Video

વિંગ કમાન્ડર અભિનંદનને પકડવાનો દાવો કરનાર પાકિસ્તાની સૈનિકનું TTPના હુમલામાં મોત

પાકિસ્તાનથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ વઝીરિસ્તાનના સરગોધામાં TTP (તહેરીક-એ-તાલિબાન-પાકિસ્તાન) દ્વારા કરવામાં આવેલા હુમલામાં મેજર મોઇઝ અબ્બાસ શાહ નામના અધિકારીનું મોત થયું છે. મેજર મોઇઝ અબ્બાસ શાહ એ જ અધિકારી છે જેમણે 2019 માં બાલાકોટ સ્ટ્રાઇક દરમિયાન ભારતીય વાયુસેનાના અધિકારી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડ્યા હતા.

પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર ટીટીપીના હુમલામાં મેજર મોઇઝ અબ્બાસ શાહ અને લાન્સ નાઈક જિબ્રાન માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાનો દાવો છે કે તેમણે એન્કાઉન્ટરમાં ટીટીપીના 11 સભ્યોને મારી નાંખ્યા છે. ડોન ન્યૂઝના અહેવાલ મુજબ પાકિસ્તાની સેનાની મીડિયા વિંગે જણાવ્યું હતું કે, મંગળવારે ખૈબર પખ્તુનખ્વાના દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહી દરમિયાન બે સૈનિકો માર્યા ગયા હતા.

ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સના એક નિવેદન અનુસાર, 24 જૂન 2025 ના રોજ સુરક્ષા દળોએ દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના સારાઓઘા વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં મેજર મોઇઝ અબ્બાસ શાહ અને લાન્સ નાઈક જિબ્રાન માર્યા ગયા હતા. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPR એ કહ્યું છે કે મેજર મોઇઝ પાકિસ્તાની આતંકવાદીઓ સામેના ઘણા ઓપરેશનમાં તેમના બહાદુર કાર્યો માટે જાણીતા હતા. જોકે, ISPR એ બાલાકોટ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો નથી.

બાલાકોટ હુમલા દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન સાથે શું ઘટના બની હતી?
ગઈ તા. 14 ફેબ્રુઆરી 2019ના રોજ જ્યારે જૈશ-એ-મોહમ્મદ (JeM) ના આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPF ના કાફલાને નિશાન બનાવ્યો ત્યારે દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. આ હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. આના જવાબમાં ભારતે 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં JeM આતંકવાદી છાવણી પર હવાઈ હુમલો કર્યો. આ હુમલાને ભારતમાં બાલાકોટ એરસ્ટ્રાઈક તરીકે ઓળખવામાં આવે છે. આ હુમલામાં જૈશના ઘણા મોટા આતંકવાદીઓ માર્યા ગયા હતા.

ત્યાર બાદ તા. 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન વાયુસેના (PAF) એ જવાબી કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો અને ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. વિંગ કમાન્ડર અભિનંદન તે સમયે શ્રીનગરના 51 સ્ક્વોડ્રનમાં તૈનાત હતા અને મિગ-21 બાઇસન ઉડાડી રહ્યા હતા. તેમણે PAF F-16 ફાઇટર પ્લેનને નિશાન બનાવ્યું. અભિનંદને આ પાકિસ્તાની F-16 ને પડકાર ફેંક્યો અને આકાશમાં તેનો પીછો કરવાનું શરૂ કર્યું. લાંબી લડાઈ પછી તેમણે F-16 ને તોડી પાડ્યું. પરંતુ આ ડોગફાઇટ દરમિયાન અભિનંદનનું મિગ-21 વિમાન પાકિસ્તાની મિસાઇલથી અથડાયું હતું. આખરે તેમને વિમાનમાંથી બહાર નીકળવું પડ્યું પરંતુ ત્યાં સુધીમાં તેઓ નિયંત્રણ રેખા (LoC) પાર કરીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ગયા હતા.

જ્યારે અભિનંદન પેરાશૂટની મદદથી પીઓકેમાં ઉતર્યા ત્યારે સ્થાનિક પાકિસ્તાનીઓએ તેમને ભારતીય પાયલોટ સમજીને તેમના પર હુમલો કર્યો. અભિનંદને સ્વ-બચાવમાં હવામાં ગોળીઓ ચલાવી અને બાદમાં પાકિસ્તાની સેના દ્વારા તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા.

એવો દાવો કરવામાં આવે છે કે પાકિસ્તાની સેનાના અધિકારી મોઇઝ અબ્બાસ શાહે આંતરરાષ્ટ્રીય યુદ્ધ નિયમોનું ઉલ્લંઘન કરીને અભિનંદનને પકડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ પાકિસ્તાને દાવો કર્યો હતો કે મેજર મોઇઝે વિંગ કમાન્ડર અભિનંદનને પકડી લીધો હતો. આ જ પાકિસ્તાની સૈન્ય અધિકારી હવે ટીટીપીના હુમલામાં માર્યા ગયા છે.

Most Popular

To Top