World

સર્જિકલ સ્ટ્રાઈક બાદ પહેલીવાર પાકિસ્તાનના કોઈ મંત્રી ભારત આવશે, બિલાવલ ભુટ્ટો SCOમાં ભાગ લેશે

ઈસ્લામાબાદ: (Islamabaad) કાશ્મીરના રટણ વચ્ચે આખરે પાકિસ્તાનના (Pakistan) વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતની મુલાકાતની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto) ઝરદારી આવતા મહિને ગોવામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. છેલ્લા એક દાયકામાં પાકિસ્તાનના વિદેશ મંત્રીની આ પ્રથમ મુલાકાત છે.

સર્જિકલ સ્ટ્રાઈક બાદ પહેલીવાર કોઈ પાકિસ્તાની નેતા ભારત આવી રહ્યા છે.પાકિસ્તાને ગુરુવારે જાહેરાત કરી હતી કે વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી આવતા મહિને ભારતમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝેહરા બલોચે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. બિલાવલ ભુટ્ટો ઝરદારી ભારતના ગોવામાં 4-5 મે 2023ના રોજ યોજાનારી SCO કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સ (CFM) ની બેઠકમાં પાકિસ્તાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. બલોચની જાહેરાત બાદ ભુટ્ટો ગોવા ખાતેની કોન્ફરન્સમાં રૂબરૂ હાજરી આપશે કે કેમ તે અંગેની અઠવાડિયાની અટકળોનો અંત આવ્યો છે.

જણાવી દઈએ કે અગાઉ પાકિસ્તાન અને બિલાવલ ભુટ્ટોએ કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ આખરે બંનેને ઝુકવું પડ્યું હતું. ફેબ્રુઆરી 2019માં પુલવામા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસ્યા હતા જ્યારે ભારતીય લડાકુ વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી તાલીમ કેમ્પને નષ્ટ કરી દીધો હતો. ઓગસ્ટ 2019 માં ભારતે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યો હતો. ત્યારબાદથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ આવી હતી.

Most Popular

To Top