Gujarat

પાકિસ્તાનમાં ચક્રવાતી હવાનું દબાણ સર્જાતા વધુ એક માવઠાંની આગાહી

ગાંધીનગર : પંજાબ (Punjab) તથા તેને અડીને આવેલા પાકિસ્તાનમાં (Pakistan) આવેલા વિસ્તાર ઉપર એક ચક્રવાતી હવાનું દબાણ સર્જાયેલુ છે. એક ટફ રેખા પંજાબથી બંગાળ સુધી જાય છે. ઝારખંડની ઉપર પણ ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ બનેલી છે. વિદર્ભથી કર્ણાટક સુધી એક ટફ રેખા બનેલી છે. દેશના વિવિધ ભાગોમાં વરસાદ થયો છે. ગુજરાતમાં પણ આજે દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. આમ સાઉથ – વેસ્ટ ચોમાસા માટે સાનુકૂળ વાતાવરણ બની રહ્યું છે. જો કે હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજયમાં આગામી 74 કલાક દરમ્યાન ચક્રવાતી હવાનું દબાણ સિસ્ટમ બનેલી છે. એટલે કે આગામી તા.28મી મે સુધી રાજયમાં પ્રતિ ક્લાકના 30 થી 40 કિમીની તેજ ઝડપે વાવાઝોડુ ફૂંકાવવાની સંભાવના છે. રાજયમાં આગામી 3 દિવસ દરમ્યાન ગરમીના પ્રમાણમાં 3 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે. આજે 43 ડિગ્રી ગરમીમાં શહેરીજનો શેકાયા હતાં.

  • ત્રણ દિવસ સુધી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
  • ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી પર પહોંચી ગયું

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, રાજયમાં આગામી તા.28 તથા 29મી મે દરમ્યાન રાજયમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, મહીસાગર, વડોદરા, ભરૂચ, આણંદ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને ભાવનગરમાં માવઠુ થશે.

અમદાવાદ એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે આજે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 43 ડિ.સે., અમદાવાદ એરપોર્ટમાં 43.8 ડિ.સે., ડીસામાં 40 ડિ.સે., પાટણમાં 40.7 ડિ.સે., ગાંધીનગરમાં 43 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિ.સે., વડોદરામાં 41 ડિ.સે., સુરતમાં 35 ડિ.સે., વલસાડમાં 35 ડિ.સે., ભૂજમાં 39 ડિ.સે., નલિયામાં 36 ડિ.સે., કંડલા એરપોર્ટ 40 ડિ.સે., અમરેલીમાં 41 ડિ.સે, ભાવનગરમાં 39 ડિ.સે., રાજકોટમાં 42 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 42 ડિ,સે., અને કેશોદમાં 37 ડિ.સે. જેટલું મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top