Sports

પાકિસ્તાન ભારતમાં રમવા આવશે, તમે લખી રાખો: આકાશ ચોપરાનું મોટું નિવેદન

નવી દિલ્હી: આવતા વર્ષે એટલે કે 2023માં એશિયા કપ (Asia Cup 2023) પાકિસ્તાન (Pakistan) દ્વારા યોજવામાં આવનાર છે. ભારત (India) એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કહ્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે નહીં જાય. જય શાહના નિવેદનથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે.

આ નિવેદનથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નારાજ થઈ ગયું છે અને કહ્યું છે કે જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં આવે તો તેઓ પાકિસ્તાની ટીમને વર્લ્ડ કપ માટે ભારતના પ્રવાસે નહીં મોકલે. પીસીબીએ કહ્યું કે જો એશિયા કપ તટસ્થ સ્થળે યોજાશે તો તે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)માંથી પણ ખસી જશે. તમને જણાવી દઈએ કે 2023માં ભારતમાં વન ડે વર્લ્ડકપ રમાવાનો છે.

આ વિવાદોની વચ્ચે કોમેન્ટેટર આકાશ ચોપરાના નિવેદન ભડકો કર્યો છે. ભારતીય ટીમના પૂર્વ ખેલાડી આકાશ ચોપરાએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. આકાશે કહ્યું કે હું લેખિતમાં આપી શકું છું કે પાકિસ્તાનની ટીમે વર્લ્ડ કપ રમવા માટે ભારત આવવું પડશે અને એશિયા કપ પણ તટસ્થ સ્થળે યોજાશે. આકાશ ચોપરાનું માનવું છે કે પાકિસ્તાનને ICC અને ACC તરફથી મોટી રકમ મળે છે. તે વર્લ્ડ કપમાંથી ખસી નહીં શકે.

પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ રમવા ભારત આવશે
આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘ભારત ACC પાસેથી એક પણ રૂપિયો લેતું નથી. તમામ ટીમોને ACC તરફથી ફંડ મળે છે, ભારત તે લેતું નથી. ભારત અત્યાર સુધી એશિયન ક્રિકેટમાં મોટા ભાઈની ભૂમિકા નિભાવી રહ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે અમે પાકિસ્તાન નહીં જઈએ, તેથી હું લેખિતમાં આપી શકું છું કે ભારત પાકિસ્તાન પ્રવાસ પર નહીં જાય. એશિયા કપ પણ તટસ્થ સ્થળ પર યોજાશે, તમે મારી પાસેથી લેખિતમાં પણ લઈ શકો છો. પાકિસ્તાન પણ ODI વર્લ્ડ કપ (ભારત પ્રવાસ પર) રમવા આવશે, તે પણ લેખિતમાં લઈ શકાય છે.

…તો તમારે ICC પાસેથી મળેલી મોટી રકમ ભૂલી જવી પડશે
ચોપરાએ કહ્યું, જો ભારત નહીં હોય તો એશિયા કપ નહીં થઈ શકે. તેનું આયોજન જ રદ કરવું પડે. એશિયા કપ વર્લ્ડ કપ કરતા ઘણો નાનો છે. જો તમે વર્લ્ડ કપ છોડો છો, તો તમારે ICC તરફથી મળેલી મોટી રકમ ભૂલી જવી પડશે. હું આ બાબતોને ગંભીરતાથી લેતો નથી. જો 2023 એશિયા કપ યોજાશે, તો તે તટસ્થ સ્થળ પર હશે, ચાલો તે માની લઈએ. આવતા વર્ષે વન ડે વર્લ્ડ કપ ભારતમાં જ યોજાશે અને બધા દેશો રમવા આવશે, એ પણ માની લઈએ.

આ અઠવાડિયે ભારત-પાકિસ્તાન મેચ રમાશે
તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012થી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. બંને ટીમો માત્ર એશિયા કપ અને આઈસીસી ટૂર્નામેન્ટમાં જ સામસામે આવી છે. હવે T20 વર્લ્ડ કપ અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી મેચ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં રમાશે.

Most Popular

To Top