World

તણાવ વચ્ચે પાકિસ્તાને બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું, 450 કિ.મી. દૂર ટાર્ગેટ કરી શકે

ભારત સાથે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને શનિવારે દાવો કર્યો હતો કે તેણે 450 કિલોમીટરની રેન્જ ધરાવતી સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ બેલેસ્ટિક મિસાઇલનું નામ અબ્દાલી છે, જેનું પરીક્ષણ પાકિસ્તાન દ્વારા સોનમિયાની રેન્જમાં કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ કદાચ આર્મી સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (ASFC) હેઠળ હાથ ધરવામાં આવેલા ઓપરેશનલ યુઝર ટ્રાયલનો એક ભાગ હતો, જે પાકિસ્તાનના પરમાણુ-સક્ષમ મિસાઇલ દળોને સંભાળે છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર અબ્દાલી વેપન સિસ્ટમ તરીકે ઓળખાતી આ મિસાઈલનું પરીક્ષણ લશ્કરી કવાયત ‘એક્સરસાઇઝ સિંધુ’ હેઠળ કરવામાં આવ્યું છે.

આ પરીક્ષણ દરમિયાન પાકિસ્તાન આર્મીના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડના કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ મુહમ્મદ શાહબાઝ ખાન અને સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનના ડીજી મેજર જનરલ શહરયાર પરવેઝ બટ્ટ પણ હાજર હતા. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની રાજદ્વારી કાર્યવાહી બાદ પાકિસ્તાન સતત NOTAM (એરમેનને નોટિસ) જારી કરી રહ્યું છે અને આ ક્ષેત્રમાં મિસાઇલોનું પરીક્ષણ કરવાની ધમકી આપી રહ્યું છે.

પાકિસ્તાન સશસ્ત્ર દળોની મીડિયા અને જનસંપર્ક શાખા ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મિસાઇલ પરીક્ષણનો ઉદ્દેશ્ય સેનાની લડાઇ તૈયારી સુનિશ્ચિત કરવાનો અને મિસાઇલની આધુનિક નેવિગેશન સિસ્ટમ સહિત મુખ્ય તકનીકી પરિમાણોની તપાસ કરવાનો હતો.

ગ્લોબલ ફાયરપાવર રેન્કિંગ અનુસાર લશ્કરી શક્તિ અને શસ્ત્ર પ્રણાલીની દ્રષ્ટિએ ભારત વિશ્વના 145 દેશોમાં ચોથા ક્રમે છે, જ્યારે પાકિસ્તાન 12માં ક્રમે છે. દરમિયાન મિલિટરી વોચ મેગેઝિન અનુસાર ભારતને ટિયર 2 લશ્કરી શક્તિ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે પાકિસ્તાનને ટિયર 3 લશ્કરી શક્તિ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) ના એક અહેવાલ મુજબ 2024 માં ભારતનો લશ્કરી ખર્ચ પાકિસ્તાન કરતા લગભગ 9 ગણો વધુ હતો. અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વનો પાંચમો સૌથી મોટો લશ્કરી ખર્ચ કરનાર ભારતે તેના સંરક્ષણ બજેટમાં 1.6% વધારો કરીને $86.1 બિલિયન સુધી પહોંચ્યું છે, જ્યારે પાકિસ્તાનનો લશ્કરી ખર્ચ સમાન સમયગાળા દરમિયાન $10.2 બિલિયન રહ્યો છે.

Most Popular

To Top