નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) કરાચીમાં શુક્રવારે મોટો આતંકી હુમલો (Attack) થયો છે. પાકિસ્તાની રેન્જર્સે કરાચી પોલીસ હેડક્વાર્ટર (KPO)માં ઘૂસેલા તમામ આતંકવાદીઓને ઠાર માર્યા છે. ત્રણ આતંકીઓને મારવા ઉપરાંત એક પોલીસકર્મી (Police) સહિત ત્રણ લોકોના પણ મોત (Death) થયા છે જ્યારે 11 લોકો ઘાયલ (Injured) થયા છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને હુમલાની જવાબદારી લીધી છે. આ ગોળીબાર લગભગ 4 કલાક ચાલ્યો હતો.
આ હુમલો શુક્રવારે સાંજે લગભગ 7.10 વાગ્યે શાહરાહ-એ-ફૈઝલ વિસ્તારમાં થયો હતો. જાણકારી મળી આવી છે કે આ આતંકવાદીઓ હેન્ડ ગ્રેનેડ અને ઓટોમેટિક ગન સાથે કરાચી પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસ્યા હતા. પાકિસ્તાન રેન્જર્સ અને પોલીસ દળોએ AIG ઓફિસ નજીકના વિસ્તારને ઘેરી લીધો છે. સિંધ પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સને કેપીઓ નજીક મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે.
સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે ઘટના સ્થળે પોલીસ જવાનોને મોકલવાનો નિર્દેશ આપ્યો
સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે સંબંધિત ડીઆઈજીને તેમના વિસ્તારોમાંથી પોલીસ જવાનોને મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. મુરાદ અલી શાહે કહ્યું, “હું ઈચ્છું છું કે એડિશનલ આઈજીની ઓફિસ પર હુમલાના ગુનેગારોની ધરપકડ કરવામાં આવે. પોલીસ વડાની ઓફિસ પર હુમલો કોઈપણ કિંમતે સ્વીકાર્ય નથી.” મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારી પાસેથી રિપોર્ટ પણ માંગ્યો છે અને કહ્યું કે તેઓ વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જણાવી દઈએ કે કરાચી પોલીસ હેડક્વાર્ટર કરાચીના મુખ્ય રોડ પર છે, જે સીધો એરપોર્ટ તરફ જાય છે. સુરક્ષા દળોની સૂચના પર કરાચીમાં ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના પ્રવક્તાએ કરાચી પોલીસ હેડક્વાર્ટર પર હુમલાની જવાબદારી લીધી છે.
પાકિસ્તાનમાં નવેમ્બરથી આતંકી હુમલાની ઘટનાઓ વધી
જણાવી દઈએ કે પાકિસ્તાનમાં નવેમ્બરથી આતંકી હુમલાની ઘટનાઓ વધી છે. નવેમ્બરમાં પાકિસ્તાની તાલિબાને પાકિસ્તાન સરકાર સાથે કેટલાક મહિનાઓથી યુદ્ધવિરામ સમાપ્ત કર્યો હતો. ગયા મહિને એક તાલિબાન આત્મઘાતી બોમ્બરે પેશાવરની એક મસ્જિદની અંદર પોતાને જાતને ઉડાવી દીધો હતો. આ હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં પોલીસકર્મીઓની સંખ્યા સૌથી વધુ હતી.