ઈસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan)નો ટેસ્ટ ક્રિકેટર યાસિર શાહ ( Yasir Shah) મોટી મુશ્કેલીમાં ફસાયો છે. યાસિર શાહ વિરૂદ્ધ અહીંના શાલીમાર પોલીસ સ્ટેશનમાં એક સગીરાના બળાત્કાર (Rape) સંબંધે ફરિયાદ (Complaint) દાખલ કરવામાં આવી છે. 35 વર્ષિય યાસિર અને તેના મિત્ર પર 14 વર્ષની સગીરાનો બળાત્કાર કરીને તેને ધમકી આપવા મામલે ઇસ્લામાબાદના શાલીમાર પોલીસ મથકમાં FIR નોંધવામાં આવી છે.
પાકિસ્તાનના એક અહેવાલ અનુસાર યાસિર અને તેના મિત્ર ફરહાને (Farhan) બંદુકના નાળચે સગીરા પર બળાત્કાર કર્યો હતો અને તેનો વીડિયો (Video) બનાવીને તેને ચૂપ રહેવાની ધમકી આપી હતી. પીડિતાએ કહ્યું કે યાસિરે ધમકી આપી હતી કે જો તે કોઈ ફરિયાદ નોંધાવશે કે ઉચ્ચ અધિકારી પાસે જશે તો તેને ગંભીર પરિણામ ભોગવવું પડશે. પિડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે જ્યારે યાસિરને વોટ્સઅપ પર આ મામલે જાણ કરી તો તેણે મજાક ઉડાવીને કહ્યું હતું કે તેને નાની વયની છોકરીઓ પસંદ છે. શાહે પોતાના મિત્ર ફરહાન સાથે લગ્ન કરી લેવા માટે પણ સગીરાને દબાણ કર્યુ હતું. પોલીસ ફરિયાદ થતાં યાસિરે સગીરાને એક ફ્લેટ ખરીદી આપીને 18 વર્ષ સુધી તેનો ખર્ચો ઉઠાવવાની ઓફર કરી હોવાનું પણ સગીરાએ જણાવ્યું હતું.
એક અહેવાલ અનુસાર યાસિર શાહે કહ્યું કે તે ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે અને તે ઉચ્ચ અધિકારીઓને જાણે છે. યાસિર શાહ અને તેનો મિત્ર વીડિયો બનાવે છે અને નાની વયની છોકરીઓ સાથે બળાત્કાર કરે છે. નોંધનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બાર્ડ (PCB)એ કહ્યું કે હાલ આ કેસની તપાસ ચાલુ છે અને માહિતી મેળવી રહ્યું છે, સંપૂર્ણ હકીકતો જાહેર થયા પછી જ કોઈપણ ટિપ્પણી કરશે. ઉલ્લેખનીય છે કે યાસીર શાહ પાકિસ્તાનમાં લોકપ્રિય ક્રિકેટર છે. શાહે પાકિસ્તાન માટે 46 ટેસ્ટ મેચ રમી છે, અને જેમાં તેણે 235 વિકેટ લીધી છે, જેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 8-41 છે.