નવી દિલ્હીઃ ICC ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની હતી પરંતુ વેન્યુ અને શિડ્યુલ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ભારત સરકારે સુરક્ષાના કારણોસર ભારતીય ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી, જેના પગલે આ ટુર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ કરાવી શકાય છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 29 નવેમ્બરે કાર્યકારી બોર્ડની ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
પાકિસ્તાને મુકી શરત
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઈબ્રિડ મોડલ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા મામલે વાંધો નોંધાવ્યો હતો. જોકે, પીસીબીનું વલણ થોડું નરમ થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ હેઠળ રમવા માટે તૈયાર છે પરંતુ તેના માટે પીસીબીએ પાકિસ્તાન સામે બે શરત મુકી છે.
પીસીબી ઈચ્છે છે કે લાહોરને ફાઈનલ મેચ માટે બેકઅપ તરીકે રાખવામાં આવે. જો ભારત ફાઈનલમાં નહીં પહોંચે તો ફાઈનલ મેચ લાહોરમાં રમાડવામાં આવે. પીસીબીની બીજી શરત એ છે કે જ્યારે ભારતમાં આઈસીસી ટુર્નામેન્ટ શિડ્યુલ કરાઈ હોય ત્યારે તે ટુર્નામેન્ટ પણ હાઈબ્રિડ મોડલ હેઠળ રમાડવામાં આવે. પાકિસ્તાન પોતાની મેચો ભારતમાં નહીં રમે.
આઈસીસીએ પાકિસ્તાનને અલ્ટીમેટમ આપ્યું
ICCએ 29 નવેમ્બરે યોજાયેલી બેઠક દરમિયાન PCBને અંતિમ અલ્ટીમેટમ આપ્યું હતું. આ બેઠક દરમિયાન ICCએ PCBને સ્પષ્ટ કહ્યું કે તે કાં તો ‘હાઈબ્રિડ મોડલ’ અપનાવે અથવા તો આ સ્પર્ધામાંથી ખસી જવા માટે તૈયાર રહે. હવે ICC પીસીબીના અંતિમ જવાબની રાહ જોઈ રહ્યું છે. હવે ICCની બેઠક ત્યારે જ બોલાવવામાં આવશે જ્યારે પાકિસ્તાન તેના જવાબ માટે તૈયાર હશે.
..તો ભારતની મેચો યુએઈમાં રમાશે
જો પાકિસ્તાન ‘હાઈબ્રિડ મોડલ’ સ્વીકારશે તો ભારત સામેની મેચ યુએઈમાં યોજાશે. જ્યારે બાકીની મેચો પાકિસ્તાનમાં યોજાશે અને પાકિસ્તાન પાસે હોસ્ટિંગનો અધિકાર રહેશે. જો ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવે તો PCBને $60 લાખ (રૂ. 50.73 કરોડ)ની હોસ્ટિંગ ફી ગુમાવવી પડશે.
આનાથી PCBની વાર્ષિક આવકમાં પણ મોટો ઘટાડો થઈ શકે છે જે લગભગ 350 લાખ ડોલર (આશરે રૂ. 296 કરોડ) છે. જો ‘હાઈબ્રિડ મોડલ’ અપનાવવામાં નહીં આવે તો ICCને પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કારણ કે સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર પણ ICC સાથે તેના અબજ-ડોલરના કરાર પર ફરીથી વાટાઘાટો કરી શકે છે.
ટુર્નામેન્ટ ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે
આ સ્પર્ધા 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાય તેવી શક્યતા છે. 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ક્રિકેટ રમી નથી. ચેમ્પિયન્સ ટ્રોફી 2017 પછી પ્રથમ વખત ICC કેલેન્ડરમાં પરત ફરી રહી છે. પાકિસ્તાને 2017માં ઈંગ્લેન્ડમાં આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી આવૃત્તિ જીતી હતી. ધ્યાનમાં રાખો કે પાકિસ્તાનમાં આયોજિત એશિયા કપ 2023માં ભારતે તેની તમામ મેચો ‘હાઈબ્રિડ મોડલ’ હેઠળ શ્રીલંકામાં રમી હતી.