પાકિસ્તાનના (Pakistan) પૂર્વ પીએમ ઈમરાન ખાન (Imran Khan) અને તેમની પત્ની બુશરા બીબીની મુશ્કેલીઓ વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની કોર્ટે 190 મિલિયન પાઉન્ડના ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને દોષિત ઠેરવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન હાલમાં અન્ય કેસમાં જેલમાં છે. તેઓ ભ્રષ્ટાચારના 2 કેસમાં દોષિત ઠર્યા છે. આ કારણે તેમને 10 વર્ષ માટે રાજકારણમાં ભાગ લેવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.
ઈમરાન અને તેમની પત્નીને પહેલા પણ સજા થઈ ચૂકી છે
આ પહેલા કોર્ટે ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા સંભળાવી હતી. બંનેને નિકાહ દરમિયાન ઇસ્લામિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે આ નિર્ણય બુશરા બીબીના પહેલા પતિ ખાવર માણેકાની અરજી પર આપ્યો હતો.
બુશરાના પહેલા પતિએ ગંભીર આરોપ લગાવ્યા હતા
માણેકાએ આરોપ લગાવ્યો હતો કે ઇમરાન અને બુશરાએ ઇસ્લામિક નિયમો મુજબ બે લગ્નો વચ્ચેની ફરજિયાત શરત – ઇદ્દત (બીજા લગ્ન પહેલા અમુક સમયગાળાનું અંતર)નું પાલન કર્યું નથી. માણેકાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે બુશરા અને ઈમરાન વચ્ચે લગ્ન પહેલા વ્યભિચારી સંબંધો હતા. આ કેસમાં ઈમરાન અને તેમની પત્ની પર 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.