાસપુરમાં પાકિસ્તાની ડ્રોનની ગતિવિધિ 6 વખત જોવા મળી છે.