સિડની: અત્યંત રોમાંચક મેચમાં વરસાદના વિધ્ન અને પાકિસ્તાની ખેલાડીઓના જોરદાર પ્રદર્શનને પગલે દક્ષિણ આફ્રિકા મેચ હારી ગયું છે. વરસાદના લીધે ડક્વર્થ લુઈસના નિયમ મુજબ દક્ષિણ આફ્રિકાને 14 ઓવરમાં 142 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ સાઉથ આફ્રિકા 108 રન જ બનાવી શકી હતી અને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ગ્રુપ બીમાં પણ સેમિફાઈનની રેસ રોમાંચક બની ગઈ છે. પાકિસ્તાને સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.
પાકિસ્તાનના 4 મેચમાં 4 પોઈન્ટ છે. હવે જો પાકિસ્તાન તેની બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચ જીતી જાય તો તેના 6 પોઈન્ટ થશે, જે સાઉથ આફ્રિકા અને ભારતને મુશ્કેલીમાં મુકી શકે છે. હાલમાં ભારત ગ્રુપ 2માં 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. જ્યારે 5 પોઈન્ટ સાથે સાઉથ આફ્રિકા બીજા સ્થાન પર છે. સાઉથ આફ્રિકાને હવે નેધરલેન્ડ સામે એક મેચ રમવાની છે.
T20 વર્લ્ડ કપ 2022ની (T20WorldCup2022) 36મી મેચમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની (PakistanvsSouthAfrica) ટીમો આમને-સામને રમ્યા. આ મેચ સિડનીમાં (Sydney) રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને 20 ઓવરમાં નવ વિકેટે 185 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાને મેચ જીતવા માટે 186 રનનો ટાર્ગેટ સોંપાયો હતો.. દરમિયાન પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ વરસાદના કારણે રોકવી પડી હતી. દક્ષિણ આફ્રિકાએ 9 ઓવરમાં 4 વિકેટે 69 રન બનાવ્યા હતા. ડકવર્થ લુઈસ નિયમના આધારે તે હજુ પણ 15 રન પાછળ હતું. જો મેચ અહીં જ અટકે તો આફ્રિકન ટીમ મેચ હારી જાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી.
જોકે થોડા સમય બાદ વરસાદ અટકતા મેચ ફરી શરૂ થવાના સંજોગો સર્જાયા હતા. વરસાદના (Rain) લીધે ઓવર અને ટાર્ગેટ અપડેટ કરાયા હતા. સાઉથ આફ્રિકાને જીતવા માટે 14 ઓવરમાં 142 રનનો ટાર્ગેટ સોંપાયો હતો. વરસાદ પડ્યો તે પહેલાં સાઉથ આફ્રિકાએ 9 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 69 રન બનાવ્યા હતા, એટલે બ્રેક બાદ સાઉથ આફ્રિકાને 30 બોલમાં 73 રન બનાવવાનો લક્ષ્યાંક મળ્યો હતો.
પાકિસ્તાનની ચુસ્ત બોલિંગ અને ફિલ્ડિંગના લીધે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને રન બનાવવાના ફાંફાં પડ્યા હતા. કલાસેન પણ 15 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ બીજી જ ઓવરમાં પાર્નેલ પણ 3 રનના અંગત સ્કોર પર એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. સ્ટબ્સના આઉટ થયા બાદ તો સાઉથ આફ્રિકાની જીતની આશા જતી રહી હતી. છેલ્લે એક ઓવરમાં 41 રનનો અશક્ય ટાર્ગેટ સાઉથ આફ્રિકા સામે આવ્યો હતો. છેલ્લી ઓવરમાં દક્ષિણ આફ્રિકાએ 2 વિકેટ ગુમાવી હતી. મેચના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર 108/9 રહ્યો હતો. સાઉથ આફ્રિકા 33 રનથી હાર્યું હતું.
દક્ષિણ આફ્રિકાની ઇનિંગ
- પ્રથમ વિકેટ- ક્વિન્ટન ડી કોક (0), 4/1 0.6 ઓવર
- બીજી વિકેટ- રિલે રોસો (7), 16/2 2.4 ઓવર
- ત્રીજી વિકેટ- ટેમ્બા બાવુમા (36), 65/3, 7.1 ઓવર
- ચોથી વિકેટ- એડન માર્કરામ ( 20), 66/4 7.3 ઓવર
- પાંચમી વિકેટ – હેનરિક કલાસેન (15), 94/5 10.5 ઓવર
- છઠ્ઠી વિકેટ – વેન પાર્નેલ (3), 99/6 11.5 ઓવર
- સાતમી વિકેટ – સ્ટબ્સ (18), 101/7 12.3 ઓવર
- આઠમી વિકેટ – રબાડા (1), 103/8, 13.2 ઓવર
- નવમી વિકેટ : ઓર્નિક નોર્કિયા (1), 103/9, 13.4 ઓવર
પાકિસ્તાનના શાદાબ ખાન અને ઇફ્તિખારની તોફાની બેટિંગ જોવા મળી
આ મેચમાં પાકિસ્તાન માટે શાદાબ ખાન અને ઈફ્તિખાર અહેમદે શાનદાર પ્રદર્શન કર્યું હતું. શાદાબે માત્ર 22 બોલમાં 52 રન બનાવ્યા જેમાં 3 ફોર અને 4 સિક્સ સામેલ હતી. જ્યારે ઈફ્તિખારે 35 બોલમાં 51 રન બનાવ્યા, આ ઈનિંગમાં 3 ફોર અને 2 સિક્સ સામેલ છે. બંને ખેલાડીઓ વચ્ચે 36 બોલમાં 82 રનની શાનદાર ભાગીદારી થઈ, જેણે પાકિસ્તાનને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું.
પાકિસ્તાને 185 રન બનાવ્યા
પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં નવ વિકેટે 185 રન બનાવ્યા છે. તેણે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 186 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ તરફથી શાદાબ ખાને સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. ઈફ્તિખાર અહેમદે 51, મોહમ્મદ હરિસ અને મોહમ્મદ નવાઝે 28 રન બનાવ્યા હતા. કેપ્ટન બાબર આઝમ છ, મોહમ્મદ રિઝવાન ચાર, શાન મસૂદ બે અને હરિસ રઉફ ત્રણ રન બનાવીને આઉટ થયા હતા. નસીમ શાહ પાંચ રન બનાવી અણનમ રહ્યો હતો. મોહમ્મદ વસીમ જુનિયર ખાતું ખોલાવી શક્યો ન હતો. દક્ષિણ આફ્રિકા તરફથી એનરિક નોર્ટજેએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. વેઈન પાર્નેલ, કાગીસો રબાડા, લુંગી એન્ગીડી અને તબરેઝ શમ્સીને એક-એક સફળતા મળી હતી.