પાકિસ્તાનમાં (Pakistan) હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરાયેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન (Imran Khan) પર હાઈકોર્ટમાં (High Court) સુનાવણી થઈ ગઈ છે. કોર્ટે ઇમરાન ખાન પર કરવામાં આવેલા બધા જ કેસમાં 17 મે સુધીના જામીન આપ્યા છે.
બીજી તરફ પંજાબ પોલીસ અન્ય એક કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવા ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર પહોંચી ગઈ હતી. જોકે ઈમરાન ખાનને હાઈકોર્ટમાંથી જામીન મળી જતા રાહત મળી હતી. હાલ 17 મે સુધી કોઈપણ કેસમાં પોલીસ ઇમરાન ખાનની ધરપકડ કરી શકશે નહીં. આ તરફ પાકિસ્તાન સરકારે તાત્કાલિક કેબિનેટની મિટીંગ બોલાવી છે. જાણવા મળ્યું છે કે સરકાર દેશમાં ઇમરજન્સી લાગૂ કરવાના મૂડમાં છે.
જણાવી દઈએ કે ઇમરાનને હવે જો ફરીથી ધરપકડ કરાય તો પાકિસ્તાનમાં ફરી હિંસા અને આગચંપીના કારણે સ્થિતિ બેકાબૂ બનવાની શક્યતા વધી ગઈ છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં બે સપ્તાહ માટે જામીન મળ્યા હતા. શુક્રવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેમને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા. આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના કહેવા પર ધરપકડ કરાયેલા ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી.
આ તરફ ઈમરાન ખાન પર હાઈકોર્ટમાં સુનાવણી શુક્રવારની નમાજ માટે 2.30 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. દરમ્યાન ઈમરાન ખાને કોર્ટમાં કહ્યું કે તેમના જીવને ખતરો છે. તેમની સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. અહીં અન્ય એક કેસમાં પંજાબ પોલીસ ઈમરાનની ધરપકડ કરવા ઈસ્લામાબાદ હાઈકોર્ટ પહોંચી હતી.
પહેલીવાર ઈમરાન ખાન અને તેમના સમર્થકોએ પાકિસ્તાન સેનાને મોટી લડત આપી છે. ઈમરાનના સમર્થકોએ સેનાના અનેક ઠેકાણા સળગાવી દીધા હતા. રાવલપિંડીમાં પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. હવે ઘણા નિષ્ણાતો ઇમરાન ખાનની તુલના બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાન સાથે કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ લડાઈ બાદ ઈમરાન ખાન 1000 ગણા મજબૂત બનશે. ઈમરાન ખાન માટે આ શેખ મુજીબુર રહેમાનની ક્ષણ છે. જે રીતે પીટીઆઈના સભ્યો ચારે તરફ વિરોધ કરી રહ્યા છે તે જોઈ પાકિસ્તાન આર્મીનો આત્મવિશ્વાસ ઘટી ગયો છે. મળતી માહિતી મુજબ ઈમરાન ખાને પોતે કહ્યું છે કે તેઓ શેખ મુજીબુર રહેમાનના માર્ગ પર ચાલી રહ્યા છે.