ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના માત્ર એક પગલાને કારણે વિશ્વની સૌથી મોટી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો વિરોધ કરનાર પાકિસ્તાનની સાન ઠેકાણે આવી ગઇ હશે. હકીકતમાં, ICC એ FTP એટલે કે ફ્યુચર ટ્રાવેલ પ્લાન હેઠળ આગામી 5 વર્ષ માટેનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ FTP અનુસાર પાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન સિવાય, વ્યસ્ત ડોમેસ્ટિક સિઝનના કારણે, 2025માં પાકિસ્તાન સુપર લીગ (PSL) અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની તારીખોમાં ટક્કર થવાની સંભાવના છે.
IPLની અઢી મહિનાની વિન્ડો માર્ચથી જૂનની શરૂઆત સુધી ચાલશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને જોકે, તેની T-20 લીગની 10મી સિઝનને જાન્યુઆરી-ફેબ્રુઆરીના નિયમિત શેડ્યૂલ પછી માર્ચ અને મે વચ્ચે આયોજીત કરવાની ફરજ પડી છે, કારણ કે દેશમાં ફેબ્રુઆરી 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની થવાની છે. તેની સાથે જ એવું કદાચ પ્રથમવાર બનશે કે જ્યારે આકર્ષક IPL દરમિયાન અન્ય દેશમાં પણ T-20 લીગ યોજાશે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના આકાઓને એ વાત તો સમજાઇ જ ગઇ છે કે જો IPL દરમિયાન તેઓ પાકિસ્તાન સુપર લીગ (PSL)નું આયોજન કરશે તો તેના કારણે તેમને માત્ર આર્થિક નુકસાન જ નહીં થાય પણ તેના કારણે વિશ્વ ક્રિકેટમાં તેમનું નાક પણ કપાઇ શકે છે, કારણકે વિશ્વ ક્રિકેટના કેટલાક એવા મોટા નામ કે જે IPL અને PSL બંનેમાં રમે છે તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગને છોડીને પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લેવા નહીં જ આવે અને તેના કારણે તેમને ખાસ્સી બળતરા થઇ રહી છે.
IPLની લોકપ્રિયતાને ધ્યાને લેતા પાકિસ્તાનની લીગ સાથે મોટા ખેલાડી કદાચ જ જોડાશે
એ વાતમાં તો કોઈ શંકા જ નથી કે ભારત વિશ્વ ક્રિકેટ પર રાજ કરી રહ્યું છે. વિશ્વનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ BCCI મીડિયા અધિકારોથી અબજોની કમાણી કરે છે ત્યારે પાકિસ્તાનમાં મોટી મુશ્કેલી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફલક પર પાછું ફર્યું છે. આવી સ્થિતિમાં, એક રસપ્રદ પ્રશ્ન એ છે કે બંને લીગમાં રમી રહેલા ક્રિકેટરો કઈ લીગ પસંદ કરશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 લગભગ છેલ્લા 30 વર્ષમાં પાકિસ્તાનમાં આયોજિત થનારી પ્રથમ ICC ટૂર્નામેન્ટ હશે અને તેના પછી IPL રમાશે અને તે જ સમયે PSL પણ યોજાશે ત્યારે વિદેશનો કયો મોટો ખેલાડી તેની સાથે જોડાશે તે જોવાનું રહ્યું.
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના બોર્ડ પણ BCCI સાથે બાથ ભીડવા નથી માગતા
ખેલાડીઓ માટે તિજોરી ખોલનારી ફ્રેન્ચાઇઝી લીગ IPL સાથે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (BBL) સુદ્ધા અથડામણ ટાળે છે. ડેવિડ વોર્નર જેવા મોટા ખેલાડીઓએ ખુલ્લેઆમ કહ્યું છે કે જો બંને એક જ સમયે થશે તો તેઓ ભારતીય લીગને જ પસંદ કરશે. મોટાભાગના કેરેબિયન અને બાંગ્લાદેશી ખેલાડીઓ પાકિસ્તાનમાં રમે છે, જેઓ IPLનો પણ ભાગ છે. ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ રમે છે, પરંતુ ભાગ્યે જ કોઈ ક્રિકેટ બોર્ડ BCCI સાથે બાથ ભીડવાનું વિચારશે.
જય શાહે છાતી ઠોકીને IPL માટે અઢી મહિનાની વિન્ડોની વાત કરી હતી
અહીં એક વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે લગભગ 6 મહિનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ IPLને કાયમી વિન્ડો મળે તેની વિરુદ્ધમાં હતા. વાસ્તવમાં, BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે 2024 થી 2031 સુધીની FTP સાયકલમાં IPL માટે અઢી મહિનાની વિન્ડો હશે. તેમણે કહ્યું હતું કે, “આગામી FTP સાયકલથી, IPL માટે અઢી મહિનાની વિન્ડો હશે જેથી તમામ ટોચના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો તેમાં રમી શકે. અમે અન્ય બોર્ડ અને ICC સાથે પણ આ અંગે ચર્ચા કરી છે.
PCB પહેલાથી જ IPL માટે વિસ્તારીત વિન્ડોનો વિરોધ કરી રહ્યું હતું
તે સમયે PCBના એક અધિકારીએ કહ્યું હતું કે ક્રિકેટમાં પૈસા આવતા જોવું સારું છે પરંતુ IPL માટે દર વર્ષે ટોચના ક્રિકેટરોને સંપૂર્ણ રીતે બુક કરવાની BCCIની યોજના આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય શ્રેણી પર પ્રતિકૂળ અસર કરશે. તમને જણાવી દઈએ કે IPLની પ્રથમ સિઝનમાં પાકિસ્તાનના ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા સોહેલ તનવીર સિઝનનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બન્યો હતો. પરંતુ 2008માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની ખેલાડીઓને IPLમાં સામેલ કરાતા નથી.
IPL મીડિયા રાઇટ્સની હરાજીથી BCCI વધુ સમૃદ્ધ બન્યું
બીજી તરફ BCCIએ થોડા મહિના પહેલા IPLના મીડિયા રાઈટ્સની હરાજી કરી હતી. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે પાંચ વર્ષ માટે મીડિયા રાઇટ્સ વેચીને રૂ. 48,390 કરોડની કમાણી કરી છે. આ સાથે, IPL અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગ (NFL) પછી મેચ દીઠ મીડિયા અધિકારો મેળવનારી લીગની યાદીમાં બીજા ક્રમે આવી ગઈ છે અને તેના કારણે માત્ર PCB જ નહીં પણ દુનિયાભરના ક્રિકેટ બોર્ડને BCCI સામે બળતરા થઇ હશે.